બાળપણની મિત્રતાની સુગંધ
અક્ષય અને રાહુલ હંમેશાં સાથે જ હોય એવી છાપ અમારી આખી સોસાયટીમાં પડી ગયેલી. આ ઉપરાંત બધામાં એવી માન્યતા પણ પ્રવર્તે કે કોઈપણ એકને શોધો તો એ બંને સાથે જ મળે. બાળપણથી જ એક સોસાયટીમાં સાથે ઉછરેલા અને એક જ વર્ગમાં ભણતા એટલે ગાઢ મિત્રતા નાનપણથી જ થઈ ગયેલી. મિત્રતા એટલી બધી ગાઢ કે રમવાનું, ફરવાનું, અભ્યાસ કરવો, ફિલ્મો જોવા જવું સાથે જ. એક જ સોસાયટીમાં મારા ઘરથી ચોથું ઘર રાહુલનું. અમને બંનેને એકબીજા વગર જરાપણ ચાલે નહીં. દો જિસ્મ એક જાનન થિયરી કદાચ અમારી બાબતે સાચી ઠરે.
અમારી વચ્ચે ક્યારે મિત્રતા થઈ એ તો અમને ચોક્કસ યાદ નથી, પણ પહેલી ક્ષણેથી અમારી મિત્રતા ખૂબ સારી અને એકદમ પારદર્શક હતી એટલે જ અમારી મિત્રતા આજે પણ ટકી શકી છે. સ્કૂલેથી છૂટીને ઘરે જઈ કપડાં બદલીને, ચા-નાસ્તો કરીને સીધું રમવા જવાનું. રાત થાય એટલે જમીને બંને પાછા ભેગા થઈને લેસન કરીએ. અભ્યાસમાં પણ હોશિયાર એટલે ઘરમાં કોઈ અમને અભ્યાસની બાબતમાં વધુ ટોકે નહીં અને કોઈક દિવસ વધુ રમીએ અથવા અભ્યાસમાં ગુલ્લી મારી દઈએ તો પણ કોઈ કંઈ કહે નહીં. વાર્ષિક પરીક્ષામાં લગભગ આગળ-પાછળ જ નંબર હોય.
દિવાળી, ઉતરાયણ, હોળી-ધૂળેટી અને ઉનાળુ વેકેશનમાં પણ અમે બંને સાથે જ હોઈએ અને ખૂબ ઉત્સાહપૂર્વક દરેક તહેવાર ઉજવીએ કે વેકેશનમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન કરીએ.
જોકે અમે ભણવામાં ભલે હોશિયાર હોઈએ પરંતુ આદર્શ વિદ્યાર્થીની જે વ્યાખ્યા છે એમાં અમે જરાય બંધ નહીં બેસીએ. નાનીમોટી કામચોરી, ધમાલ મસ્તી, ક્યારેક ઘરે બહાના કાઢીને ફરવા કે ફિલ્મ જોવા જેવા કામોમાં પણ અમે અવ્વલ. અમે બારમાં ધોરણમાં ભણતા હતા ત્યારે એકવાર એવું બન્યું કે, મેં રાહુલને કહ્યું, ‘રાહુલ ફલાણી ફિલ્મ સરસ છે. આપણે ગમે એમ કરીને જોવા જવું જોઈએ.’
રાહુલ કહે, ‘મારા ઘરેથી તો આવવા દેશે જ નહીં. માર્ચમાં પરીક્ષા છે એટલે મારાથી તો ઘરે પૂછી શકાય એમ પણ નથી.’
મેં કહ્યું, ‘રાહુલ, ચિંતા ન કર. આપણે લાઈબ્રેરીમાં વાંચવા જવાના બહાને ફિલ્મ જોઈ આવીશું.’ રાહુલને પણ આવા એડવેન્ચર કરવાનો શોખ એટલે એ તૈયાર પણ થઈ ગયો.
શનિવારનો દિવસ પસંદ કરીને બપોરે 3 થી 6ના શૉમાં ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. અને ઘરે નિયત કરેલું બહાનું કાઢ્યું કે, ‘લાઈબ્રેરીમાં વાંચવા જઈએ છીએ.’
પછી તો શું, લાઈબ્રેરીમાં ગયા અને ત્યાં એક કબાટ ઉપર અમારા ચોપડા સંતાડી દીધા અને ફિલ્મ જોવા જતા રહ્યા. ફિલ્મ પૂરી થયાં પછી લગભગ સાડા છ વાગ્યે લાઈબ્રેરી પહોંચ્યા તો લાઈબ્રેરી બંધ થઈ ગયેલી. અમારા પુસ્તકો અંદર અને પુસ્તકો વિના ઘરે જવું તો જવું કઈ રીતે? થોડો સમય તો મગજ ચકરાવે ચઢી ગયું કે હવે કરવું શું? થોડા સમય પછી અમે રસ્તો શોધી કાઢ્યો કે, આપણે નજીકમાં રહેતા એક મિત્રને ત્યાં જવું અને ત્યાંથી એની નોટ્સ લઈને ઘરે જવું. નક્કી કરીને અમે મિત્રને ત્યાં પહોંચ્યા અને ત્યાંથી બે-ત્રણ નોટ્સ લીધી. પછી અમે મારા ઘરે ગયા અને મારા ઘરેથી મેં બે-ત્રણ નોટ્સ રાહુલને આપી ત્યારે એ ચોપડા લઈને ઘરે પહોંચી શક્યો.
એ સમયે તો દર રવિવારે લગભગ અમારો ક્રિકેટ રમવાનો પ્રોગ્રામ હોય અને સોસાયટીની ક્રિકેટ ટીમનો હું કેપ્ટન એટલે જ્યારે પણ જીતીને આવીએ ત્યારે રાહુલ આખી સોસાયટીમાં ઘેરેઘેર ખબર પાડી દે કે, અમે આજે મેચ જીતીને આવ્યા છીએ.
ટી.વાય.બીકોમ. પૂરું કર્યા પછી અમે બંને નોકરીની શોધમાં લાગી ગયેલા. એને વડોદરા નોકરી મળી અને હું સુરતમાં જ પ્રિન્ટીંગ લાઈમાં આગળ વધ્યો. શરૂઆતમાં રાહુલ વડોદરા એકલો રહીને નોકરી કરતો, ત્યારબાદ તેના લગ્ન થયા અને બીજા વર્ષે જ મારા પણ લગ્ન થયેલા.
આજે તો રાહુલ વડોદરા સમાજ કલ્યાણ ખાતાની ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. અને હું સુરતમાં પ્રિન્ટીંગ મિલમાં આસિસ્ટન્ટ માસ્ટરની પોસ્ટ સુધી પહોંચી શક્યો છું. અમારા બંનેના પરિવારોમાં મારે એક દીકરો છે અને એને એક દીકરો અને એક દીકરી છે. વર્ષમાં અમે બંને લગભગ ચારથી પાંચ વખત મળીએ છીએ. શક્ય હોય તો કુટુંબ સાથે મળવાનું થાય છે. ક્યારેક અમે વડોદરા રાહુલના ઘરે જઈને રહીએ છીએ તો ક્યારેક તેઓ પણ ઘણી વખત તહેવાર ઉજવવા સુરત આવે છે. ખાસ કરીને ચંદની પડવો અને ઉતરાયણ તો અમારા બંનેના કુટુંબો સુરતમાં સાથે જ ઉજવે. અમારા બંને મિત્રોની પત્નીઓને પણ સારું ફાવી ગયું છે અને બાળકોને પણ.
અમારી મિત્રતા વર્ષો પછી પણ અકબંધ છે. ભૌગોલિક રીતે દૂર રહેવા છતાં દિલથી અમે એકબીજાની ઘણા નજીક છીએ. આ કારણે જ આજે પણ અમે અમારા સુખ દુખ એકબીજા સાથે શેર કરીએ છીએ અને એકબીજા સાથે ચર્ચા કરીને આગળ વધીએ છીએ. આટલા વર્ષો બાદ પણ જ્યારે મિત્રતાની વાત થાય છે ત્યારે અક્ષય અને રાહુલને અમારી નજીકના વર્તુળની વ્યક્તિઓ અચૂક યાદ કરે છે. અમારા જીવનપર્યંત અમે સારા મિત્રો બની રહીશું. સૌથી ખુશીની વાત તો અમારે માટે એ છે કે, અમારા બંનેના દીકરાઓ વચ્ચે પણ અમે ગજબનો મિત્રભાવ જોઈ રહ્યા છીએ. એમને સાથે રમતા જોઈએ છીએ ત્યારે બીજું કંઈ નહીં પણ અમને અમારા બાળપણની મિત્રતા યાદ આવી જાય છે. અને અમારા બાળપણની સુગંધ માણી લઈએ છીએ.
(અક્ષય પટેલ, સુરત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર