ન આવે એ છેલ્લો દિવસ
મિત્રની વાત આવી એટલે તરત જ મારો ખાસ ફ્રેન્ડ પ્રશાંત યાદ આવી જ જાય. એ દિવસ આજે પણ મને બરોબર યાદ છે, જ્યારે હું દશમાં ધોરણમાં ભણતો હતો અને પ્રશાંત મારા ઘરની નજીકમાં રહેવા આવ્યો. એના કુટુંબમાં એના મમ્મી-પપ્પા અને પ્રશાંતનો એક ભાઈ. એમ એ ચાર જણનું કુટુંબ. મારા ઘરથી થોડે દૂર તેઓએ એક મકાન ખરીદ્યું હતું. ત્યાં તેઓ રહેવા આવ્યા. સ્વાભાવિક રીતે જ બધાને એમ થાય કે અહીં નવું કોણ રહેવા આવ્યું? શરૂઆતના ત્રણ-ચાર દિવસ તો એ કુટુંબના સભ્યો ઘરનો સામાન ગોઠવવામાં પડ્યા હતા... પછી એ નવા ઘરના સભ્યો બધાને દેખાતા થયા... તેઓનો સરસામાન ગોઠવાઈ ગયો પછી પ્રશાંત સાંજના સમયે ઘરની બહાર નીકળતો થયો. એ જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે એ સીધો જ મારી પાસે આવેલો... એ જ્યારે મને પ્રથમ વખત મળ્યો ત્યારે અમે અમારા ઘર પાસે એક ઓટલા પર બેસીને કેરમ રમતા હતા. અચાનક જ એ મારી પાસે આવીને બેસી ગયેલો... અને એ મને પોતાની ઓળખ આપવા લાગ્યો, મારું નામ પ્રશાંત છે.. હું અહીં નવો રહેવા આવ્યો છું. ધોરણ 10ની પરીક્ષા આપી છે... વગેરે....
મેં પણ મારી અને બીજા સોસાયટીના છોકરાઓની ઓળખ આપી... મારું નામ ગૌરાંગ... અને આ વિશાલ, આ પરેશ, આ મિતાંગ.... વિગેરે... અમારી ઉંમર સરખી જ હતી. મેં પણ એ સમયે ધોરણ 10ની પરીક્ષા જ આપી હતી. એ આખુ વેકેશન અમે ખૂબ રમ્યા અને પછી એણે 11માં ધોરણમાં મારી સ્કૂલમાં જ એડમિશન લીધું.. અને અમે સ્કૂલે સાથે જતા-આવતાં થયા. આ કારણે અમારી વચ્ચેની મિત્રતા વધતી ગઈ. પછી અમે અભ્યાસ પણ સાથે જ કરતા... એકબીજાની અંગત વાતોને અંગત જ રાખતા...
ક્રિકેટ રમતા, પિક્ચર જોવા જઈએ, ગાર્ડનમાં જઈએ ત્યારે અમે સાથે જ હોઈએ. સૌથી સારું તો અમને બંનેને એ લાગતું કે અમે બંને સ્કૂલમાં એક જ ક્લાસમાં અને એક જ બેન્ચ પર બેસીએ અને ઘર પણ આજુબાજુમાં જ, જેના કારણે અમે જ્યાં હોય ત્યાં અમે સાથે જ હોઈએ.
અમે અમારી લાઈફના પાંચ વર્ષ એટલે કે, ધોરણ 11, 12 અને કોલેજનાં ત્રણ વર્ષ તો અમે એકદમ સાથે જ રહ્યા. ત્યારબાદ અમારા ક્ષેત્રો બદલાયા. હું જોબ કરું છું અને પ્રશાંત એના પપ્પાના બિઝનેસમાં જોડાયો છે. અમારા આ પાંચ વર્ષના ગાળામાં એવી ગાઢ મિત્રતા થઈ ગઈ છે કે, હવે અમારી મિત્રતા હવે આજીવન કોઈ તોડી શકે એમ જ નથી.
આ સમયગાળા દરમિયાન યાદ કરવા લાયક ઘણાં બધા પ્રસંગો બન્યા. નવરાત્રીના સમયમાં અમે રાત્રે તૈયાર થઈને ગરબા જોવા નીકળી પડીએ... મોડી રાત સુધી અમે બાઈક પર ફરી ફરીને ગરબા જોઈએ. એ અમારો રોજનો ક્રમ. પછી નવરાત્રી પૂરી થાય એટલે અમે બંને એક સાથે જ માંદા પણ પડીએ.... પછી ડોક્ટર પાસે પણ સાથે જ જઈએ.. એકાદ ડિસ્પેન્સરીમાં જઈને અમારા બંનેમાંથી એક જ જણ ચેકઅપ કરાવે અને ડોક્ટર પાસે બે દિવસની ગોળી લઈ લઈએ... એક દિવસની એ રાખે અને એક દિવસની હું રાખું...!
અમે જ્યારે ગુજરાતી ફિલ્મ "છેલ્લો દિવસ" જોવા ગયેલા ત્યારે મેં પ્રશાંતને કહ્યું હતું કે, ભલે આપણી કૉલેજ પૂરી થઈ ગઈ પણ આપણે એટલાં નજીક રહીએ છીએ કે આપણી મિત્રતામાં ક્યારેય "છેલ્લો દિવસ" આવશે નહીં... આટલું સાંભળતાં જ પ્રશાંતે મારા ખભા પર હાથ મૂકી દીધેલો અને અમે ઈમોશનલ થઇ ગયેલા.
હવે અમારા ક્ષેત્રો બદલાવાને કારણે અને સમયમાં ફેરફાર થવાને કારણે અમે રોજ મળી શકતાં નથી. પણ ઘણી વખત મળતાં રહીએ છીએ... રવિવારે ક્રિકેટ રમવા તો સાથે હોઈએ જ....
(ગૌરાંગ પટેલ, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર