એક સાથી, એક દોસ્ત

15 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

આમ તો મારે આ વાત ‘તારી મારી લવ સ્ટોરી’માં લખવી જોઈએ, પરંતુ ‘સુદામા ઉત્સવ મૈત્રીનો’માં આ વાત લખવાના મારી પાસે પૂરતા કારણો છે. એ બધા કારણોમાં માત્ર બે કારણ રજૂ કરું તો પ્રીતિ એટલે કે, મારી પત્ની સાથે મારા લવ મેરેજ નથી થયાં એટલે સ્વાભાવિક જ અમારી વાત 'તારી મારી લવ સ્ટોરી'માં લખી શકાય નહીં. અને બીજું સૌથી મોટું કારણ એ કે, પરણ્યા પછી અમારી વચ્ચે પ્રેમ તો ઘણો પાંગર્યો છે, પરંતુ અમારો પ્રેમ ટકી રહેવા પાછળનું મુખ્ય કારણ એ કે, અમારી વચ્ચે દોસ્તી અત્યંત ગાઢી છે!

હું પ્રીતિને મળ્યો 2000ની સાલમાં, જ્યારે અમારા સંબંધીઓએ એરેન્જ મેરેજ માટે અમારી મુલાકાત કરાવી આપી. સામાન્ય ઘરોના એવા અમે બંને એકબીજાને પસંદ પડી ગયા અને અમારી આર્થિક સ્થિતિ બહુ વખાણવા લાયક ન હોવા છતાં અમે સંસાર શરૂ કરવાનું નક્કી કર્યું. લગ્ન કર્યા એ દિવસથી તો નહીં, પણ અમારી મુલાકાત થયેલી ત્યારથી અમારી મારી સ્થિતિ બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી અને આ સ્થિતિ જાણતા હોવા છતાં પ્રીતિએ મારી સાથે જીવન વીતાવવાનું નક્કી કર્યું.

લગ્ન કરીને મારા ઘરમાં આવી પછી તો એણે મારી અડધોઅડધ જવાબદારી એના માથે ઉઠાવી લીધી અને પોતે અભાવોમાં જીવતી હોવા છતાં એણે ક્યારેય લેશમાત્ર ફરિયાદ ન કરી. અમારા જીવનને કેમ ઉન્નત કરી શકાય એ માટેના એ સતત પ્રયાસો કર્યા કરતી અને એવા જ પ્રયાસમાં એણે ટિફિન સેવા શરૂ કરવાનું નક્કી કરેલું.

હું તો દિવસભર એક કોમ્પ્યુટર ક્લાસિસની નોકરીમાં હોઉં અને એ ઘરે સીવણ કે બીજા નાનાંમોટા કામો કર્યા કરતી. પણ વખત બચવાને કારણે એણે ટિફિન સેવા શરૂ કરવાનું નક્કી કર્યું અને અમારા વિસ્તારમાં ઘૂમીને શરૂઆતમાં પાંચેક ટિફિન બંધાવવામાં સફળ પણ રહી. મને હતું કે ઘરને સહાયભૂત થવાની એની ભાવના ભલે ઘણી ઉમદા હોય, પરંતુ આ કામ એ લાંબુ કરી શકે એમ નથી. કારણ કે, હું તો સવારના આઠ વાગ્યાથી રાત્રે આઠ સુધી મારી નોકરી પર હોઉં અને ટિફિનના આ કામ બજારમાંથી શાક અને કરિયાણું લાવવાથી માંડીને ખાવાનું રાંધવાનું અને ટિફિન તૈયાર કરીને જુદી જુદી ઓફિસમાં પહોંચાડવાનું અત્યંત શ્રમનું કામ હતું. એમાંય એક માણસ માટે તો આ કામ અત્યંત કપરું હતું.

પરંતુ પ્રીતિ એમ કરવામાં સફળ રહી અને એણે એનો પરિશ્રમ ચાલું રાખ્યો. પછી તો પાંચના પંદર ટિફિન થયાં અને સાથોસાથ ઘરે આવીને જમી જનારા લોકોની સંખ્યા પણ વધવા માંડી. અને આ ક્રમ માત્ર એક સમયનો નહીં, પણ બપોર અને સાંજ એમ બંને સમયનો થઈ ગયો. સાંજે હું ઘરે આવું ત્યારે ત્રણથી ચાર લોકો તો ઘરે જમતા જ હોય અને એ લોકોને જમાડતી વખતે આખા દિવસની થાકેલી પ્રીતિના ચહેરા પર થાકની જરા સરખી કોઈ નિશાની પણ ન હોય.

એને મદદરૂપ થવા મેં પણ મારાથી બનતા પ્રયત્નો કર્યા અને એના કામમાં જરૂરી કરિયાણું અને શાકભાજી મેં લાવી આપવાનું નક્કી કર્યું. અઠવાડિયામાં ત્રણ વખત સાંજે ઓફિસથી આવીને કરિયાણું લઈ આવું તો રોજ સવારે વહેલો ઊઠીને બજારમાંથી ફ્રેશ શાકભાજી લઈ આવું.

કામમાં એની સ્વચ્છતા અને ખોરાકમાં સ્વાદ અને ક્વોલિટીને કારણે એની લોકપ્રિયતા વધતી ગઈ, જેને કારણે એનું કામ દિવસેને દિવસે વધતું જ ગયું. લગભગ દોઢેક વર્ષ સુધી એણે એકલીએ કમ્મરતોડ મહેનત કરી હશે, પરંતુ એના કમ્પેનિયન તરીકે મારાથી એનું કષ્ટ મારાથી સહન નહોતું થતું. અમારી પાસે થોડી બચત તો આમ પણ હતી એટલે અમે નક્કી કર્યું કે, ઘરે ત્રણેક કોમ્યુટર લઈ આવીને મારે ઘરે જ કોમ્પ્યુટરના ક્લાસ શરૂ કરવા, જેથી સવારે અને સાંજે હું એના બધા ટિફિન ઓફિસ કે ઘરોમાં પહોંચાડી આવું.

આ કારણે એને ઘણી રાહત રહેવા માંડી અને એ દૂરના વિસ્તારોના ટિફિન અને ઘરે આવતા અન્ય લોકોની સંખ્યામાં પણ વધારો કરી શકી. આ દરમિયાન ઘરે કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરવાનો મારો પ્લેન સદંતર ફ્લોપ ગયો કારણ કે, 2008 પછી સામાન્ય લોકોએ પણ એમના ઘરે કોમ્પ્યુટર વસાવી લીધા અને માઈક્રોસોફ્ટનું બેઝિક હવે બાળકો માટે રમતવાત થઈ ગયું હતું.

પ્રીતિની ટિફિન સેવાને કારણે ઘર તો બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ તોય મને એવી ઈચ્છા હતી કે, હું કંઈક બીજું કામ પણ કરું, જેથી કાલ ઊઠીને કોઈ આફત આવી પડે તો કોઈ એક કામ અમારા હાથમાં રહે.

એવામાં પ્રીતિએ ડે કેર સેન્ટર શરૂ કરવાનો આઈડિયા શોધી કાઢ્યો અને એ માટે મને સમજાવીને એણે નાનાં બાળકો શોધવાનું કામ શરૂ કર્યું. ડે કેર સેન્ટર માટેનો મારો વિરોધ એટલો જ હતો કે, એ કામમાં મારા કરતા એને જ વધારે મહેનત પડે એમ હતું એટલે એનો શ્રમ નહીં વધે એ માટે હું આનાકાની કરતો હતો. પરંતુ એણે મને સધિયારો આપ્યો કે, થઈ રહેશે! એટલે મેં પણ હિંમત બાંધી.

આ ગાળામાં અમારે ઘરે એક દીકરીનો જન્મ થયો એ વધારાનો અને એની પ્રેગનેન્સી અને ડિલેવરીના સમયે એણે વેઠેલી હાડમારીની તો વાત જ શું કરવી? ટિફિન તૈયાર કરવા માટે અમે એક માસી રાખેલા અને પ્રીતિના મમ્મી પણ અમારે ત્યાં મદદ કરવા રહી ગયા હતા, પણ તોય પ્રીતિનું કામ ઘટતું નહીં અને એ ભયંકર શ્રમ ઉઠાવતી. એના શ્રમને કારણે ક્યારેક તો મારી આંખમાં ઝળઝળિયાં આવી જતાં, પરંતુ એ જ પ્રીતિને જોઈને મને ખૂબ અભિમાન થઈ જતું. કારણ કે, જો પ્રીતિ ન હોત તો હું પણ નહીં હોત એ વાત મને ઘણા વર્ષો પહેલા સમજાઈ ગઈ હતી.

આજે સ્થિતિ એ છે કે, અમારી દીકરી પણ હવે તો દસ વર્ષની થવાની અને પ્રીતિના ટિફિન અને ડે કેરને કારણે અમે બંને અત્યંત વ્યસ્ત રહીએ છીએ. એનું કામ એટલું બધુ વધી ગયું છે કે એણે મદદ માટે એક બાઈ અને એક ભાઈને રાખવા પડ્યા છે. સવાર થતાં અમે ચાર લોકો કામે વળગી જઈએ પછી સાંજ ક્યારે પડી જાય છે એની અમને ખબર સુદ્ધાં નથી પડતી.

એની મહેનતને કારણે જ આજે અમે એક ફ્લેટ અને એક કાર વસાવી શક્યા છીએ અને દીકરીને સારામાં સારી સ્કૂલમાં ભણતર આપી શક્યા છીએ. આજે અમે મહેનત ખૂબ કરીએ છીએ અને મહેનતને કારણે થાકી પણ ખૂબ જઈએ છીએ, પણ સાથે જ એક નિશ્ચિંત જીવન પણ જીવી રહ્યા છીએ. આ બધુ માત્ર ને માત્ર પ્રીતિને કારણે શક્ય બન્યું છે. એની ધગસ અને એની ધીરજને કારણે શક્ય બન્યું છે. એના જેવી મિત્ર મને નહીં મળી હોત તો હું ખરેખર જ રખડી ગયો હોત.

(કંદર્પ પટેલ, અમદાવાદ)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.