દોસ્તો અને દોસ્તી બંને અનપ્રિડિક્ટેબલ હોય છે

26 May, 2015
12:00 AM

mamta ashok

PC:

મિત્રતા એક એવો સંબંધ છે કે, જે આપણને અન્ય લોહીના સંબંધોની જેમ જન્મજાત નથી મળતો. મિત્રો આપણે જાતે બનાવવા પડતા હોય છે. એમને તો લાખોના ટોળામાંથી પસંદ કરવા પડતા હોય છે, જેમની સાથે જાણે ગયા જન્મનું લેણું હોય એમ તેઓ પછી જીવનભર આપણી સાથે રહેતા હોય અને કોઈ પણ સ્વાર્થ વિના આપણને અનેક રંગબેરંગી ક્ષણોની ભેટ ધરતા હોય. હું માનું છું કે ફ્રેન્ડ્સ વિશે મારો જે અભિગમ છે એવો જ અભિગમ અન્ય લોકોનો પણ હશે. મેં હંમેશાં નાત-જાત, શરીરના રંગ, ચહેરાની સુંદરતા કે અન્ય કોઈ ઊંંચ-નીચના ભેદભાવ વિના ફ્રેન્ડશિપ કરી છે. તમે પણ તમારા ફ્રેન્ડ્સ આ રીતે જ બનાવ્યા હશે. જો કે એક વાત એ પણ છે કે આપણે મિત્રો બનાવવા નથી પડતા, પણ અચાનક ઘટતી કોઈ ઘટનાની જેમ મિત્રો તો એકાએક બની જતા હોય છે. દરેક માણના જીવનામાં મિત્રો હોય જ છે અને દરેક વ્યક્તિની મિત્રતા માટેની પરિભાષા પણ અલગ હોવાની જ. પરંતુ અંતો તો આ સંબંધમાં સૌનો ભાવ એક જ હોય છે.

મારા જીવનમાં મને જુદા જુદા તબક્કે વિવિધ મિત્રો મળ્યાં છે. અને એ બધા મારી જિંદગીનું મેઘધનુષ છે, જેમના અલગ-અલગ રંગોનું મારા જીવનમાં મહત્ત્વ પણ અદકેરું અને અમૂલ્ય. બાળપણથી લઈને અત્યાર સુધીમાં મને ઘણાં મિત્રોનો સાથ મળ્યો છે, જેમાંના કેટલાક હજુય સાથે છે. તો કેટલાક માત્ર યાદો બની રહી ગયા છે, જેમની સાથે સ્કૂલ-કોલેજમાં બનેલા કિસ્સા આજે અચાનક યાદ આવી જાય ત્યારે અચાનક ક્યાંકથી ફૂંકાતી ઠંડા પવનની લહેરખીની જેમ ચહેરા પર સ્મિત રમી જાય છે.

મારી સ્કૂલના સમયની બે સખીઓ મને હંમેશાં યાદ રહેશે, જેમાંની એક દર્શના અને બીજી દિગિષા. આ સખીઓ સાથે ક્લાસમેટ હોવાને કારણે દોસ્તી થઈ ગયેલી. એમાંય હું અને દિગિષા તો જાણે એકબીજાના પડછાયા! અમારી ફ્રેન્ડશિપ સારી એટલે એક બેન્ચ પર સાથે બેસવાનું તો ખરું જ, પરંતુ અમારા તો અક્ષર પણ એકસરખા જ આવે. એના કારણે એવું કેટલીય વાર બનતું કે અમારા અન્ય મિત્રો અને કોઈ વાર તો શિક્ષકો પણ ગોથું ખાઈ જતાં કે, તેમની પાસે જે લખાણ પહોંચ્યું છે એ મારું છે કે દિગિષાનું? અને કોઈક વાર તો એવું પણ બનતુ કે પરીક્ષામાં કોઈક વિષયમાં અમારા માર્ક્સ પણ એક સરખા આવે.

સરખા અક્ષર અને માર્ક્સને કારણે બીજા બધા તો ઠીક પણ ક્યારેક અમે બંને પણ અચંબામાં પડી જતા કે આવું તો કઈ રીતે બની શકે? મિત્રતામાં ઐક્ય હોય એ વાત સાચી પણ આવું ઐક્ય તો અમને પણ આશ્ચર્ય પમાડી જતું. આવી બહેનપણીઓ સાથે સ્કૂલનો સમય અત્યંત સુંદર અને રોમાંચક રીતે પસાર થયો. તો કૉલેજમાં મળી ગયેલા કેટલાક મિત્રોને કારણે મારો કૉલેજકાળ ખરા અર્થમાં સુવર્ણકાળ બની રહ્યો. કૉલેજના શરૂઆતના સમયમાં મને ભાવિન, મહેકી, સેમ, રુચિ, એક્ષા, ભૂમિ, ઈશિતા અને ચાંદની જેવા મિત્રો મળ્યાં, જેમની સાથે કૉલેજ લાઈફ 'ફૂલટુ' એન્જોય કરી. તો પાછળથી અક્ષત, તેજસ, મલ્લી, મોક્ષા, જીનલ, ત્રિશલા જેવા મિત્રો અનાયસે ભટકાયા, જેમની સાથે બહુ ઓછો સમય વીતાવવાનું મળ્યું પરંતુ જેટલો સમય વીતાવ્યો એ સમય લાજવાબ રહ્યો.

કૉલેજકાળના આ બધા મિત્રોમાં બે મિત્રો સેમ અને એક્ષા મારા જીવનના ખરા સુદામા બની રહ્યા, જેઓ મારા તમામ સુખ-દુખ વખતે મારી અડખેપડખે રહ્યા છે. સેમ મારા જીવનનો જોકર છે, જેણે મારી ઉદાસ ક્ષણોને તરોતાજા બનાવવાની સ્વૈચ્છિક જવાબદારી લીધી છે. તો એક્ષાને હું ડેવિલ એન્જલ તરીકે સંબોધુ છું. મારા બંને મિત્રો મારા જીવનમાં ઘટેલી દરેક ઘટનાના જાણકાર અને સાથે મને પણ ઊંડી રીતે જાણનાર. અને આ કારણે જ હવે જ્યારે હું હરખ-શોકની લાગણી અનુભવુ છું ત્યારે મને સૌથી પહેલા મને મારા આ મિત્રો યાદ આવે છે.

જો કે મોજ-મસ્તી કરનારા આ બધા મિત્રો સાથે મારા લડાઈ-ઝઘડા અને અનેક મતમતાંર પણ થયાં છે. પણ મૈત્રીમાં મતભેદ ઠીક છે પરંતુ મનભેદ થવો યોગ્ય નથી. સાચી વાત કરું તો આજે જ્યારે મૈત્રી પર લખવા બેઠી છું ત્યારે મને લડાઈ-ઝગડાના કોઈ કિસ્સા યાદ જ નથી આવતા. જે કંઈ યાદ આવી રહ્યું છે એ સારું જ યાદ આવી રહ્યું છે. કદાચ મિત્રતાની મજા જ છે કે અહીં માત્ર સારું જ યાદ રહી જાય છે.

આમ તો મિત્રતામાં રોજ નવા કિસ્સા બનતા હોય છે અને અહીં જેટલા કિસ્સા બનતા હોય એ બધા જ યાદગાર-રોમાંચક હોય છે. પણ બધા કિસ્સા એક સાથે તો કેમ ટાંકી શકાય? જો કે એવા અનેક કિસ્સામાંથી એક કિસ્સો જરૂર શેર કરીશ. દરેકના જીવનમાં પોતાના જન્મદિનનું ખાસ મહત્ત્વ હોય છે, એ રીતે મારા જીવનમાં પણ છે. મને મારો જન્મદિવસ એટલો પ્રિય કે જન્મદિવસના એક મહિના પહેલાથી હું મારા બર્થ ડેની રાહ જોઉં! એવામાં એકવાર મારા બર્થ ડેના દિવસે રાત્રે બાર બાગ્યાથી મારા મિત્રોના ફોનકોલ્સ, મેસેજ કે એમની સરપ્રાઈઝની રાહ જોતી બેઠી હતી. પણ એ દિવસે તો સાડાબાર થયાં તોય મારા પર કોઈની શુભેચ્છાના ફોન નહીં આવ્યા.

મને હતું કે મારા ખાસ મિત્રો મને કોઈ પણ ભોગે બર્થ ડેની શુભેચ્છાઓ આપશે પણ હું કાગડોળે રાહ જોતી રહી પરંતુ કોઈનો એક મેસેજ સુદ્ધાં નહીં આવ્યો. આખરે હું નિરાશ થઈ ગઈ અને પોણા એક વાગ્યે ઊંઘી ગઈ. એવામાં રાત્રે એક વાગ્યે મારો ફોન અચાનક રણક્યો અને સ્ક્રિન પર બ્લિંક થતું નામ વાંચ્યું તો એ નામ હતું, 'એક્ષા'. મેં કહ્યું, 'બહુ વહેલું યાદ આવ્યું તને!' તો એણે કહ્યું, 'તારો જન્મ તો રાત્રે ૧ વાગ્યે થયેલો ને, હું સમયસર જ છું.' તે દિવસે મારા જન્મ વિશેની આટલી ઝીણી માહિતી યાદ રાખતી મારી આ બહેનપણીની લાગણીથી રસતરબોળ થઈ ગયેલી. તો સવારે ઊઠું એ પહેલા તો મારા અન્ય બે મિત્રો પણ મારા માટે કેક લઈને ઘરના દરવાજે ઊભા હતા. એ હતા સેમ અને ભાવિન, જેઓ કંઈ બોલે એ પહેલા મેં એમને પૂછ્યું કે 'રાત્રે કેમ વિશ ન કર્યું?' તો તેઓ કહે,'રાતે વિશ કર્યું હોત તો અત્યારે તારા મોઢા પર જે એક્સપ્રેસન્સ છે એ અમને જોવા મળ્યાં હોત?'

મિત્રોનું આવું કારણ જાણીને મને પણ ઘણો આનંદ થયો. અને એમની વાત પણ સાચી જ હતી કે રાત્રે તો મને પણ ખબર હતી કે એમાના કોઈ ઘરે કેક લઈને આવશે જ અથવા ફોન પર વિશ કરશે. તો પછી એમાં સરપ્રાઈઝ શેની? દોસ્તો અને દોસ્તીનું એવું જ હોય છે, જ્યાં બધું અનપ્રિડિક્ટેબલ હોય છે. દોસ્તીમાં ક્યારેય કશું ધારી શકાતું નથી અને અહીં ભૂલમાં પણ કશું ધાર્યું હોય તો એ ધારેલું ક્યારેય થતું નથી. એટલે જ મને એમ કહેવાનું મન થાય છે કે, દોસ્તીમાં બધુ અનપ્રિડિક્ટેબલ હોય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.