ચઢી મૂઝે યારી તેરી એસી...
મિત્રની વાત નીકળે એટલે માનસપટ પર ઘણા બધા મિત્રો તરી આવે. પણ એ વાત પણ સાચી છે કે, એમાંથી ખાસ મિત્રતા તો કોઈક એકાદ-બેની સાથે જ હોય, જે ખરા અર્થમાં મિત્ર તરીકે રહીને મિત્રતા નિભાવે. હું એવા વિસ્તારમાં ઉછર્યો છું કે, જ્યાં મારા ઘણાં બધા મિત્રો છે. અને એ ઘણા બધા મિત્રો સાથે મિત્રતા પણ સારી છે. આજે કોલેજ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણા મિત્રો બન્યા છે... પણ એકદમ ખાસ મિત્ર તો હું રહું છું તે વિસ્તારમાં હજી બન્યો નથી... પણ હા.. એક મિત્ર છે જેને હું ખાસ મિત્ર કહી શકું..
કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ ચાલતો હતો અને દિવાળી વેકેશનમાં અમારી કોલેજ તરફથી ટ્રેકિંગ કેમ્પ ગોઠવાયો અને એ સાત દિવસોમાં કોલેજનો એક મિત્ર જે આમ તો મારા મિત્ર વર્તુળમાં જ આવે. પણ તેની સાથેની મિત્રતા તે દિવસો દરમિયાન ગાઢ બની ગઈ. કારણ કે અમારા સ્વભાવ અને શોખ મેચ થતાં હતા.
મારા એ મિત્રનું નામ ભદ્રેશ છે. આમ તો એ મારા વિસ્તારમાં જ રહે છે અને અમે કોલેજમાં સાથે જ છીએ. કોલેજમાં ટ્રેકિંગ કેમ્પના સમાચાર મળ્યા કે તરત જ એ મારી પાસે આવ્યો હતો અને મને પૂછવા લાગ્યો કે, દિવ્યેશ તું ટ્રેકિંગ પર જવાનો છે? મેં કહ્યું કે, હા, અને એને જાણે કંપની મળતાં જ એ પણ તરત તૈયાર થઈ ગયો. એમાં જાણે વાત એમ હતી કે, એ એના મા-બાપનું એકનું એક સંતાન એટલે કોઈપણ જગ્યાપર એકલા મોકલતા પહેલાં તેના માતા-પિતા ખૂબ તપાસ કરે અને પછી જ એને મોકલે. તેમાં પણ આવી રીતે ભદ્રેશને એકલાને તો એમણે ક્યારેય ક્યાંય મોકલ્યો જ નહોતો.
બે જ દિવસમાં એણે મારી સાથે ગાઢ મિત્રતા કેળવી લીધી. અને એ મને એના ઘરે લઈ ગયો. મેં એના માતા-પિતાને કહ્યું કે, હું પણ જવાનો છું. અમે સાથે જ હોઈશું. કંઈ ચિંતા કરશો નહીં... ત્યારે એને ટ્રેકિંગ કેમ્પમાં આવવાનું મળ્યું. હું એવું વિચારતો હતો કે મારા એકવાર કહેવાથી અને એને કંપની આપવાથી જો એને કેમ્પમાં આવવાનું મળતું હોય તો ખોટું પણ શું છે. ભદ્રેશ સામાન્ય રીતે તરત કોઈની સાથે હળીમળી જાય એવા સ્વભાવનો નહોતો. પણ એને મારી સાથે ફાવી જ ગયું.
ટ્રેકિંગ દરમિયાન અમે એક અઠવાડિયું સાથે રહ્યા.. એનાં ઘરે તો મેં મૌખિક જવાબદારી લીધી હતી. એટલે હું એનું વિશેષ ધ્યાન રાખતો હતો.. અને તે દિવસો દરમિયાન મેં એની કાળજી રાખી પણ ખરી... અને મારા આ પ્રકારના વર્તનથી એ ઘણો ખુશ થયો. એને ટ્રેકિંગનો સામાન લઈને ચાલવામાં, ચઢાણ ચઢવામાં અને જમ્પ મારવામાં ઘણી તકલીફ પડતી હતી એટલે મેં એનો વજનદાર સરસામાન ઉંચકી લીધો હતો... અને દરેક જગ્યા પર એને હેલ્પ પણ કરતો રહ્યો... જોખમકારક જગ્યાઓ પર તો એ ડરી પણ જતો હતો... ત્યારે મારે જ એને હિંમત આપવી પડતી હતી... મારા સાથ સહકારથી ભદ્રેશ ટ્રેકિંગ સફળ રીતે પૂર્ણ કરી શક્યો. આ રીતે એક અઠવાડિયું 24 કલાક સાથે રહેવાને કારણે અને એકબીજાની સંભાળ રાખતા-રાખતાં અમે ગાઢ મિત્રો બની ગયા...
અઠવાડિયું ક્યાં પૂરું થઈ ગયું તેની તો ખબર પણ પડી નહીં. ટ્રેકિંગ પરથી પાછા આવ્યા બાદ તે રોજ સાંજે નિયમિત રીતે મારા ઘરે આવતો. અમે પિક્ચર જોવા જવાનું સાથે જ ગોઠવતા... ક્યારેક એના ઘરે કંઈક સારુ રાંધ્યું હોય તો એ મારા માટે લેતો પણ આવતો. ક્યારેક એ મારા ઘરે ચા-નાસ્તો પણ કરી લેતો. દિવાળી વેકેશન પૂર્ણ થયું અને કોલેજ શરૂ થઈ ત્યારે અમે કૉલેજ સાથે જતા-આવતા હતા. અને એકબીજાને એકદમ સારી રીતે ઓળખી ગયા અને અમારા કુટુંબો પણ અમને બરોબર ઓળખતા થઈ ગયેલા. પરીક્ષાના સમયમાં લાઈબ્રેરીમાં વાંચવા સાથે જ જતા...
ભદ્રેશ આમ ખુબ જ સરળ પ્રકારની વ્યક્તિ અને એના એકદમ નિખાલસ સ્વભાવના કારણે મને એની સાથે ઘણું ફાવી ગયેલું. અમારા બંનેના કુટુંબમાંથી કોઈપણના કુટુંબમાં કોઈ પ્રસંગ હોય તો અમે બંને સાથે જ હોઈએ. સૌથી અગત્યની વાત તો એ હતી કે, એના માતા-પિતાને મારા ઉપર ખૂબ વિશ્વાસ એટલે ક્યાંય જવાનું હોય તો તરત જ પૂછે કે, દિવ્યેશ સાથે આવવાનો છે? અને ભદ્રેશ કહે કે, હા. એટલે એને રજા મળી જાય..
આજે તો અમે કૉલેજ પૂર્ણ કરી દીધી છે અને અમે પોતપોતાના વ્યવસાયમાં જોડાઈ ગયા છીએ.. પણ હજી પણ અમારી મુલાકાત એ જ રીતે થતી રહે છે, જે રીતે અમે કૉલેજમાં ભણતા હતા ત્યારે મળતા હતા. સૌથી અગત્યની વાત તો એ થઈ કે, અમારી મિત્રતા હવે કદી અટકવાની નથી... અમે મિત્રો તરીકે જિંદગી ભર મળતા રહીશું... કારણ કે, એના લગ્ન મારી કઝિન સાથે જ નક્કી થયા છે એટલે હવે અમારી વચ્ચે નવો એક સંબંધ પણ બંધાશે.. આ વાતની અમને બંનેને ખૂબ ખુશી છે.
(દિવ્યેશ પટેલ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર