દોસ્તીમાં તે વળી ઉંમરના શા ભેદ?
દોસ્તી સામાન્યતઃ હમઉમ્ર લોકો સાથે થતી હોય છે. નાનપણથી લઈને આપણે મોટા થઈએ ત્યાં સુધી આપણને સ્કૂલ, ટ્યુશન કે કૉલેજમાં મળતા દોસ્તો સાથે આપણી દોસ્તી થઈ જતી હોય છે. પાછળથી ઓફિસમાં કામ કરતા આપણી ઉંમરના સહકર્મચારીઓ સાથે પણ આપણી દોસ્તી જામી જતી હોય છે. હમઉમ્ર વ્યક્તિઓ સાથે કેળવાતા આ સંબંધને આપણે મૈત્રી અથવા દોસ્તીનું નામ આપી દેતા હોઈએ છીએ. તો એ જ રીતે જીવનમાં કેટલીક વખત આપણને આપણા કરતા મોટી ઉંમરના લોકો સાથે પણ સારું બનતું હોય છે, આપણને એમનો સાથ ગમતો હોય છે અને આપણે જેમ દોસ્તોની વાતો કરીએ એમ જ એમની સાથે પણ વાતો કરતા હોઈએ છીએ. પરંતુ એવા સંબંધને આપણે દોસ્તીનું નામ આપી શકતા નથી. બલ્કે આપણે પેલી વ્યક્તિને વડીલ કહીને એ સંબંધમાં નાહકની સીમારેખા દોરી દેતા હોઈએ છીએ.
મને પણ એક એવી વ્યક્તિ સાથે દોસ્તી છે, જેની અને મારી ઉંમરમાં જમીન આસમાનનો તફાવત છે. મજાની વાત એ છે કે, મારી ઉંમર તો એ વ્યક્તિના સંતાનો કરતા પણ નાની છે. અને એથીય મજાની વાત એ છે કે, હું પુરુષ છું, તો એ સ્ત્રી છે! મારી ઉંમર પચીસ વર્ષની છે તો એની ઉંમર અંકે પૂરા 60! પણ, છતાંય અમારી વચ્ચે મૈત્રી છે, દોસ્તી છે અને ખરા અર્થની યારી છે. અમે અમારી વચ્ચેની યુવાન અને વડીલની ફાલતું ભેદરેખા ભૂંસી કાઢી છે અને એકબીજાને નામથી જ બોલાવીએ છીએ. હું ઉંમરમાં નાનો એટલે એ તો મને સ્વાભાવિક જ અભિષેક કહે, પરંતુ હું પણ એને નીના જ કહું! નીના બહેન શેના? મિત્રતા એટલે મિત્રતા જ વળી, એમાં પછી ભાઈ અને બહેનના ભેદ શાના? હા એટલું ખરું કે અમારી આ મૈત્રીમાં અમે એકબીજાને 'તું તા' નથી કરતા. નીનાની ઉંમરનું માન ખાલી આટલા પૂરતું જ મર્યાદિત કે, હું એમને હંમેશાં 'તમે' કહીને જ બોલાવું!
અમારી દોસ્તી સોશિયલ મીડિયાને કારણે થયેલી. ફેસબુક પરના કોઈક કોમન ગ્રુપમાં અમે હતા અને અમે બંને એકબીજાની પોસ્ટ લાઈક કરતા રહેતા. જે-તે વિષય પરના એકબીજા વિચારો ગમતા એટલે જ તો! બાકી અમસ્તી જ કોઈની પોસ્ટને લાઈક થાય ખરી? લાઈક્સ બાદ અમે ફેસબુક પર ચેટિંગ શરૂ કર્યું અને એકબીજાના ખબર અંતર પૂછવાથી લઈને બીજાની ગોસિપ સુદ્ધાં કરતા. અમને બંનેને એકબીજા સાથે ચેટ કરવાનું ગમતું એટલે આખા દિવસમાં ગમે ત્યારે અમે ચેટિંગ પર મંડી પડતા. ઈન્ટરનેટ અને સોશિયલ નેટવર્કિંગનો યોગ્ય ઉપયોગ કરતા કેટલાક યુવાનોને પણ આવડતું નથી ત્યારે નીના આટલી ઉંમરે પણ અત્યંત ઉત્તમ રીતે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હતા, જે વાત મને અત્યંત આશ્ચર્ય પમાડતી.
અલબત્ત, તેઓ યુવાનો જેટલા ઈન્ટરનેટ ફ્રેન્ડલી નહોતા. પણ એમને ઈન્ટરનેટ જગતનું કૌતુક ઘણું હતું અને અને ફેસબુક હોય કે વ્હોટ્સ એપ હોય, કે પછી અન્ય કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઈટ હોય, એ બધાનો ઉપયોગ કઈ રીતે કરવો અને એના પર કયા પ્રકારનો કન્ટેન્ટ અપલોડ કે બ્રોડકાસ્ટ કરવો એના વિશે જાણવા એ સદા તત્પર રહેતા. અમારા ચેટિંગના વિષયો પણ આવા જ કંઈક હોય. તેઓ પોતે રિટાયર્ડ થઈને તાજા જ નવરાં પડેલા અને એમના સંતાનો પણ પરણીને જુદાં જુદાં શહેરોમાં ઠરીઠામ થયેલા, એટલે એમણે ઈન્ટરનેટના આધારે જ પોતાની સેકન્ડ ઈનિંગ પસાર કરવાનું નક્કી કરેલું.
એમની સેકન્ડ ઈનિંગમાં એમને બ્લોગિંગ કરવાની પણ ઈચ્છા થયેલી, એટલે ઘરે એક કોમ્પ્યુટર વસાવીને એમણે નવું નવું શીખવાની શરૂઆત કરેલી. વર્ડ ફાઈલ કઈ રીતે ક્રિએટ કરવી ત્યાંથી લઈને કોમ્પ્યુટરમાં ગુજરાતી ફોન્ટ્સ કઈ રીતે ઈન્સ્ટોલ કરવા કે પછી એ ફોન્ટ્સ પર પકડ કઈ રીતે બેસાડવી જેવી તમામ ઝીણી ઝીણી બાબતો વિશે તેઓ મને વ્હોટ્સ એપ પર તો ક્યારેક ફોન પર પૂછી લેતા. હું પણ શાંતિથી એમના સવાલોના જવાબ આપતો રહેતો અને એમનાથી માઈલો દૂર બેઠાં બેઠાં હું એમને કઈ રીતે, શું કરવું એ સમજાવતો રહેતો. એમની ગ્રહણ શક્તિ પણ એટલી મજબૂત કે ટેક્નોલોજીને લગતી કોઈ પણ બાબત એમને વધુમાં વધુ બે કે ત્રણ વખત સમજાવવી પડતી. પછી તેઓ પોતે જ વારંવાર પ્રેક્ટિસ કરતા અને ધીમે ધીમે તેઓ બધી વાતોમાં મહારત હાંસલ કરતા જતાં.
વળી, પોતે કંઈક નવું શીખી જાય અથવા કંઈક નવું વાંચે કે જુએ તો એ બધી વાતો શેર કરવાનો પણ એમને ભારે ઉમળકો. એ બધી વાતો કરે ત્યારે એમનો હરખ પણ જોવા જેવો હોય! આ ઉપરાંત અમારી વચ્ચે મારા કામ, મારા જીવન કે મારી નોકરીને લગતી પણ ઘણી વાતચીત થાય. હું ક્યાંક ગૂંચવાઉં અથવા કોઈક વાતે ખિન્ન થઈ જાઉં તો નીના એમનો વર્ષોનો અનુભવ કામે લગાડે અને મને યોગ્ય સલાહ આપીને રસ્તો બતાડે અથવા આગળ વધવા માટે મને પ્રોત્સાહન આપે. મને સલાહ આપતી વખતે નીના એક વાતનું ખાસ ધ્યાન રાખે કે, મને ક્યાંક એવું નહીં લાગે કે, તેઓ મને વડીલ તરીકે સલાહ આપી રહ્યા છે! આ કારણે જ અમારી વચ્ચે મિત્રતાની સોડમ જળવાયેલી રહે છે.
મેં પોતે પણ ધાર્યું નહોતું કે, જીવનમાં આટલી મોટી ઉંમરની વ્યક્તિ મિત્ર બની જશે. અમારી ઉંમરના તફાવતે અમને એક બાબતનો એ ફાયદો કરાવી આપ્યો છે કે, હમઉમ્ર દોસ્તો વચ્ચે જે મતભેદો થાય એ મતભેદો ક્યારેય અમારી વચ્ચે નથી થયાં. હું કોઈ વાતે નાદાનિયત કરી બેસું ખરો, પરંતુ એ બધામાં એમનો અનુભવ ખૂબ કામ આવે અને તેઓ મતભેદની ક્ષણોને પળભરમાં ટાળી દે. આવું બધુ બનતું રહેવાને કારણે અમારી મિત્રતા ઘણા નવા નવા આયામો સર કરી રહી છે. રોજ નવી નવી વાતો, નવા નવા કિસ્સા અને હસી-મજાક! અમારા શહેરો જુદાં છે અને શહેરો વચ્ચે ઘણી દૂરી હોવાને કારણે અમે આજ સુધી મળી શક્યા નથી. પરંતુ આ ડિજિટલ યુગમાં હવે રૂબરૂ મુલાકાતો ઘણી ગૌણ થઈ ગઈ છે. વ્હોટ્સએપ, ફેસબુક કે બીજી કેટલીક સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના ઉપયોગને કારણે ક્યારેક રૂબરૂ મળવાની ઈચ્છા પણ નથી થઈ અમને. આમ તો જીવનમાં ઘણા મિત્રો છે અને એ બધાયનું સ્થાન જીવનમાં વિશેષ છે. પરંતુ નીના સાથેની દોસ્તી વિશિષ્ટ છે. વિરલ છે. નસીબદારને જ મળતા હોય છે આવા મિત્રો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર