ભ્રાતા અને ભાઈબંધી

11 Oct, 2016
12:00 AM

PC: awkwardgazelle.com

પિયુષ એટલે મારો સારામાં સારો મિત્ર. આજે પણ અમારા બંને વચ્ચેના સંબંધો સગા ભાઈ કરતાં પણ વધુ છે. મને તો લાગે છે કે, ભાઈ હોવા કરતા ભાઈબંધીનો સંબંધ વધુ મહત્ત્વનો હોય છે. કારણ કે, ભાઈના લડવાના કિસ્સા આપણી પાસે અનેક છે, પરંતુ મૈત્રી તો હંમેશાં અકબંધ રહે છે, બલકે રોજ વધુ ને વધુ ગાઢી થતી જાય છે! હા, હવે પિયુષની વાત પર આવું તો અમારી દોસ્તી બાદ બંનેના કુટુંબો પણ એકબીજા સાથે એવા હળીમળી ગયેલા કે એક જ કુટુંબની વ્યક્તિઓ હોઈએ એ રીતે જ રહીએ છીએ.

હું ધોરણ 12 પાસ કરીને આઈટીઆઈમાં જોડાયો. મારી સાથે પિયુષ નામનો છોકરો મારો રૂમ પાર્ટનર હતો. અમે બંને એકબીજા સાથે એટલું હળીમળી ગયા કે, અમારી તો જિંદગી જ બદલાઈ ગઈ. ત્રણ વર્ષનો કોર્સ ક્યારે પૂરો થઈ ગયો તેનો ખ્યાલ પણ રહ્યો નહીં. આઈટીઆઈ પરથી જ સીધો અમારો સંપર્ક કૃભકો કંપનીમાં થયો અને કારણ કે, અમારા નસિબમાં કામ કરવાનું પણ સાથે જ લખેલું હતું! અમને જાણનારા લોકો અમને જોડી તરીકે જ ઓળખતા હોય છે કારણ કે પહેલા ભણતી વખતે પણ અમે સતત સાથે જ રહેતા અને નોકરીએ લાગ્યા પછી પણ અમે સાથે જ રહેતા! 

નોકરીની શરૂઆતમાં અમે એક ફ્લેટ ભાડે રાખીને બંને ત્યાં રહ્યા. અમારી જોબ વ્યવસ્થિત ચાલી રહી હતી. જ્યારે હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે તો પૈસાની ખેંચ રહેતી હતી પરંતુ હવે તો અમારા બંનેની જૉબ સારી કંપનીમાં હતી તેથી સેલરી પણ સારી હતી. એકદમ બિન્દાસ જિંદગી જીવી રહ્યા હતા. સાથે જ જૉબ કરવી, સાથે રહેવું સાથે હરવું-ફરવું અને સાથે ખાવું-પીવું... પછી તમે જ કહો મિત્રતા કેવી થાય. પછી તો અમે અમારો સંસાર પણ શરૂ કર્યો અને એક જ એપાર્ટમેન્ટમાં અમે અમારા ફ્લેટ લીધા. અમારી મૈત્રીને કારણે અમારી પત્નીઓ વચ્ચે પણ સારી એવી મિત્રતા બંધાઈ અને અમારા બાળકો તો એકસાથે જ ઉછરી રહ્યા છે એટલે સ્વાભાવિક એમની મિત્રતા ગાઢી હોવાની.

પિયુષ મને હંમેશા એક વાત કહે છે, મારે કોઈ ભાઈ નથી પણ જીનેશ તું મળ્યો અને મારા જીવનમાં ભાઈની કમી પૂરી થઈ ગઈ. બે ભાઈ કદાચ મિત્રો ન થઈ શકે, પરંતુ બે મિત્રો તો ભાઈની જેમ જીવન જીવી જ શકે ને?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.