મિત્રો સાથે લડવું, મિત્રો માટે જીવવું
મિત્રતા એવો સંબંધ હોય છે, જેમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની રીત સૌથી નોખી હોય છે. મિત્રતામાં પ્રેમ વ્યક્ત કરવા માટે સુંદર, કોમળ શબ્દોની નહીં પરંતુ સાવ બરછટ ગાળોની જરૂર પડે છે. દોસ્તોમાં બેઠા હોઈએ ત્યારે જો કોઈક મિત્ર ગાળ બોલ્યાં વિના વાત કરે તો હ્રદય એક થડકાર ચૂકી જાય કે, ‘આ હરામખોરને કશુંક ખોટું જ લાગ્યું હોવું જોઈએ. તો જ એ આમ ગાળ બોલ્યાં વિના વાતો કરી રહ્યો છે.’
આ ઉપરાંત પણ મિત્રતામાં પ્રેમ વ્યક્ત કરવાની એક બીજી રીત છે, નાની નાની વાતોએ થતી મોટી મોટી બોલાચાલીઓની અને નાના-મોટા લડાઈ ઝગડા કરવાની! આ વાત હું અમારા અનુભવ પરથી કહી રહ્યો છું, જ્યાં અમે મિત્રો અમારો મોટાભાગનો સમય એકબીજા સાથે લડવામાં અને એકબીજાની વાતને તોડી પાડીને એકબીજાની મશ્કરીમાં વીતાવીએ છીએ. જોકે એકબીજા સાથે આટલી બધી ‘બબાલો’ થતી હોવા છતાં અમને એકબીજા વિના ચાલતું નથી અને વિક્રમ અને વેતાળની જેમ અમે બધા સતત સાથેને સાથે જ રહીએ છીએ.
નહીં નહીં તોય અમારું આઠેક જણાંનું ગ્રુપ હશે. અમે કેટલા મિત્રો છીએ, એનો ચોક્કસ આંકડો એટલે નહીં આપી શકાય કે, અમારામાં ચાર-પાંચ જણા એવા છે જે, દરેક બેઠક વખતે હાજર હોય અને ચાર-પાંચ જણા એવા હોય છે, જેઓ એમની નોકરી કે અન્ય કોઈ વ્યસ્તતાને કારણે આઘાપાછા થતાં રહે! એટલે અમારી મંડળી જ્યારે પણ ભેગી થાય ત્યારે અમારી સંખ્યા આઠેક જણાની હોય. બાકીના બે-ત્રણ આમ તેમ!
અમારા બધાની પ્રાયોરિટી એટલી જ કે અમને બધાને સોસાયટીને નાકે બેસવા માટે યોગ્ય જગ્યા મળી રહેવી જોઈએ. એના માટે અમે બધાએ ખાસ ચબૂતરો તૈયાર કરાવ્યો છે, જ્યાં ફરતે બાંકડા અને બાઈક ગોઠવીને અમે કુંડાળું કરીએ. રોજ સાંજે છ વાગ્યા પછી અમારા બધાનો ભેગા થવાનો ક્રમ. ભેગા થઈએ ત્યારે અમારી વાતોમાં છોકરીઓની વાતો કે ફાલતુ પંચાત ભાગ્યે જ આવે. અમે તો મશગુલ હોઈએ છીએ અમારી અવનવી વાતોમાં, એકબીજાને ચીઢવવામાં અને એકબીજા સાથે મસ્તી કરવામાં! અમારું ગ્રુપ પણ એટલું મોટું કે, કોઈક દિવસ બધાની હાજરી હોય અને બધા ક્યાંક સાથે ગયા હોઈએ તો લશ્કર નીકળ્યું હોય એવું લાગે!
ક્યારેક વળી, મન થાય તો અમારી મંડળી ક્યાંક વડાપાવ, ભજીયા કે કોલ્ડડ્રિંક્સ પીવા નીકળીએ. અઠવાડિયામાં બેએક ફિલ્મો અને રવિવારની સાંજે હોટેલમાં જમવાનું પણ ખરું જ! નોકરી-ધંધા પરથી આવીએ પછી અમે બધા ઓછામાં ઓછો સમય અમારા ઘરે રહીએ અને મોડી રાત સુધી વધુમાં વધુ સમય એકબીજાની સાથે પસાર કરીએ. આ કારણે અમારા ઘરના વડીલો પણ અમારા પર ક્રોધે ભરાય છે. તેઓ કહે છે કે, ‘આ બધા મિત્રો જ તમારા માઈ-બાપ. ઘરે તો તમારે બસ, જમવા અને ઘોરવા જ આવવાનું!’
જોકે એમની વાત પણ સાચી છે. ઉંમરના આ તબક્કે ઘરની અમારી જરૂરીયાત પણ આટલી જ! પછીની ખબર નથી. પરંતુ હમણાં, જ્યાં સુધી અમે પરણીને ઠરીઠામ નહીં થઈએ ત્યાં સુધી અમારી પ્રાથમિકતા અમે બધા જ રહીશું.
યુવાનોને આજની પેઢી કંઈક સૂગથી જુએ છે. આજના વડીલોને એમ જ લાગે છે કે, આ બધા યુવાનોથી કંઈ થવાનું નથી અને એમનામાં કશી આવડત નથી. એમાંય જ્યારે અમે સોસાયટીને નાકે બેઠાં હોય ત્યારે તો આજના વડીલો અમને ખાસ વગોવે છે. અમને કંઈક એવી નજરે જુએ, જાણે અમે ક્યાંક ધાડ પાડીને આવ્યાં હોઈએ! એમના માટે અમે બધા એટલે નપાવટો, પરંતુ અમને એમની બહુ દરકાર નથી. અમને ખબર છે કે, અમે શું કરીએ છીએ. અમે નથી તો ક્યારેય કોઈની છેડતી કરી કે, નથી અમે ક્યારેય ચોરી-લૂંટફાટ કરી. અરે અમને તો કોઈ બાબતનું વ્યસન પણ નથી! અમને વ્યસન માત્ર એટલું કે, અમને એકબીજાની સાથે રહેવું ગમે છે.
સાથે હોઈએ છીએ ત્યારે અમને પરમ સંતોષ મળે છે. અમને ખ્યાલ છે કે, નજીકના ભવિષ્યમાં અમે બધા છૂટા પડવાના છીએ. બધાની પરણવાની ઉંમર છે. બે-ત્રણ વર્ષના ગાળામાં બધા પરણીને પોતપોતાના જીવનમાં પરોવાઈ જઈશું. જોકે ત્યારે અમને એકબીજાને મળવાનો કે મળીને કલાકો સુધી સાથે બેસવાનો સમય ભલે નહીં મળે. પરંતુ એનાથી અમારી દોસ્તીમાં કોઈ કમી નથી પડવાની. કારણ કે, અમે બધાએ એકબીજાની સાથે એટલો બધો અને એટલો સારો ટાઈમ સ્પેન્ડ કર્યો છે કે, અમે આખી જિંદગી અમારા ભૂતકાળને મમળાવીશું તોય અમને સમય ખૂટી પડશે. આ જ મજા હોય છે સાથે જીવવાની. મિત્રોની સાથે જીવવાની! એમની સાથે લડવા-ઝગડવાની અને એમના માટે જાન આપી દેવાની.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર