દોસ્ત, તને એ યાદ છે?
ડિયર દોસ્ત નિખિલ,
તારા જેવા યારને આ કાગળ લખાતો હોય ત્યારે તારા નામની આગળ ડિયરનું વિશેષણ લખવું થોડું વિચિત્ર લાગે છે. દોસ્ત તો આમ પણ ડિયર જ હોવાનો એની સબિતી શેની આપવાની? દોસ્તના નામની આગળ તો સાલા, લબાડ, હરામખોર જેવા વિશેષણો વાપરવાના હોય અને એનાથી આગળ બધીને બે-ચાર મજાની ગાળો લખી હોય તોય ખોટું નહીં.
આજે મારી ઓફિસની એસી કેબિનમાંથી તને આ પત્ર લખું છું. મારી કેબિનમાં એક મસમોટી બારી છે અને એ બારીમાંથી દેખાય છે દૂર સુધી પથરાયેલું એક મેદાન. નવરાશ મળે તો ક્યારેક એ બારીની બહાર જોઈ લઉં છું. નીચેના મેદાનમાં બપોરે નિયમિત કેટલાક ટાબરિયાં બેટ અને બૉલ લઈને રમવા આવે છે. એમને રમતા જોઈને મને હંમેશાં તારી યાદ આવે છે, જેની સાથે જ હું ખોવાઈ જાઉં છું એક એવી જાદુઈ દુનિયામાં, જ્યાં ન તો કોર્પોરેટ કલ્ચરનો ત્રાસ હોય કે ન હોય સમયની કોઈ મારામારી. જોકે એ દુનિયાની જરા સરખી સેર કરું એટલામાં તો જીમેઈલના ઈનબોક્ષમાં સ્ટાફ મિટિંગનો એક મેઈલ તૈયાર જ પડ્યો હોય! એટલે એક ઝાટકે હું ફરી વાસ્તવિકતાની ધરતી પર પરત ફરું.
દોસ્ત, તને યાદ છે એ દિવસો? જ્યારે આપણે આપણો આનંદ મેળવવા કે ખુશ રહેવા ન તો કોઈ પ્લાનિંગ કરવા પડતા કે ન કોઈ ટાર્ગેટ અચિવ કરવા પડતા. એકબીજાના ખભા પર હાથ મૂકીને ગામના ચોતરે બસ નીકળી પડ્યાં કે દુનિયા આખીનું સુખ આપણા ચરણે પડતું. એમાંય જ્યારે શાળામાં વેકેશન હોય ત્યારની તો વાત જ અલગ! સવાર થતાં જ આપણે કાગળના ડૂચા અને સેલોટેપમાંથી બનાવેલો બૉલ અને લાકડાનો ધોકો લઈને ક્રિકેટ રમવા નીકળી પડતા. ત્યારે સચીન અને કાંબલીની જોડી અત્યંત પ્રખ્યાત હતી એટલે આપણે આપણી જાતને સચીન અને કાંબલી સમજીને બેટિંગ પર આવતા. એક જણ બેટિંગ કરે તો બીજાએ બોલિંગ અને ફિલ્ડિંગની જવાબદારી સંભાળી લેવાની. જોકે હા, જો બૉલ બેટ્સમેનની પાછળ એટલે કે, સ્ટમ્પ્સની પાછળ ગયો તો એ બૉલ લેવા ખુદ બેટ્સમેને જ જવાનું! આઈસીસીને ગોથું ખવડાવી દે એવા હતા આપણા ક્રિકેટના નિયમો!
આપણી કલ્પનાના વાનખેડે સ્ટેડિયમ (ગામના ચોતરે!) બેએક કલાક ક્રિકેટ રમીને આપણે આપણા ઘરે જમવા જતાં અને ફટાફટ જમીને આપણે ગોટીનો ડબ્બો ખખડાવતા ખખડાવતા ગોટી-પાનાં રમવા નીકળી જતાં. કિશોરકાકાના ફળિયામાં રોજ બપોરે ગોટીપાનાંની રમઝટ ચાલતી અને આપણે પણ જાણે આપણા ફળિયાનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ એમ ત્યાં પહોંચી જતાં અને બપોરના બે-ત્રણ વાગ્યા સુધી ગોટીપાનાં રમતા, જ્યાં ક્યારેક આપણે જીતતા તો ક્યારેક આપણા ડબ્બાનું તળિયું દેખાતું થઈ જાય ત્યાં સુધી ગોટી હારી જતાં.
વળી, બપોરે બે વાગ્યે ચ્હા પીવાનો આપણો અફર નિયમ એટલે રમત ચાલું હોય તોય આપણે બે-ત્રણ બાજી જતી કરીને ચ્હા પીવા જતાં! દોસ્ત આજે તો બપોરે બે વાગ્યે જમવાનુંય નસીબ નથી થતું. ત્યારે તો જમતી વખતે બા(દાદી) તવા પરથી ગરમ ગરમ રોટલા ઉતારતી જતી અને આપણે ખાતા જતાં. અને આજે હવે ટપરવેરના ડબ્બામાં સચવાયેલો કહેવાતો ફ્રેશ ખોરાક જમવો પડે છે. જ્યારે પણ એ ઠંડા કોળિયા ગળે ઉતારવા પડે છે ત્યારે બા અચૂક આવે છે.
રોજ આપણી સાંજ આપણા ગામની નદીના કાંઠે જ વીતતી. આપણને બંનેને નદીમાં નહાવાનો બહુ શોખ અને બીજી તરફ આપણા ઘરના લોકો નદીમાં આપણા નહાવા જવાની વાતથી સાવ અસહેમત. એટલે આપણે રોજ ચોરીછૂપીથી નદીએ નહાવા જતાં! વળી, નદીએ જવાનો રસ્તો પણ અત્યંત સાંકડો, જેની બંને તરફ ઉગેલા કરમદા અને બોર આપણે તોડતા જતાં અને આપણા દાંત ખાટા કરતા જતાં. તને યાદ છે, નદીએ નહાતી વખતે કેટલીય વાર આપણો છપ્પો પડ્યો છે અને આપણા બા-દાદાએ મોકલેલો કોઈ ગોવાળિયો કે કોઈ કામવાળું આપણને નદીએ નહાતા જોઈને બા-દાદને ‘આંખો દેખા હાલ’ કહેતા અને એ સાંજે આપણે એમની ગાળો સાંભળવી પડતી. જોકે ગાળો દેતાં એ બા-દાદા રાત્રે જ્યારે આપણને એમની બાજુમાં સૂવડાવીને એમના જમાનાની વાતો કરતા ત્યારે કેટલી મજા આવતી? ગામની ધૂળમાં વંટોળની જેમ આળોટેલો આપણો દિવસ પળવારમાં ઉંઘી જતો બા-દાદાની વાર્તાઓમાં!
પણ આપણા ગામની નદીમાં વહેતા પાણીની જેમ એ સમય પણ વહી ગયો. કહેવાય છે ને કે કોઈ નદીના એક જ પાણીમાં તમે બે વાર નહીં નહાઈ શકો. એ જ રીતે જીવનમાં પણ એક વાર જીવાયેલો સમય ફરી ક્યારેય જીવી નથી શકાતો. આજે આપણે પૈસે ટકે ભલે સમૃદ્ધ હોઈશું પણ શું એ પૈસો આપણને સુખ જ આપે છે? સુખને અને પાંચ આંકડાના પગારને કોઈ લેવાદેવા છે ખરી? મને તો આજે પણ ઉંઘમાં ક્યારેક આપણી વાડી, એ વાડીના આંબા પર લટકતી કેરી, વાડીનો કુવો, ગામનો ચોતરો કે આપણી વહાલી નદી જ દેખાય છે. જ્યારે પણ હું કાચી ઉંઘમાં હોઉં ત્યારે મને આ દૃશ્યો દેખાય છે. તને દેખાય છે એ દૃશ્યો? યાદ આવે છે એ દુનિયા? મને તો ક્યારેક એ દિવસો યાદ આવે તો આંખે પાણી બાઝી જાય છે. થાય છે કે શું કામ આપણે આટલું બધુ ભણ્યાં? અને શું કામ આવી ચડ્યાં આ સંવેદનહીન કોર્પોરેટ જગતમાં? આ બધાની કોઈ જરૂર હતી ખરી? ગામડાના આ જીવ શહેરમાં આવી અભડાયા હોય એવું નથી લાગતું?
એ જ તારો એક દોસ્ત
પંચમ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર