દૂર છતાં નજીક

30 Aug, 2016
12:00 AM

PC:

હું ધોરણ 12માં હતો ત્યારે અભ્યાસની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. એક્ઝામના ગણતરીના દિવસો બાકી હતા.. દરેક પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યા હતા. ઘણા મિત્રો રાત્રે ભેગા મળીને વાંચતા હતા.. એમાં હું પણ જોડાયો હતો. એક્ઝામને આશરે એકાદ મહિનો બાકી હતો. તે સમયે અમારા ટાઈમટેબલ મુજબ બધા બપોરના સમયે વાંચતા અને રાત્રે મોડે સુધી વાંચતા. બાકીનો સમય અમે અમારા માટે રાખતા... અમારા ગ્રુપમાં એક મિત્રના ઘરનો ઉપરનો માળ ખાલી હોવાથી અમે બધા ત્યાં ભેગા થતા... ત્યારે લગભગ આખી રાત વાંચતા... તે સમયથી મારો ખાસ મિત્ર બની ગયો હોય તો સંદીપ. સંદીપ એકદમ હસમુખો. વાતે-વાતે ગમ્મત કરે... અભ્યાસમાં ઠીક... મને એની સાથે આ દિવસોમાં ખૂબ ફાવી ગયું... અને એને પણ મારી સાથે ફાવી ગયું... ત્યારથી મારી અને સંદીપ વચ્ચે સાચી મિત્રતા બંધાઈ. સંદીપ જેવો પણ હતો મારો મિત્ર હતો અને એ હંમેશાં મારા પક્ષમાં જ રહેતો. અમે બંને એકબીજા પ્રત્યે સંપૂર્ણ નિખાલસ રહેતા હતા.

અમારી વચ્ચે એટલી મિત્રતા હતી કે, સંદીપને પૈસાની જરૂર હોય તો એ સીધું મારું પર્સ જ માંગી લેતો અને જરૂર પુરતાં પૈસા લઈ લેતો. પ્છી તો રિઝલ્ટ આવ્યું અને ઠીકઠીક ટકા મેળવીને બધા પાસ થયા. સંદીપ ધોરણ 12 પછી આઈટીઆઈમાં જોડાયો... અને બે વર્ષ પૂરા કર્યા ત્યાં તો એના અમેરિકામાં રહેતા ભાઈઓએ એને અમેરિકા બોલાવી લીધો. એને એના ઘર ઉપરાંત મને છોડીને જવાનું ઘણું અઘરું લાગતું હતું અમે બંને ફક્ત એકબીજાને હિંમત આપવા પૂરતા જ એકબીજાની આગળ રડ્યા નહોતાં, પણ છૂટા પડતા જ અમારી આંખોમાં શ્રાવણ ભાદરવા શરૂ થઈ ગયેલા.

સંદીપ વિશે એક વાત કહું તો, જ્યારે પણ આકાશમાંથી પ્લેન પસાર થતું દેખાય ત્યારે તે પ્લેનની સામે જોઈને અચૂક બોલતો, 'એક દિવસ તારો પણ વારો આવશે...' અને એના જીવનમાં ખરેખર એ દિવસ આવ્યો પણ ખરો. એની લાઈફમાં અમેરિકા જવાની તક મળી એ એની લાઈફનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.

અમેરિકા ગયા બાદ એના પહેરવેશથી માંડીને બોલવા-ચાલવામાં ઘણો ફેર પડી ગયો... પણ અમારા બંને વચ્ચેની નિખાલસતામાં કોઈ જ ફેર પડ્યો નથી. આજે પણ અમારી મિત્રતા એકદમ પહેલા જેવી જ છે...

સંદીપના અમેરિકા ગયા બાદ એણે ત્યાં જઈને થોડો અભ્યાસ કર્યો અને સારી જૉબ મેળવી લીધી... મેં પણ જૉબ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ ત્રણેક વર્ષ પછી એ લગ્ન માટે ભારત આવ્યો ત્યારે અમે ઘણો સમય સાથે રહ્યા અને ઘણો આનંદ કર્યો... એના મેરેજમાં ઘણીબધી વ્યવસ્થાની જવાબદારી મને સોંપાઈ હતી... સંદીપના ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે સૌથી પહેલા સમાચાર એણે મને આપ્યા હતા... દિવ્યેશ તું કાકા બની ગયો...! પેંડા વહેંચી દેજે...

એણે મને પહેલેથી જ કહી રાખ્યું હતું કે, તારા લગ્ન નક્કી થાય એટલે હું તારા મેરેજમાં ભારત આવી શકું એ રીતે જ ગોઠવજે... મારા મેરેજમાં એ એની વાઈફને લઈને આવ્યો હતો. મારા લગ્ન પ્રસંગે એ હાજર તો રહ્યો જ અને રિસેપ્શનનો બધો જ ખર્ચો એણે ઉપાડી લીધો હતો. સંદીપે મને ઘણી રીતે હેલ્પ કરી.

આજે અમે બંને વૉટ્સ એપ પર લગભગ રોજ વાતચીત કરીએ છીએ. સંદીપનું આખુ જ ફેમિલી અમેરિકામાં સ્થાયી થયું છે. પણ એને જરાય એવું લાગતું નથી લાગતું કે હવે ભારતમાં મારું કોઈ નથી. એટલે જ જ્યારે પણ એ ભારત આવે છે ત્યારે એ સીધો મારા ઘરે આવે છે... એણે મને કહી રાખ્યું છે કે, ગમે ત્યારે ગમે તેટલા પૈસાની જરૂર પડે તો તારે ફક્ત મને જ કહેવું... બીજા કોઈને કહેવાની જરૂર નથી...

 

મારી સંદીપ સાથેની મિત્રતા તેના અમેરિકા જવાથી ઓછી થઈ નથી... એટલે જ આજે પણ સંદીપ મને કહે છે કે, 'દિવ્યેશ, અમેરિકા આપણને અલગ કરી શકશે... આપણી મિત્રતાને નહીં...'

(દિવ્યેશ પટેલ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.