દોસ્તીની રંગીન યાદો

26 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

જીવનમાં મિત્રો હોવું અત્યંત જરૂરી છે. કારણ કે, જો મિત્રો જ ન હોય તો જીવન ખરા અર્થમાં જીવન રહેતું નથી. મિત્રો હોય તો જ તમે હસીમજાક કરી શકો છો. મિત્રો સાથે જ તમે મન થાય ત્યારે વાતો કરી શકો છો કે મન થાય ત્યારે એમની સાથે ફરી-રખડી શકો છો. અને આ બધામાં સૌથી અગત્યની વાત એ છે કે, મિત્રો જ એકમાત્ર એવું સરનામું છે, જ્યાં તમે તમારી જાતને આખેઆખી ઢોળીને તમે હળવા થઈ શકો છો.

મિત્રો ન હોય તો જીવનમાં આવું કશું જ કરી શકાતું નથી અને આવું કશું જ કરી શકાતું એટલે આપણાથી જીવી પણ શકાતું નથી. મિત્રના નામની મારી પાસે બે મોંઘીમૂલી જણસ છે. આ જણસ એટલે ચિરાગ અને નિર્મિત. અગિયારમાં ધોરણમાં હું સ્કૂલ બદલીને બીજી સ્કૂલમાં ગયેલો ત્યારે એમની સાથે દોસ્તી બંધાયેલી અને ત્યારથી બંધાયેલી દોસ્તી આજે અગિયાર વર્ષે પણ એવી ને એવી જ અકબંધ છે.

અમારા ત્રણની જ્યારે દોસ્તી બંધાયેલી ત્યારે અમારું જીવન પણ એક મહત્ત્વના પડાવ પર આવીને ઊભું હતું. આ એ જ વર્ષો હતા જ્યારે અમે અમારા બાળપણને અલવિદા કરી દીધું હતું અને અમે તરુણ બનીને યુવાનીની રાહ જોતાં હતા. વળી, આ જ વર્ષો અમારા જીવન અને કારકિર્દી માટે પણ અત્યંત મહત્ત્વના હતા. કારણ કે, આ વર્ષોમાં થયેલી નાની સરખી ભૂલ પણ અમારી કારકિર્દીની દશા અને દિશા બદલી કાઢે એમ હતું.

વળી, અમે હતા સાયન્સના વિદ્યાર્થીઓ એટલે બધાની આંખ સામે એન્જિનિયર બનવાના સપનાં હતા. અને આ બધાની વચ્ચે અમને કોઇકને કોઇ છોકરી પર ક્રશ થઈ જતો તો ક્યારેક અમને ફિલ્મો જોવાના, વિવિધ સિરીઝ જોવાના કે રખડવાના શોખ જાગી ઉઠતા. અમે ત્રણેય સ્કૂલે તો સાથે જ જતાં પણ મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના ટ્યૂશન પણ અમે સાથે લીધેલા એટલે દિવસનો મોટાભાગનો સમય અમે સાથે વીતાવતા હોઈએ.

એક જ બાઈક પર ત્રણેય જણા નીકળીએ અને પછી આખો દિવસ આ ટ્યૂશનથી પેલા ટ્યૂશન અને ત્યાંથી પાછા સ્કૂલ પહોંચીએ. સવારે ઘરેથી ટિફિન લઈને નીકળ્યાં હોઈએ એટલે સ્કૂલ શરૂ થાય એ પહેલા સાથે બેસીને ટિફિન ઝાપટી જઈએ અને વળી બપોરે રિસેસ પડે એટલે એકબીજાના પૈસે વડાંપાવ ખાવા પહોંચી જઈએ.

મોટાભાગે અમારી લડાઈ વડાંપાવ ખાવાની બાબતે થઈ જતી. કારણ કે, અમને ત્રણેયને વડાંપાવ ખૂબ ભાવે અને મોટાભાગે અમારી પાસે પૈસા ઓછા હોય અથવા ક્યારેક તો એમ પણ બને કે, અમારામાંના એકાદ પાસે સમૂળગા પૈસા નહીં હોય. આ કારણે પૈસા આપવાની બાબતે અમે ઝગડી પડીએ અને પછી કોઇ પણ એકજણનું ખિસ્સું ખાલી કરીને ટેસથી વડાંપાવ ઝાપટીએ.

સાંજે સ્કૂલેથી છૂટીને પણ અમે ભેગા થઈએ અને અમારા નાનકડા શહેરના એકમાત્ર ગ્રાઉન્ડ પર પહોંચીને ક્રિકેટ રમીએ. આ બધા દિવસોમાં અમે જે મજા કરેલી એની વાત શબ્દોમાં મૂકી શકાય એમ નથી. કાચી ઉંમરે અમે કોઇ પણ ગણતરી વિના એકબીજા સાથે મજા કરતા અને જલસાથી જીવન જીવતા.

જોકે એ બે વર્ષ તો ક્યાં વિતી ગયા એની અમને ખબર સુદ્ધાં ન રહી અને અમે બધા બારમું ધોરણ પાસ આઉટ કરીને કૉલેજમાં આવી ગયા. કૉલેજ વખતે મને ને ચિરાગને તો વિદ્યાનગરની કૉલેજમાં એડમિશન મળી ગયું, પરંતુ નિર્મિતને નડિયાદમાં મળ્યું. પણ દોસ્તીના હિસાબે અમે ત્રણેય જણે એકસાથે રહેવાનું નક્કી કર્યું એટલે અમે ત્રણેય જણે આણંદમાં ફ્લેટ ભાડે રાખ્યો, જેથી ત્રણેયને કૉલેજ જવાનું સારું રહે.

કૉલેજના આ ત્રણ વર્ષોમાં પણ અમે ખૂબ જલસા કર્યા અને આ બધામાં અમારા કૉલેજના દોસ્તો પણ ભળ્યાં એટલે આણંદના એ ચાર વર્ષો અમારા માટે અત્યંત યાદગાર થઈ ગયા. અમે મસ્તી પણ ખૂબ કરી, રખડપટ્ટી પણ ખૂબ કરી અને એક પણ એટીકેટી વિના અમે ચાર વર્ષમાં બીઈ પણ પણ થઈ ગયા!

જોકે અમારી કૉલેજ પૂરી થાય એ પહેલા અમારા બધાનું પ્લેસમેન્ટ થઈ ગયું અને કોઇને સુરત, કોઇને દહેજ તો કોઇને અંકલેશ્વર નોકરી મળી ગઈ એટલે અમે જુદી જુદી દિશામાં ફંટાઈ ગયા અને અમારી દુનિયામાં મશગૂલ થઈ ગયા. આજે હવે મળવાનું ખરેખર ઓછું થઈ ગયું છે, પરંતુ વ્હોટ્સ એપ અને ફેસબુકના માધ્યમથી અમે સતત સંપર્કમાં રહીએ છે. આ દોસ્તો નહીં મળ્યાં હોત તો અમે ખરેખર આવી મસ્ત લાઈફ નહીં જીવી શક્યા હોત. આજે જીવનની જે કંઈ કલરફુલ યાદો રહી છે એ યાદો માત્ર ને માત્ર દોસ્તીને કારણે જ ઘડાઈ છે.

(દિવ્યેશ પટેલ, દહેજ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.