મિત્રતાની મજા, મિત્રતાની ગહનતા
વેદ કે પુરાણો વિશે લખવાનું જેટલું મુશ્કેલ છે એટલું જ મુશ્કેલ છે દોસ્તો વિશે લખવાનું. કારણ કે વેદ અને પુરાણો જેટલા ગહન છે એટલો જ ગહન હોય છે, દોસ્તોનો પ્રેમ અને પુરાણો જેટલા અર્થસભર હોય છે એટલી જ અર્થસભર હોય છે યારોની યારી! એટલે જ કહ્યું કે, મિત્રતાને શબ્દો વર્ણવવી મુશ્કેલ કામ છે, કારણ કે, મિત્રતાને તો જીવવાનાની હોય અને અનુભવવાની હોય અને આ અનુભવ દરમિયાન હૈયામાં લાગણીના જે પૂર ઉમટે છે એ માશાઅલ્લાહ હોય છે.
નાનપણમાં હું થોડો શરમાળ હતો એટલે નાનપણમાં કોઈક એક-બે કે ત્રણ મિત્રો સાથે ગાઢ મિત્રતા થઈ હોય એવું બન્યું નથી. સ્કૂલ અને હાઈસ્કૂલમાં પણ કંઈક આવું જ રહ્યું, પરંતુ હું કૉલેજમાં આવ્યો ત્યારે મારી કૂંડળીના બારેય ખાનામાં મિત્રો લખેલા હતા એટલે કૉલેજ શરૂ થઈ એના પહેલા જ મહિનાથી મને મિત્રો મળી ગયા અને પછી જે શરૂ થયું એને મારા જીવન માટે તો ઈતિહાસ જ કહી શકાય.
કંદર્પ અને રાજ સાથે એક જ બેન્ચ પર બેસવાનું શરૂ થતાં અમારી મિત્રતાની શરૂઆત થયેલી. કૉલેજમાં આવતા જ અચાનક સેલ્ફ સ્ટડી શરૂ થઈ અને બીજી તરફ કૉલેજમાં દર ત્રીજા દિવસે અસાઈનમેન્ટ મળતા. એટલે અમે ત્રણેયે એકબીજાના ઘરે જઈને અસાઈનમેન્ટ લખવાનું શરૂ કર્યું અને એ લખતા લખતા કંટાળો આવે તો બાઈક કે કારમાં રખડપટ્ટી કરવાનું પણ શરૂ કર્યું. આમ ને આમ કરતા અમારી દોસ્તીએ શરૂઆતના સમયમાં જ મહેંદીની જેમ રંગ પકડ્યો અને દિવસે ને દિવસે એ દોસ્તી ગાઢી થતી ગઈ.
સ્કૂલમાંથી આવ્યા હોવાને કારણે શરૂઆતનો કેટલોક સમય તો અમે સારી રીતે અભ્યાસ કર્યો, પરંતુ ત્રણેક મહિના પછી એ બધુ ટલ્લે ચઢી ગયું અને અમે કૉલેજ લાઈફ એન્જોય કરવામાં અમારું પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું. સવારના સમયે કૉલેજ માટે નીકળીએ પછી અમે એકાદ લેક્ચર એટેન્ડ કરીએ તો કરીએ, નહીંતર કૉલેજના કેમ્પસમાં કે શહેરની વિવિધ સ્કૂલ્સની બહાર અમારો અડ્ડો જમાવીએ. અમારા ત્રણેય પાસે બાઈક અને કાર હતા, પરંતુ અમે નક્કી જ કરેલું કે, આપણે કોઈ પણ એક જ વાહનમાં સાથે જવું. એટલે કાર હોય તો તો વાંધો નહીં, પણ જે દિવસે અમે બાઈક પર હોઈએ એ દિવસે ટ્રિપલ સીટ જઈએ અને એવામાં કેટલીય વાર પોલીસ અમને ઝડપે અને અમારે દંડ ભરવો પડે.
કોઈક વાર અમને એમ ચાનક ચઢતી કે, આજે અમારે બધા લેકચર્સ એટેન્ડ કરવા છે અને જે કોઈ લેક્ચરર ક્લાસમાં આવે એમને પરેશાન કરવા છે. આમ લેક્ચરર ક્લાસમાં આવે ત્યારથી અમારી ધમાલ શરૂ થઈ જતી અને ટીચર્સ બાપડા અમારા ત્રાસથી પરેશાન થઈ જતાં. સૌથી વધુ મજા અમને પરીક્ષાઓની તૈયારી વખતે આવતી, જ્યારે રાત્રે વાંચવાના બહાને અમે એક મહિના અગાઉથી એકબીજાને ઘરે રાત રોકાવાનું શરૂ કરીએ અને પછી રાત આખી રૂમમાં પૂરાઈને ખૂબ ધમાલ- મસ્તી કરીએ કે ઈન્ટરનેટ પર યાહુ મેસેન્જર પર કોઈક છોકરી સાથે એડલ્ટ ચેટ કરીને એને ખૂબ પજવીએ.
એમાં જો રાત્રે કોઈને ભૂખ લાગી તો અમારું આવી બનતું, કારણ કે જેને પણ ભૂખ લાગે એને સ્ટેશન પરની ભાજી કે બસ સ્ટેન્ડ સામેની અંડા ભૂર્જી જેવી ચોક્કસ આઈટમની જ ભૂખ લાગતી. એટલે ઘરના લોકો જાગી ન જાય એ રીતે અમે બિલ્લી પગે ઘરની બહાર નીકળતા અને નીચે પાર્કિંગમાં જઈને બાઈક છેક રસ્તા સુધી ખેંચી ગયા પછી બાઈક શરૂ કરતા, જેથી ઘરનાને બાઈકનું ફાયરિંગ નહીં સંભળાય. એવામાં જો સામે પોલીસવાળા દેખાય તો અમારામાંનો છેલ્લે બેઠો હોય એણે ફરજિયાત બાઈક પરથી ઉતરી જવું પડે અને પોલીસ પોઈન્ટથી થોડે આગળ સુધી ચાલવું પડે. અડધી રાત્રે બાઈક પરથી ઉતરીને ચાલવું નહીં પડે એ માટે બાઈક ચલાવવા કે વચ્ચે બેસવા માટે અમે રીતસરની મારામારી કરી નાંખતા અને એવામાં જે નમતુ જોખે એણે બલીના બકરા બનીને પાછળ બેસવાની નોબત આવતી.
આટલા બધા ક્લાસ બંક કરવા છતાં અને સેલ્ફ સ્ટડી વખતની ધમાલ મસ્તી છતાં અમે પરીક્ષાઓમાં રિઝલ્ટની બાબતે લકી રહ્યા છીએ અને દરેક પરીક્ષામાં અમે સેકન્ડ ક્લાસમાં પાસ થઈને એક-એક વર્ષ આગળ વધતા રહ્યા છીએ. જોકે દર વખતે પરીક્ષા વખતે અમને પગે રેલા તો આવી જ જતાં, પરંતુ અમે કોઈને કોઈ રીતે એક્ઝામમાં મેનેજ કરી લેતા અને પાસ થઈ જતાં.
કૉલેજના એ ગાળામાં થિયેટરમાં રિલીઝ થયેલી એવી એકપણ ફિલ્મ નહીં હોય, જે અમે નહીં જોઈ હોય. શુક્રવારે સવારે અમારો એક જ કાર્યક્રમ હોય અને એ કાર્યક્રમ એટલે કૉલેજની નજીક આવેલા થિયેટરમાં ફિલ્મ જોવાનો! આમ ને આમ અમારા ત્રણ વર્ષ ક્યાં વીતી ગયા એની અમને ખબર પણ ન પડી અને જોતજોતામાં અમે ગ્રેજ્યુએટ થઈ ગયા. અમારા ત્રણેયના પિતાનો પોતાનો બિઝનેસ હતો એટલે ગ્રેજ્યુએશન પતાવીને અમે પોતપોતાના પિતા સાથે જોડાઈ ગયા અને ખૂંટે બંધાઈ જતાં બળદની જેમ અમે પણ અમારા નસિબને ખૂંટે બંધાઈ ગયા.
હવે અમે અમારા કામમાં ખૂંપી ગયા છીએ અને પહેલા કરતા ખૂબ ઓછું મળવાનું થાય છે. પરંતુ અમારી વચ્ચેનો પ્રેમ અને અમારી એ મૈત્રી હજુ પણ પહેલા જેટલી જ ગાઢ છે. હવે જ્યારે મળવાનું થાય છે ત્યારે પહેલા જેટલી ધમાલ-મસ્તી નથી થતાં, પરંતુ હવે જ્યારે મળીએ છીએ ત્યારે અમારા ભૂતકાળને યાદ કરીને ખૂબ હસીએ છીએ અને અમારી મૈત્રીના મહાઉત્સવને દિલથી ઉજવીએ છીએ. મારો અંગત અનુભવ કહું તો આ મિત્રોને કારણે જ મારું શરમાળપણું દૂર થયું છે અને હું સામાન્ય લોકોમાં હળતા ભળતો થયો છું. સાથે જ મારી અંદર રહેલો ભય પણ દૂર થયો છે. થેંક્યુ દોસ્તો.
(આર્જવ પટેલ, વડોદરા)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર