એક મોંઘેરી દોસ્ત, એક મોંઘેરી દોસ્તી
આ દોસ્તીની વાત અનોખી છે. ઘણા વખતથી મનમાં એવી ઈચ્છા હતી કે, ક્યાંક તક મળે તો અમારી મૈત્રીના મહાઉત્સવની ગાથા ક્યાંક આલેખવી છે. એવામાં એક મિત્રએ કહ્યું કે, ‘khabarchhe.com’ પર ‘સુદામા… ઉત્સવ મૈત્રીનો’માં દોસ્તી અને દોસ્તો વિશેની વાતો લખવાની તક મળે છે. વળી, મહિલા દિવસ પણ નજીક હતો એટલે થયું ચાલો ‘khabarchhe.com’ની વિઝિટ કરીએ અને ત્યાં અમારી આ અનોખી દોસ્તીની વાત આલેખીએ.
મારી એ મિત્રનું નામ મંજુ. મારા ઘરે મને મદદ કરવા આવતી બહેન. કામવાળી કે નોકરાણી જેવા વાહિયાત શબ્દોથી નવાજવાની દાનત નથી એટલે જ મદદ કરનારી બહેન તરીકેની ઓળખાણ આપું છું. વર્ષ 2001માં વડોદરાથી શિફ્ટ થઈને અમે અમદાવાદ ગયેલા અને ત્યાં ઘર મોટું હોવાને કારણે ઘરકામમાં મદદ કરે એવા બહેનની તાતી જરૂર ઊભી થયેલી.
આજુબાજુમાં તપાસ કરીને શોધ આદરી તો કોઈએ સારા ચોઘડિયાંમાં મંજુનો સંપર્ક કરાવી આપ્યો અને બસ કંઈક એ જ ક્ષણથી શરૂ થઈ અમારી દોસ્તી. એ દિવસે નક્કી થયાં મુજબ મંજુએ બીજા દિવસથી અમારે ઘેર આવવાનું હતું એટલે એ આવી અને પછી શરૂ થયો અમારો ક્વોલિટી ટાઈમ.
શરૂશરૂમાં તો એને નવું લાગતા એ ઝાઝું બોલતી નહીં, પણ પછી ધીરેધીરે એ ઉઘડતી ગઈ. વાતોવાતોમાં મને ખબર પડી કે એ એના પતિથી અલગ રહે છે અને એને એક દીકરી પણ છે. પતિથી અલગ થવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે, એ પિયક્કડ માણસ રૂપિયાની કમાણી કરતો નહીં અને વધારામાં મંજુ પર રૂઆબ જમાવીને એને પરેશાન કરતો. દસેક વર્ષ મંજુએ એ ખેલ ચલાવ્યા કર્યો, પણ પછી નિર્ણય કર્યો કે, આખો દિવસ કમ્મરતોડ કામ કરવાના અને સાંજે માર ખાવાનો, એમ બંને કામ એકસાથે થઈ શકે નહીં. આમેય આપણે જ મહેનત કરવાની હોય તો આ માણસ સાથે જીવવું નથી એમ નક્કી કરીને એ દીકરીને લઈને ગોધરાથી અમદાવાદ આવી ગઈ અને એના વરથી દૂર રહીને અહીં મહેનતનો રોટલો ખાવા માંડી.
એની વાતો સાંભળીને મને ખૂબ હરખ થતો. સાથે જ એના પ્રત્યે માન પણ અત્યંત થતું. જોતજોતામાં અમને એકબીજાની એવી આદત પડી ગઈ કે, જો એકાદ દિવસ એ નહીં આવે કે મારે કોઈક કામથી બહાર જવાનું થાય તો અમે વ્યાકુળ થઈ જઈએ. એમ લાગે જાણે આજનો દિવસ અધૂરો રહ્યો.
એ આવે એટલે અમારે સાથે ચ્હા પીવાની અને પછી અલકમલકની વાતો કરવાની. એ આવે એટલે એની દીકરીની વાત લઈને બેસે અને પછી ફલાણી જગ્યાએ જવું છે અને ફલાણા સગાને મળવું છેની લપ માંડે. એનો સૌથી મોટો ગુણ એ કે, એને જાતજાતની ફિલ્મો અને નવલકથાઓની વાર્તાઓ વિશે જાણવાનો ખૂબ રસ. ફિલ્મો વિશેના એના રસને કારણે અમે ફિલ્મો જોવા તો સાથે જતાં, પરંતુ વાંચવાનું એને બરાબર ફાવે નહીં એટલે મારે એને મેં વાંચેલી નવલકથાઓ વિશે વાતો કરવાની અને એ રીતે એ એના કથારસને સંતોષે.
એની મિત્ર તરીકે એ વાંચી નહીં શકે એનો મને ખૂબ વસવસો એટલે મેં નક્કી કર્યું કે, અઠવાડિયામાં બે દિવસ એણે ઝાડું-પોતા નહીં કરવાના અને એ સમયમાં હું એને અક્ષરજ્ઞાન આપું. બેએક વર્ષ થોડી મથામણ કરવી પડી પરંતુ એનો ફાયદો એ થયો કે, મંજુને વાંચતા અને લખતા બરાબર આવડી ગયું.
મંજુનું વ્યક્તિત્વ હંમેશાં ઉમંગ અને ઉલ્લાસથી હર્યુંભર્યું રહે. એના એ ઉમંગથી હું પણ અલિપ્ત નહીં રહી શકું અને એની જેમ જ હું પણ અકારણ ખુશ થયાં કરું. મંજુ સાથેની મિત્રતાની સૌથી મોટી ઉપ્લબ્ધી જ એ કે, આપણે જીવનમાં હંમેશાં ખુશ રહેવું. અકારણ તો અકારણ!
મારા જીવનમાં તો મારી પાસે ઘણા આધારો હતા, પરંતુ અમદાવાદમાં મંજુની આધાર હું જ એકમાત્ર. મારી સાથેની વાતમાં એ આખેઆખી ઠલવાઈ પડે અને જીવનના દરેક તબક્કે મારી પાસે સલાહ લે.
અમે નક્કી કરેલું જેમ હું એને માત્ર મંજુ કહુ એમ એણે પણ મને બહેન કે મેડમ નહીં, પણ જયશ્રી જ કહેવાનું. મારી ઘરે કોઈક મહેમાન આવી ચઢ્યું હોય અને એમની હાજરીમાં મંજુ, ‘ચાલ જયશ્રી, હું નીકળું. કાલે સહેજ મોડું થશે.’ એમ કહે તો તેઓના મગજ ચકરાવે ચઢી જાય. કેટલાક વળી, મને એમ પણ સલાહ આપી જાય કે, ‘કામવાળાને તે કંઈ આમ માથે ચઢાવાતા હશે?’ તો હું પણ એમને સણસણતો જવાબ આપું કે, ‘મંજુ ક્યાં મારી કામવાળી છે. એ તો મારી મિત્ર છે. એમાં તમારે ડહાપણ કરવાની શું જરૂર?’
હવે તો અમારી મૈત્રીને પંદરથી પણ વધુ વર્ષો થવાના. છેલ્લા પંદર વર્ષમાં અમારી સોસાયટીમાં કે ઓળખીતાઓને ત્યાં કામ કરનારાઓ અનેક વખત બદલાયા. મંજુએ પોતે મારા ઘરને બાદ કરતા અનેક ઘરે ચલક ‘ચલાણી કયે ઘેર ઘાણી…’ કર્યું. પણ મારે ઘરે એ અખંડ છે. એનું કારણ એક જ કે, અમારી મિત્રતા અખંડ છે. છેલ્લા પંદર વર્ષમાં અમને અમદાવાદે ઘણું આપ્યું. પણ મંજુથી મોંઘેરું કશું જ નથી. કશું જ નહીં એટલે કશું જ નહીં!
(જયશ્રી પંડ્યા, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર