કેનવાસ પરના રંગો

14 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

સંબંધો. હું આ શબ્દ કે એના વ્યવહારોનો બહુ મોટો ચાહક નથી. એકલા રહેવામાં મારા અંતરને જે આનંદ મળે છે એવો આનંદ મને સંબંધોમાં નથી મળતો. મારું આ વિધાન વાંચીને કોઈ મને એકલસૂરો કહી શકે છે. પરંતુ જાત સાથે સંવાદ સાધતા લોકોને હું એકલસૂરા નથી માનતો. જ્યારે તમે તમારી જાતના સતત સંપર્કમાં હો અને તમે એની કંપની એનજોય કરતા હો એમાં એકલતા કેવી?

મને જો કોઈ પૂછે કે, 'સંબંધો શેના માટે હોય છે?' તો એના માટે મારો સીધો જવાબ એ હશે કે, 'સંબંધો સ્વાર્થ માટે હોય છે!' હું કદાચ ખોટો હોઈ શકું છું. પરંતુ આ મારો દૃષ્ટિકોણ છે. અને મારા માટે મારો દૃષ્ટિકોણ મહામૂલો છે. હું દૃઢપણે એવું માનું છે કે, અહીં દરેક માણસ એકલો જ છે અને એ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંબંધોનો સહારો લેતો છે.

સંબંધો પ્રત્યેનો મારો અણગમો અને માણસની સ્વાર્થવૃત્તિ પ્રત્યેની મારી ધારણાનું કારણ મારી માનસિકતા છે. મારી એ માનસિકતા ક્યારેક ખોટી પણ ઠરે છે, જે સ્વાર્થને હંમેશાં નકારાત્મક દૃષ્ટિથી જ જુએ છે. માણસમાં રહેલી સ્વાર્થવૃત્તિ એ તેની પ્રકૃતિનું એક કુદરતી લક્ષણ છે. અને આ હકીકતને હું ઝડપથી સ્વીકારી શકતો નથી.

 હવે ધીમેધીમે હું મારામાં પરિવર્તન આણી રહ્યો છું અને માનવમનની આ હકીકતને કંઈક અંશે સ્વીકારતો પણ થયો છું. થોડું મોડેથી મને સમજાયું છે કે, સંબંધો એ માણસની પાયાની જરૂરિયાત છે અને અરસપરસ એકબીજાની જરૂરિયાતો, ઈચ્છાઓ કે કોઈની અપેક્ષાઓ પૂરી કરી- નિભાવીને માણસ માટે જીવન નામનો આ ઉબડખાબડ રસ્તો કાપવાનું ઘણું સરળ બને છે.

આ બધી વાતો વાંચી તમે એમ નહીં ધારી શકો કે, મને ઝાઝા મિત્રો નથી કે હું સંબંધોની બાબતે નિષ્ફળ ગયેલો માણસ છું. હું પણ સંબંધોથી ઘેરાયેલો છું અને મને પણ એક બૂમ પાડતા પાંચ આવીને ઊભા રહે એવા દિલોજાન યારો છે. બસ, ફરક એટલો છે કે, સંબંધો વિશેની મારી માન્યતાઓ થોડી અલગ છે.

હું એમ માનું છું કે, લોહીના સંબંધો એટલે કે, મા-બાપ કે ભાઈ-બહેનને બાદ કરતા અન્ય સંબંધો સમાજના ધાક પર નભેલા હોય છે. જાણે તમારી પરવાનગી વગર તમારા પર એ થોપી દેવાયા છે! અલબત્ત, મિત્રતા એ ધાક પર નભતો સંબંધ નથી. મિત્રો આપણે આપણી ઈચ્છાથી બનાવતા હોઈએ છીએ અને અન્ય સંબંધોની સરખામણીએ આ સંબંધમાં સ્વાર્થ કે અપેક્ષાઓનું પ્રમાણ પણ ઓછું હોય છે. આ સંબંધમાં બંધન નથી. અહીં તો બસ મુક્તિ જ છે.

મિત્રતામાં કોઈ જબરદસ્તી નથી હોતી. મિત્રતા પોતાને બીજાની સામે ઉઘાડા કરવાની છૂટ છે. આ સંબંધમાં બે વ્યક્તિ પોતાની એકલતાને ચીરી-ફાડીને બેકલતામાં બદલી શકે છે. આવી બેકલતામાં મને મારી એકલતા છીનવાઈ જવાનો ડર પણ નથી લાગતો અને આ સંબંધમાં મને ગૂંગળાટ પણ નથી થતી.

સારા મિત્રો ધરાવતા માણસને ક્યારેય ભાગ્યશાળી નહીં કહી શકાય. કારણ કે, મિત્રો ક્યારેય ભાગ્યથી નથી મળતા. મિત્રો તો શોધવા પડતા હોય છે. કોઈ માણસની આ શોધ તેને એક મુકામ પર બીજા માણસની ભેટ આપે છે, જેને પાછળથી મિત્ર કહેવાય છે. તે સંબંધને કહેવાય છે મિત્રતા!

ભારતમાં રહેતો ત્યારે સ્કૂલ અને કોલેજના મિત્રો સાથે અનેક યાદગાર પળો માણી છે, દિવસો વીતાવ્યા છે. હવે એ મિત્રો છૂટા પડી ગયા છે. બધા પોતપોતાના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે. ક્યારેક એ મિત્રો યાદ આવી જાય છે. ક્યારેક એમની સાથે વાતચીત થઈ જાય છે. ક્યારેક જૂના શરાબની જેમ વધુને વધુ માદક બનતા એ સુવર્ણ દિવસોને યાદ કરી લેવાય છે. તો ક્યારેક એ સમયને ફરી જીવી લેવાય છે.

હવે મને એવું લાગે છે કે, આપણે જીવનના આ ગાળામાં પહેલા જેવા ઉત્સાહથી નવા મિત્રો શોધતા બંધ થઈ ગયા છીએ. વિદેશની આ ધરતી પર ક્યારેક સાવ એકલવાયું લાગે તોય હું અહીં કંપની શોધી શક્યો છું. પણ મિત્રો તો નથી જ શોધી શકાયા. મોટા થયાં પછી આપણે આપણી નિર્દોષતા ગુમાવી બેસતા હોઈશું?

અત્યાર સુધીની મારી યાત્રામાં મને જે લોકો મળ્યા અને મારા ખાસ મિત્રો બન્યા એમના વિશે વિચારું છું તો લાગે છે કે, એ 50 વિદ્યાર્થીઓના વર્ગમાં જો મને મારી એકલતાનો ઉપાયસમો એક મિત્ર મળ્યો તો, આજે જ્યારે મારી દુનિયા આટલી વિશાળ થઈ ગઈ છે તો મને એવા બીજા કેટલાય સહપ્રવાસીઓ મળી શકે. જેઓ મારી દુનિયામાં ક્યારેય નહીં જોયેલો કોઈ રંગ ઊમેરી શકે છે. કદાચ હું પણ એમની દુનિયાનો એવો જ એક રંગ બની શકું.

આવી જ કલ્પનાઓ મને એવું વિચારતો કરે છે કે, ના આ બધું ફક્ત સ્વાર્થ નથી. જાણે બધુ ભેગું થઈ કેનવાસ પર એક અદ્દભુત દૃશ્ય બનાવે છે. એ દૃશ્ય એ જ તમારી-મારી આપણી સૃષ્ટિ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.