યાર પ્યાર અને દોસ્તી
મિત્રની વાત કરું તો મારા આમ તો ઘણા મિત્રો છે, પરંતુ સૌથી ખાસ મિત્રને યાદ કરું તો ભુપેન્દ્ર અને રાકેશને હું મારા ખાસ મિત્ર ગણાવી શકું. આ બે મિત્રો મારા જીવનમાં સગા ભાઈની જેમ મારી સાથે રહ્યા છે. હું એટલે અમીત, ભૂપેન્દ્ર અને રાકેશ. અમારી ત્રિપુટી આખા વિસ્તારમાં જાણીતી હતી. ગમે ત્યાં અમે ત્રણેય મિત્રો દરેક સંજોગોમાં સાથે જ હોઈએ. સાથે બાળપણ વિતાવ્યું... સાથે ભણ્યા... ત્યાર પછી મેં અને રાકેશે આઈટીઆઈ પણ સાથે જ કર્યું અને એક જ કંપનીમાં જોડાઈ ગયા... જ્યારે ભુપેન્દ્ર તેના પપ્પાના વ્યવસાયમાં જોડાયો છે.
બાળપણથી અમે ત્રણેય મિત્રો સાથે ઉછર્યા. સાથે રમતાં... લડતા ઝઘડતાં... ફરી પાછા મળતા... પછી જેમજેમ સમજણા થતાં ગયાં તેમતેમ ઝઘડાનું પ્રમાણ ઓછું થતું ગયું અને મિત્રતા વધતી ગઈ. બાળપણની ઘણી વાતો આજે પણ યાદ કરીએ છીએ અને એ દિવસોને યાદ કરીને ખૂબ હસીએ છીએ.
અમે ત્રણેય એક જ સ્કૂલમાં ભણતા હતા... ભૂપેન્દ્ર આઠમાં ધોરણમાં ભણતો હતો અને હું અને રાકેશ સાતમા ધોરણમાં ભણતા હતા તે વખતની વાત છે. એક દિવસ ભૂપેન્દ્રએ અમને આવીને કીધું કે, આજે હું સ્કૂલે જવાનો નથી. બાગમાં જઈશ... તમારી સાથે ઘરેથી નીકળીશ અને તમારી સાથે જ પાછો આવી જઈશ... તમારે મારા ઘરે કે બીજા કોઈને કંઈ કહેવાનું નહીં... અને હું અને રાકેશ સ્કૂલે ગયા... થોડા દિવસ પછી... ફરી ભૂપેન્દ્રએ અમને કીધું કે હું આજે પણ સ્કૂલે જવાનો નથી... અમે ત્રણેય મિત્રો ઘરેથી નીકળ્યા અને અમે પણ એની સાથે સ્કૂલેથી દૂર આવેલા ગાર્ડનમાં પહોંચી ગયા... આખો દિવસ અમે ખૂબ રમ્યા... બપોરે અમારા લંચ બોક્સમાંથી ખાધું... ખૂબ મઝા કરી... બીજા દિવસે સ્કૂલે પહોંચ્યા એટલે પ્રિન્સીપાલે અમને ત્રણેયને બોલાવ્યા... અમારા વાલીને બોલાવી લાવવા કહ્યું... હવે શું કરવું...? પ્રિન્સીપાલને કેવી રીતે ખબર પડી તે તો આજે પણ અમને ખબર નથી.. પણ અમારા અંદાજ મુજબ અમે સ્કૂલ ડ્રેસમાં હતા એટલે કોઈક પટાવાળો કે ક્લાર્ક કે કોઈ ટીચર જોઈ ગયું હશે એવું માની લીધું.... અમારા મિત્ર વર્તુળમાં એક મોટી ઉંમરના કાકા હતા જેમનું નામ હતું કિરીટકાકા... એમને અમે ત્રણેયના કાકા બનાવીને લઈ ગયા.... કિરીટકાકાએ અમને પ્રિન્સીપાલની સામે ખૂબ જ ઠપકો આપ્યો... પણ સરવાળે અમારો બચાવ થયેલો... ત્યારબાદ કદી સ્કૂલ છોડીને ક્યાંય ગયા નહોતા...
આઈટીઆઈ પૂરું કર્યા બાદ જેવા કંપનીમાં જોડાયા કે તરત જ, અમારા વિસ્તારમાં એક છોકરી બોમ્બેથી તેના ભાઈને ત્યાં રહેવા આવી...અને રાકેશને સાથે તેનો પ્રેમ થઈ ગયો... અને તેઓએ પ્રેમલગ્ન કર્યા... જેમાં મારી અને ભુપેન્દ્રની ભૂમિકા પણ ઘણી અગત્યની રહી હતી.. આ વિષયની ચર્ચા અમારા વિસ્તારમાં ચાલી રહી હતી ત્યારે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર અમારી ત્રિપુટી જ રહી હતી...
અમારી ત્રિપુટી રોજ મળતી... રોજ રાત્રે અમે ત્રણેય સાથે જ હોઈએ... સોડા પીવી અને ગલ્લા ઉપર બેસવું... પછી રાત્રે કેટલા વાગે એ નક્કી નહીં... અમારા આયોજનો અને વાતો જ એટલી બધી ચાલતી કે ઘણીવાર તો વહેલી સવાર સુધી વાતો ચાલતી....
આજે તો અમારા ત્રણેયના લગ્ન થઈ ગયા છે.. ત્રણેય કુટુંબો સુખી કુટુંબો છે... ત્રણેયના ઘરે બાળકો છે... હવે અમારી મુલાકાત રોજની રહી નથી... પણ ઘણીવાર મળતા રહીએ છીએ... તેમાં શનિવારે રાત્રે તો ખાસ... મુલાકાત થતી...
અમે ત્રણેય કુટુંબો વર્ષમાં એક વાર સાથે ફરવા જઈએ છીએ... આજે પણ અમારી મિત્રતા અકબંધ છે... અમારી ત્રિપુટી કૌટુંબિક ત્રિપુટી બની ગઈ છે... જેનો અમને ત્રણેયને સંતોષ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર