એક વર્ચ્યુઅલ ફ્રેન્ડશીપ
વિજ્ઞાન કહે છે કે, સમય સાપેક્ષ છે. તો સંબંધોની બાબતે હું એમ માનું છું કે, મિત્રતા પણ એક સાપેક્ષ સંબંધ છે, જ્યાં મિત્રતાની અનુભૂતિ અને આ સંબંધની વ્યાખ્યા વ્યક્તિએ, વ્યક્તિએ જુદી જુદી જોવા મળે. જોકે જુદાં જુદાં લોકોએ આ સંબંધની વ્યાખ્યા અને અનુભૂતિ ભલે અલગ હોય પરંતુ એ બધાંમાં સામ્યતા એક જ છે કે, આ સંબંધની મધૂરપ બધે જ એક સરખી હોવાની! આ જ મજા છે મિત્રતાની, જ્યાં લડવા ઝગડવામાં પણ એક અનેરી મજા હોય છે. ખેર, મારે વાત કરવી છે મારી એક અનોખી મૈત્રી વિશે. મારો એ મિત્ર ન તો મારો લંગોટીયો યાર છે કે ન એ મિત્ર મારી સાથે શાળામાં એક પાટલી પર બેસીને ભણ્યો. કે ન તો એ મારી સાથે કોલેજમાં ભણ્યો કે ન અમારી સોસાયટી કે શહેરમાં ક્યાંક આસપાસમાં રહ્યો. પણ તોય અમારી મૈત્રી બંધાઈ, ગાઢ મિત્રતા થઈ અને આજે પરિસ્થિતિ એવી છે કે, એકબીજા સાથે જ્યાં સુધી વાત નહીં કરીએ ત્યાં સુધી અમારો દિવસ નથી પૂરો થતો.
મારો મિત્ર એટલે અખિલ. વર્ષ 2007માં સાવ અચાનક સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઓરકુટ પર જડી ગયેલો. અમને બંનેને સાહિત્ય અને કવિતામાં રસ એટલે અમે બંને ઓરકુટ પરના એક ગ્રુપના મેમ્બર હતા. એ ગ્રુપના બધા સભ્યો પોતાનું કાચું-પાકું લખાણ અપલોડ કરતા અને પછી લોકો એ લખાણ પર પોતાના વિચારો રજૂ કરતા. બીજાઓની જેમ અમે બે પણ પોતપોતાની કવિતાઓ અપલોડ કરતા. એવામાં એક દિવસ અખિલે મારી એક કવિતા પર કોમેન્ટ કરી અને પછી અમે એકબીજાના સંપર્કમાં આવ્યાં. એણે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પછી એકબીજાના સોશિયલ મીડિયા પરના ફ્રેન્ડ્સ બની ગયા. ત્યારે તો એકબીજાને સ્ક્રેપ્સ મોકલવાનો ટ્રેન્ડ હતો એટલે અમે એકબીજાને સ્ક્રેપ્સ મોકલીને ચેટિંગ શરૂ કર્યું. થોડા દિવસોની મૈત્રી બાદ અમે એકબીજાના નંબંર્સ પણ શેર કર્યાં. પરંતુ અમને મજા તો ઓરકુટ પર જ આવતી.
ત્યારે તો આમ પણ કોલેજ જીવનની નવરાશ હતી એટલે કોઈક દિવસ કોલેજમાં જઈએ તો ઠીક અને ન જઈને ઘરે જ આરામ ફરમાવીએ તો એનાથી બહેતર જેવી પરિસ્થિતિ હતી. અને કોલેજ જવાનો આળસુ એવો હું અઠવાડિયામાં બેએક દિવસ જ કોલેજ જતો! બીજી તરફ અખિલ પણ મારી જેમ જ આર્ટ્સનો વિદ્યાર્થી, એટલે એ પણ અડધા દિવસ કોલેજે નહીં જતો. એટલે રોજ સવાર થતામાં ઝડપથી તૈયાર થઈને અમે અમારા પીસી પર ગોઠવાઈ જતાં અને પછી કલાકો સુધી અમે ચેટ કરતા રહેતા. હું ઠેઠ ગોધરા રહું અને અખિલ રહે ભાવનગર. અમારી વાતોમાં કવિતા-સાહિત્ય તો હોય જ પણ સાથે જ ફિલ્મો, છોકરી અને સેક્સ જેવા વિષયો પર પણ અમે ભારે ટેસથી વાત કરતા! અમારી એ મૈત્રીમાં માત્ર અમારા શહેરો જ જુદાં હતા. બાકી, અમારા વિચારો અને શોખ લગભગ એકસરખા હતા, જેના કારણે અમને એકમેક સાથે ખૂબ ફાવતું.
ત્યાર પછી તો ફેસબુક આવ્યું એટલે એના ચેટ મેસેન્જરને કારણે અમને ચેટ કરવામાં ઓર મજા આવવા લાગી અને અમારી મિત્રતા સોળે કળાએ ખીલવા માંડી. રોજ અમે કોઈને કોઈ વિષય પર લાંબી વાતો કરીએ અને એકબીજા સાથે કલાકો સુધી ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ. પાછળથી તો અમે એમ પણ નક્કી કર્યું કે, અમારે અમારા કોર્સની નવલકથાઓ અને વાર્તાઓની એકબીજા સાથે ચર્ચા કરવાની. આ ઉપરાંત ગુજરાતી-અંગ્રેજી સાહિત્યના પુસ્તકો વાંચીને એની ચર્ચા કરવાનો ક્રમ શરૂ કર્યો. અમારા ઘરના લોકો અમારા પર ભારે ગુસ્સે રહેતા. કારણ કે, એમને એમ જ હતું કે, અમે અમારા ભણતરને નેવે મૂકીને ઈન્ટરનેટ પર આખો દિવસ ટાઈમ પાસ કરીએ છીએ. જોકે એમને એ વાતની ખબર નહોતી કે, અમે ઈન્ટરનેટ પર આખો દિવસ નકામી ચેટિંગ ભલે કરતા હોઈએ, પરંતુ એની સાથે અમે અમારા ભણતર અને એની સાથે જ સંકળાયેલા અમારા શોખ એવા સાહિત્યની ઉંડી અને અર્થપૂર્ણ ચર્ચામાં નિમગ્ન રહેતા.
ત્યારબાદ તો વર્ષ 2011 પછી વ્હોટ્સ એપ મેસેન્જર પણ આવ્યું અને અમે એકબીજા સાથે વ્હોટ્સ એપ પર વાતો શરૂ કરી. હવે અમને પીસી ઓન કરીને વાતો કરવાની જરૂર રહી ન હતી. અમે કોલેજમાં બેઠાં બેઠાં કે બજારમાં રખડતા પણ એકબીજા સાથે ચેટિંગ કરતા રહેતા. અમારી ફ્રેન્ડશીપને લગભગ ચાર વર્ષ થઈ ગયા હતા પરંતુ એ દરમિયાન અમે ક્યારેય મળ્યાં ન હતા. એનું કારણ એ જ કે, ન તો ક્યારેક મારે કોઈ કામે સૌરાષ્ટ્ર તરફ જવાનું થયું કે ન ક્યારેય એને ગોધરા તરફ કોઈ કામ આવ્યું. સ્પેશિયલ મળવા માટે અમે એટલા બધા ઉત્સાહમાં ન હતા. કારણ કે અમારા ચેટિંગ દરમિયાન અમે એકબીજા સાથે મન-હ્રદયથી એટલા બધા મળી ગયા હતા કે, અમારા દેહ એકબીજાને મળે કે એકબીજાને ભેટીને મૈત્રીનો ઉત્સવ ઉજવે એનાથી અમને કોઈ ફરક પડતો ન હતો!
અમારી આ ચેટિંગ દરમિયાન જ અમે અમારું પોસ્ટ ગ્રેજ્યુએશન પુરું કર્યું, જ્યાં અમે બંનેએ અમારા ભણતણમાં ઉજ્વલ દેખાવ કર્યો હતો. મારા કરતા માત્ર એક વર્ષ આગળ ભણતા અખિલે તો એના થર્ડ યરમાં યુનિવર્સિટીમાં બાજી મારી હતી. તો ત્યાર પછીના વર્ષે હું પણ મારી કોલેજમાં બીજા ક્રમે રહ્યો. આ બધું અમારી મિત્રતાને કારણે જ થઈ હતું કારણ કે, અમારા ભણતરમાં અમારું વાંચન અને અમારી ચર્ચાઓ જ અમને કામમાં આવતી હતી. ગ્રેજ્યુએશન બાદ અમે પોસ્ટગ્રેજ્યુએટ પણ થયાં. પોસ્ટ ગ્રેજ્યુએશનના વર્ષોમાં પણ અમે એકબીજા સાથે સતત સાંપર્કમાં રહ્યા. મારા કરતા એક વર્ષ આગળ ભણી રહેલા અખિલે હું જ્યારે એમ.એ. પાર્ટ ટુમાં હતો ત્યારે પી.એચડી શરૂ કરી દીધું હતું. અને એને જોઈને મેં પણ પી.એચડી કરવાનું નક્કી કર્યું.
સાચું કહું તો હું કોલેજમાં દાખલ થયેલો ત્યારે મને સાહિત્યમાં થોડોઘણો રસ હતો પરંતુ મને ભણવામાં કોઈ રસ નહોતો. પરંતુ ભણતર અને સાહિત્ય બંનેમાં જબરો શોખ ધરાવતા અખિલે એની સાથે મને ભણતર અને વાંચનનો શોખ લગાડ્યો, જેના કારણે મારી કલ્પના શક્તિ ઉઘડી અને હું વિવિધ બાબતોને કંઈક જુદા દૃષ્ટિકોણથી જોતા શીખ્યો. અમારા ભણતરની સાથે અમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા રહેતા. એવામાં જ મારું એમ.એ. સમાપ્ત થતાં સુધીમાં મેં એસ.બી.આઈના ઓફિસર માટેની એક સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને એમાં હું પાસ થઈ ગયો. બેંકમાં સારા પગારની નોકરી મળી જતાં મેં એ તક ઝડપી લીધી અને મેં મારો પી.એચડી કરવાનો વિચાર માંડી વાળ્યો. બીજી તરફ અખિલ પોતાના પી.એચડીના સંશોધન દરમિયાન એની જ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ ગયો.
આજે હવે પરિસ્થિતિ એ છે કે, અમારા કરિયરની બાબતે નિશ્ચિંત થઈ ગયા છીએ. કાલ ઉઠીને એ પી.એચડી થઈ જશે એટલે એ તો મારા કરતાય આગળ નીકળી જશે. પણ મને એ વાતની હંમેશાં ખુશી રહેશે. અને એ વાતનો પણ આનંદ થાય છે કે, અખિલના વિદ્યાર્થીઓ કેટલા લકી હશે, જેમને આવા ઉત્સાહી અને બાહોશ અધ્યાપકના હાથ નીચે ભણવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ આઠ વર્ષની આ દોસ્તીમાં સોશિયલ મીડિયામાં ભારેભરખમ બદલાવો આવી ગયા હોવા છતાં અને દુનિયા પણ ઘણે અંશે બદલાઈ ગઈ હોવા છતાં અમે હજુ સુધી એકબીજાને મળ્યાં નથી. જોકે આવતા ડિસેમ્બરમાં અખિલના લગ્ન છે એટલે એના લગ્નને ટાણે મારું ભાવનગર જવાનું થશે જ. ત્યારે અમે પહેલી વાર સદેહે મળીશું. જોકે આ અમારી મૈત્રીની જ મહાનતા હશે કે જીવનમાં એકબીજાને પહેલીવાર મળવાનું થશે તોય અમને એકબીજા સાથે જરાયે અજાણ્યું નહીં લાગે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર