નિખાલસતા અને અનોખી મિત્રતા

22 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

હું 11માં ધોરણમાં ભણતો હતો ત્યારથી મને કોલેજમાં ભણવાનો શોખ જાગેલો. કોણ જાણે મને કોલેજનું એવું તે શું આકર્ષણ હતું? પણ નાનો હતો ત્યારે મને થતું એક દિવસ હું પણ કોલેજમાં ભણતો હોઈશ અને જ્યારે મારા જીવનમાં એ દિવસ આવ્યો ત્યારે મારા આનંદનો પાર ન રહ્યો. કૉલેજના પ્રથમ વર્ષના પ્રથમ દિવસનો આનંદ કંઈક અનેરો જ હોય છે. ઘટાટોપ વૃક્ષોથી તરબતર કૉલેજનું સુંદર વાતાવરણ હોય એમાં સવાર-સવારમાં બધા એકદમ અપ-ટુ-ડેટ થઈને આવે. બધા જ ખુશમિજાજમાં હોય. એમાંય એફ.વાય.ના વિદ્યાર્થીઓને સૌથી પ્રિય કૉલેજ કેમ્પસ અને કૉલેજ કેન્ટીન. એવામાં કોઈક વાર લેક્ચર એટેન્ડ કરવાનો શોખ પણ જાગે. હું આ વાતાવરણને અને એ દિવસોને આજે પણ ભૂલી શક્યો નથી. જાણે એકદમ ફ્રીડમ...

આ વાતાવરણમાં સૌથી અગત્યનો પાર્ટ જો કોઈનો હોય તો એ મારા મિત્રો... કૉલેજમાં હોઈએ એટલે નવા મિત્રો  બનતા જ જાય. પણ એમાંના કેટલાક કેન્ટીન પૂરતા જ મર્યાદિત હોય તો કેટલાક સાથે માત્ર કૉલેજના ગેટ પર ઊભા રહેવાનું બને. બેસ્ટ ફ્રેન્ડ કહી શકાય એવા તો ઘણા ઓછા. આ સમયગાળામાં મને જો કોઈની સાથે સૌથી સારી મિત્રતા રહી હોય તો તે છે મુકુંદ.

મિત્રતાની શરૂઆત અમારા એફ.વાય. બીકૉમ.ના વર્ગમાંથી થયેલી. હું જ્યારે પહેલા દિવસે મારા વર્ગમાં પહોંચ્યો ત્યારે તે એક પાટલી પર બેઠો હતો. એની બાજુની જગ્યા ખાલી હતી અને હું તે જગ્યા પર જઈને બેસી ગયો. શરૂઆતમાં અમારી વચ્ચે ઔપચારિક વાતચીત થઈ. મેં એની સામે હાથ લંબાવ્યો અને કહ્યું - હું સંદીપ. તેણે પણ મારી સાથે હાથ મિલાવતા કહ્યું - હું મુકુંદ અને ત્યાંથી અમારી વચ્ચેની મિત્રતાની શરૂઆત થયેલી અને અમારી બેઠક એ બેન્ચ પર ફિક્સ થઈ ગયેલી.

પછી તો કેમ્પસમાં, કેન્ટીનમાં સાથે જ આવવા જવાનું અમે નક્કી કર્યું. એનું ઘર મારા ઘરથી થોડું દૂર હતું, પણ અમે સાથે આવતા અને સાથે જ જતા. પિક્ચર જોવા જવાના પ્રોગ્રામ પણ સાથે જ બનાવતા. ક્યારેક લાઇબ્રેરીમાં વાંચવા સાથે જતાં અથવા એકબીજાના ઘરે અમે વાંચવા જવાનું રાખતા. 

મુકુંદ એકદમ ખુશમિજાજી, ગમ્મતિયાળ અને કાયમ ગીતો ગણગણતો જ હોય. અભ્યાસમાં ઠીક સ્પોર્ટ્સમાં આગળ. પરીક્ષાના દિવસોમાં મારે એને ગંભીરતાથી કહેવું પડતું કે, હવે વાંચવું પડશે... બાકી વાંચવાની તસદી લે તેવો એનો સ્વભાવ જ નહીં. અભ્યાસમાં તો અમે બંને ઠીક અને  અમે ભણતા ભણતા જ નક્કી કરેલું કે નોકરી તો કરવી જ નથી અને બિઝનેસ જ કરવો છે. અમે પહેલેથી જ નક્કી કરેલું કે, જ્યાં સુધી બંને પોતપોતાના પગ ઉપર ઊભા રહી ન જાય ત્યાં સુધી અમારો બિઝનેસ સંયુક્ત રહેશે.

અમારા બંનેના જીવનમાં સૌથી અગત્યની વાત એ બની કે, બી.કૉમ. કમ્પલિટ કરીને અમે બંને બિઝનેસમાં જોડાયા અને અમે ભાગીદારીમાં બિઝનેસ કરવાનું વિચાર્યું. શરૂમાં તો એકાદ મહિનો થોડો સર્વે કર્યો અને ત્યારબાદ દુકાન ભાડે લઈને ફરસાણની દુકાન શરૂ કરી. એ દુકાનમાં અમે ચાર વર્ષ સુધી બિઝનેસ કર્યો.

ત્યારબાદ બીજી એક દુકાન ખરીદી અને ફરસાણનું વેચાણ બે અલગ-અલગ જગ્યાએથી શરૂ કર્યું. ત્યારબાદ જે દુકાન ભાડે હતી તે પણ ખરીદી લીધી અને બંને પોતાના પગ ઉપર ઊભા રહી ગયા.  શરૂઆતના તબક્કામાં થોડો સંઘર્ષ કર્યા પછી અમે એકદમ આનંદમય વાતાવરણમાં અમારો વ્યવસાય આગળ વધાર્યો અને અમારા વ્યવસાયમાં આગળ વધ્યા.

આજે તો હવે અમારા બંનેના બિઝનેસ ધમધોકાર ચાલે છે. બંને એકબીજાને નાણાંકીય સપોર્ટ પણ કરીએ છીએ. અમારા બંનેનાં કુટુંબો પણ વાર-તહેવારે ભેગા મળે છે અને અમે ખૂબ આનંદ કરીએ છીએ. અમારી મિત્રતામાં સંપૂર્ણ વિશ્વાસ અને પ્રમાણિકતા હતી એટલે જ અમે આટલી સફળતા મેળવી શક્યા. કોલેજમાં પ્રવેશ્યા ત્યારે જરાય વિચાર્યું નહોતું કે બી.કૉમ. કર્યા બાદ શું કરીશું? પણ અમારી મિત્રતાએ એક નવી દિશા પકડી લીધી, જેનો અમને બંનેને ફાયદો થયો.

આજે પણ એની ગમ્મત તો એવી જ છે. થોડા દિવસ પહેલા મુકુંદનો ફોન આવ્યો... 'કાલે સાંજે ફ્રી રહેજે... આપણે બહાર જવાનું છે...' મેં એને પૂછ્યું પણ એણે કંઈ સરખો જવાબ આપ્યો નહીં. મને થયું કે હશે કંઈક કામ. બીજા દિવસે સાંજે એ આવ્યો અને મને સાથે લઈને સીધો જ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ' જોવા લઈ ગયો. એ સાથે જ અમને અમારી કૉલેજના છેલ્લા દિવસો યાદ આવી ગયા.

અમારી મિત્રતા ખરેખર ખૂબ સારી છે. આજે અમારા બિઝનેસ તો અલગ છે પણ અમે બંને એકબીજાના બિઝનેસમાં પણ ધ્યાન આપીએ છીએ અને જરૂરી ચર્ચાઓ કરી લઈએ છીએ. આજે હું એટલું કહીશ કે, આજે હું અને મુકુંદ જે ઉંચાઈ પર પહોંચ્યા છીએ. એનું મૂળ કેન્દ્રબિન્દુ અમારી વચ્ચેની નિખાલસ મિત્રતા જ છે.

(સંદીપ પટેલ, અમદાવાદ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.