મોતની ક્ષણે મહોરેલી મિત્રતા
એકવાર અમારે ચાર મિત્રોએ અન્ય એક મિત્રના લગ્નમાં રાજસ્થાન જવાનું હતું. અમદાવાદથી ઠેઠ રાજસ્થાન જવાનું હતું અને એ પણ ડિસેમ્બર મહિનાની ઠંડીમાં જવાનું હતું! એટલે અમે નક્કી કરેલું કે, લગ્ન પતે એટલે લગ્ન સ્થળની આજુબાજુ કોઈક સારી જગ્યાએ અમે ફરી આવીશું. મિત્રના લગ્ન રાજસ્થાનના ફાલનાથી થોડે દૂર હતા અને ત્યાંથી અમે પાંચેક કલાકની બસ યાત્રા કરીને ઉદયપુર જઈ શકવાના હતા. અમે બધા ભણીને તાજા જ નોકરીએ વળગેલા એટલે અમારા બધા પાસે લાંબી રજા ન હતી અને અમારી પાસે સિલકમાં માત્ર બે દિવસ હતા. એટલે દસ-બાર કલાકની બસની જર્ની અને બાકીનો એકાદ દિવસ અમે ઉદયપુર શહેર ફરીશું એવી ગણતરી કરીને અમે ફાલનાથી થોડે દૂર પાલીથી ઉદયપુર જતી રાજસ્થાન પરિવહનની બસ પકડી.
આપણા રાજ્યની એસટીની જેમ એ બસ પણ ઝાઝી વખાણવા લાયક ન હતી. એ બસમાં બેસવાના માત્ર બે જ લાભ હતા. એક તો એ બસ અમને રાહત દરમાં ઉદયપુર પહોંચાડવાની હતી અને બીજું એ કે, એ બસમાં રાજસ્થાનની સંસ્કૃતિના જીવંત ઉદાહરણસમા ભાતભાતના લોકો ચઢ્યાં હતા! અધૂરામાં પૂરું તાનસેનના કૂળ સાથે સીધો સંબંધ ધરાવતા હોય એવા સંગીતના શોખીન અમારા બસ ડ્રાઈવરે બસમાં મોટે મોટેથી રાજસ્થાની આલબમના સી ગ્રેડ ગીતો મૂક્યાં હતા, જેને સાંભળીને કેટલાક રાજસ્થાની બુઢ્ઢાઓ અમસ્તા જ એમના ડોકા ધૂણાવતા હતા.
પાલીથી અમે સાંજના સવા છ વાગ્યાની આસપાસ બસ પકડી હતી અને એ બસ અમને મળસ્કે ત્રણેક વાગ્યાની આસપાસ ઉદયપુર પહોંચાડવાની હતી. અમે ચારેય મિત્રોએ બસની છેલ્લી સિટ કબજે કરી હતી. અને બસ શરૂ થયેલી ત્યારથી અમે પણ પેલા સી ગ્રેડ રાજસ્થાની ગીતોના તાલે ધમાલ-મસ્તી કરવાની શરૂ કરી દીધી હતી. બસમાં બે-અઢી કલાક ક્યાં વીતી ગયા એની અમને જાણ સુદ્ધાં થઈ ન હતી. અમે તો અમારી મસ્તીમાં જ હતાં ત્યાં નિર્જન પહાડી રસ્તો શરૂ થયો અને બસ ધીમેધીમે એક પછી એક ઘાટ ચઢવા માંડી. ધમાલમાં રમમાણ અમને થોડા સમય પછી ખબર પડી કે, અમે ગોળાકાર ઘાટો ચઢતા ચઢતા ઘણા ઉપર આવી ગયા છીએ. બસની બારીમાંથી અમે નીચે જોયું તો નીચેની તરફ દૂર ક્યાંક પ્રકાશનું ઝૂમખું દેખાતું હતું, જે દૂર કોઈક રાજસ્થાની નગરના હોવાપણાની નિશાની દર્શાવતું હતું. બાકી આજુબાજુ ઘટાટોપ જંગલ અને એનાથીય વિકટ અંધારામાંથી અમારી બસ રસ્તો કરીને પસાર થઈ રહી હતી.
એ પ્રવાસ પહેલા પણ અમે અનેક પ્રવાસો કર્યા હતા અને અનેક વખત મસમોટા ઘાટ ચઢવા ઉતરવાના પણ આવ્યાં હતા. પરંતુ રાજસ્થાનનો એ ઘાટ અમને શરૂઆતથી જ વિચિત્ર લાગતો હતો. અમને આશ્ચર્ય એ વાતનું હતું કે, ઘાટ ચઢવાના શરૂ કર્યા પછી અમારી બસ સિવાય અમને સમ ખાવા પૂરતુંય એકાદ સાધન જોવા મળ્યું ન હતું. ગભરાઈને અમે આજુબાજુમાં પૂછતાછ કરી તો અમને જાણવા મળ્યું કે, એ ઘાટ સામાન્ય ઘાટ કરતા થોડો વધુ મુશ્કેલ હોવાને કારણે સાંજના સમયે અહીં લોકોની અવરજવર ઓછી છે. વળી, અહીં કેટલાક વિસ્તારોમાં રસ્તા પર લૂંટફાંટના કિસ્સા બનવાની સંભાવનાઓ પણ વધુ રહે છે એટલે કાર કે નાના ઝૂમખામાં પ્રવાસ કરતા લોકો રાત્રે ભાગ્યે જ અહીંથી પ્રવાસ કરે છે.
સહપ્રવાસીઓની વાત સાંભળીને અમે ચારેય ગભરાઈ ગયેલા કારણ કે આપણા ગુજરાતમાં આવું ડારમણું વાતાવારણ અમે ક્યારેય નહોતું જોયું. આપણા આદિવાસી વિસ્તારોમાં પણ નહીં! જોતજોતામાં અમારી બસ અત્યંત ઉંચાઈએ પહોંચી ગઈ. અને અચાનક બસ ઘરરર કરીને અટકી ગઈ. અમારી બસ જ્યાં અટકી હતી એ વળાંક અત્યંત સાંકળો હતો, જેની એક તરફ મોટી ચટ્ટાનો અને બીજી તરફ અગાધ ખીણ હતી. ખીણ તરફની કોરે લોખંડની પાળીઓ હતી, જેના પર વાનરોના ટોળાં બેઠા હતા. અમારી બસનો ડ્રાઈવર બસને ઉપર ચઢાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ બસ કેમેય કરીને ઉપર ચઢી રહી નહોતી. ડ્રાઈવર બસને સીધી રિવર્સ પણ નહોતો કરી શકતો કારણે પીસ્તાળીસ ડિગ્રીના વળાંક પર જો બસ સીધો રિવર્સ લેવા જાય તો પાછળની તરફ સીધી ખીણમાં ખાબકવાની પૂરેપૂરી સંભાવના હતી. એટલે બસના ડ્રાઈવરે રિવર્સ લેવાની જગ્યાએ બસએ બ્રેક મારી દીધી. અચાનક બસની આવી ચહલપહલથી બસમાં બેઠેલા લોકો હરકતમાં આવી ગયા. બસમાં અમારા ચાર સહિત પચાસેક લોકો હશે.
બસના ડ્રાઈવરે ફરીથી એક પ્રયત્ન કરી જોયો અને અને બસને ધડાકાભેર શરૂ કરીને આગળની તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો. બસ ફરીથી નહીં ચઢી અને બસમાં બેઠેલા લોકોએ જરા સરખીવારમાં હોહા મચાવી દીધી. બસની બહાર પાળી પર બેઠેલા વાનરોએ પણ ચિત્કાર મચાવ્યો, જેના કારણે વાતાવરણ વધુ ભયાવહ થઈ ગયું. ડ્રાઈવરે ફરીથી બસને બ્રેક મારીને ઊભી રાખી. ડ્રાઈવર આમારા સૌ આગળ રીતસરનો કરગરી ઉઠ્યો કે, તમે બધા શાંતિ રાખો અને બધા પોતપોતાના ભગવાનને યાદ કરો. છેલ્લી સિટ પણ બેઠેલા અમે ચારેય મિત્રો ગાઢ અંધારું હોવા છતાં થોડી જ છેટી ખીણને અનુભવી શકતા હતા. રાતના દસેક વાગ્યા હશે. અમે બધા પસીનાથી રેબઝેબ હતા. અમને ચારેયને એકબીજાની આંખમાં મોત દેખાતું હતું. એવામાં એક મિત્રએ કહ્યું કે, ‘અકસ્માત થયો તો આપણા ઘરે જાણ કોણ કરશે? અને એમને ખબર ક્યારે પડશે કે આપણે બધા નથી રહ્યા? આપણા મડદાં ઘરે પહોંચશે ખરા?’
વળી, બીજાએ પ્રાર્થના કરી કે, ‘હે ઈશ્વર, અમને બચાવી લે. અને ધારોકે તે મોત આપવાનું નક્કી જ કર્યું હોય તો અમારા ચહેરા ઓળખાય એવા રાખજે. અમારા ઘરના લોકોને અમારો ચહેરો સરખો જોવા મળે એવું શરીર રાખજે.’ અમે રીતસર રડી પડ્યાં. એ ગાળામાં ડ્રાઈવર સતત પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ કન્ડક્ટરના ચહેરા પરથી આશા ઉડી ગયેલી જણાતી હતી. આ બધી ઘટના પાંચેક મિનિટના ગાળામાં જ બની હતી. એવામાં બસમાંના એક વૃદ્ધને શું ચાનક ચઢી કે એ જોરજોરથી રામદેવ પીરના નારા બોલાવવા માંડ્યો. પાછળ બેઠેલા નખશિખ ગુજરાતીઓ એટલે કે અમે પણ ‘બોલો શ્રી અંબે માત કી…’નો જયઘોષ શરૂ કર્યો. વાતાવરણમાં અચાનક હકારાત્મકતા આવી અને કોણ જાણે કઈ અદૃશ્ય શક્તિઓ અમારી મદદે આવી કે, છેલ્લી સાત-આઠ મિનિટથી ઉપલો વળાંક નહીં ચઢી રહેલી બસ કોઈ સમથળ રસ્તા પર ચાલતી હોય એમ પેલો વળાંક ચઢી ગઈ. અને ધીરે ધીરે એ બસ બધા ઢાળ ઉતરીને કલાકેક પછી મેદાની પ્રદેશમાં આવી પહોંચી.
બસ જેવી એક હોટેલ પર ઊભી રહી કે બસમાં બેઠેલા તમામ મુસાફરો નીચે ઉતરીને એકબીજાને ભેટી પડ્યાં. સાવ અજાણ્યાં માણસોને આટલી આત્મીયતાથી ભેટવાનો આનંદ કંઈક અનેરો હતો. જો ત્યારે અમારી ક્ષણ ન સચવાઈ હોત તો અમે બધા ભેગા મૃત્યુને ભેટ્યાં હોત. અમારા બધા વચ્ચે ફક્ત આટલો જ સંબંધ હતો! અમે ચારેય મિત્રો પણ એકબીજાને ભેટ્યાં અને ભેટતી વખતે અમારી આંખોમાં પાણી હતા. કારણ કે અત્યાર સુધી જલસાની ક્ષણોમાં સાથે જીવેલા અમે મૃત્યુની ક્ષણે પણ સાથે જ હતા. બસ જ્યારે ઉપર ચઢતી ન હતી ત્યારે અમારા ચારેયના હાથ એકબીજાના હાથમાં પરોવાયેલા હતા. કદાચ… બસ ખીણમાં ખાબકી હોત તો ખીણમાં કાટમાળની નીચે પણ અમારા હાથ એકબીજાના હાથમાં જ હોત!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર