મિત્રો મારી કમજોરી

01 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

હું સ્વભાવે મૂળે બોલકો જીવ અને મને સતત કોઈની કંપની જોઈએ. જો આસપાસ માણસો નહીં હોય, કે બોલ બબડ કરવા માટે કોઈ જીવતુ જણ નહીં મળે તો હું પાગલ થઈ જાઉં અને માણસ શોધવા માટે રીતસરના વલખા મારું. મારા આવા સ્વભાવને કારણે મને ઘણી વખત વિચાર આવે કે, જો મારા જીવનમાં દોસ્તો નહીં હોત તો મારું શું થાત? જોકે આવો વિચાર આવતા જ હું થથરી જાઉં, કારણ કે, આગળ કહ્યું એમ મને બોલવા માટે જો માણસો નહીં મળે તો ગાંડા જેવો થઈ જાઉં, તો આ તો દોસ્તો છે. એમના વિના તો જીવનની કલ્પના પણ કઈ રીતે કરી શકાય? દોસ્તો જ ન હોય તો જીવન કેવું અને જીવનનું અસ્તિત્વ કેવું? એના પર આગળ વિચાર જ ન થાય.

મારા દોસ્તોની ગણતરી કરવા બેસું તો આંગળીના વેઢા ઓછા પડે એટલે એ બધાના નામ અહીં આલેખવાની પંચાતમાં મારે પડવું પડવું નથી. કારણ કે આપણે તો ચોતરે બેઠાં હોઈએ તો ચોતરા પર બેસતા તમામ લોકો આપણા દોસ્ત અને પાનને ગલ્લે ભેગા થતાં તમામ સાથે પણ આપણી ગાઢી મિત્રતા. છેલ્લા ત્રણ દાયકાથી ટ્રેનમાં અપડાઉન કરવાનો નિત્યક્રમ એટલે પાસ હોલ્ડર્સના ડબ્બામાં જુદા જુદા સ્ટેશનેથી ચઢતાં અનેક પાસ હોલ્ડર્સ પણ આપણા મિત્રો. ઓફિસમાં આજુબાજુની ટેબલ પર બેસતા સહકર્મચારીઓ તો મિત્ર ખરા જ, પરંતુ અમારી વિમાની ઓફિસમાં આવતા ગ્રાહકો અને એજન્ટો સાથે પણ આપણને યારી.

જોકે ઉપરના ફકરા પરથી એમ ધારવાની જરૂર નથી કે, આ માણસ સાવ નવરો અને નફગરો જ લાગે છે. કારણ કે આટલા બધા દોસ્તો હોય તો સ્વાભાવિક જ માણસ પાસે ભરપૂર ટાઈમ હોવાનો. પરંતુ મારી બાબતે એવું નથી. હું મારા સંસારમાં પણ અત્યંત ઠરેલ માણસ છું અને ઓફિસમાં પણ શ્રેષ્ઠ કર્મચારીનો એવોર્ડ અનેક વખત જીતી ચૂક્યો છું. પરંતુ મિત્રો આપણી કમજોરી છે અને જેની સાથે મિત્રતા બંધાઈ જાય એવાઓ માટે આપણે જાન આપવા તૈયાર થઈ જઈએ એ વાત અહીં કહેવાની જરૂર નથી.

વાતો કરવાની આપણને આદત એટલે એવું નહીં કે, રસ્તે ભટકાઈ જતાં કોઈ પણ જણ સાથે માત્ર ગપ્પા જ હાંકવાના. પણ જે મિત્ર રસ્તે જડી જાય એને દિલથી ભેટવાનું અને જો મેળ પડે તો એ મિત્રને કંઈક સારો નાસ્તો કરાવીને જ ઘરે મોકલવાનો આપણો નિયમ. કેટલાક સાથે વળી એટલા ગાઢ સંબંધ હોય કે, તેઓ પણ એમના સારા-નરસા પ્રસંગે અચૂક યાદ કરે અને સામે પક્ષે આપણી પ્રતિબદ્ધતા પણ એટલી કે, આપણે મારતે ઘોડે એ દોસ્તોને ત્યાં દરેક પ્રસંગે હાજર રહીએ. જાતે અને પૈસે ટકે ઘસાઈને પણ!

આજકાલ વ્હોટ્સ એપનો જમાનો આવ્યો છે અને ચોરે-ચૌટે ભરાતી બેઠકોનું પણ હવે ડિજિટલાઈઝેશન થઈ ગયું છે. દોસ્તોએ અનુરોધ કરતા આપણે પણ સ્માર્ટ ફોન લઈ લીધો અને સત્વરે ઈન્ટરનેટ શરૂ કરાવીને વ્હોટ્સ એપની દુનિયામાં આવી ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ઘરના અને ઓફિસના એક-એક ગ્રુપ્સને બાદ કરતા બીજા તેર જેટલા વ્હોટ્સ એપ ગ્રુપમાં મને એડ કરાયેલો છે, જે તમામ ગ્રુપ્સ વિવિધ દોસ્તોના છે!

વ્હોટ્સ એપ આવી જવાને કારણે તો એવું લાગવા માંડ્યું છે કે, દૂરના કોઈક શહેરમાં વસતા કે, શહેરમાં જ સતત આપણાથી દૂર રહેતા મિત્રો હવે દિલની ખૂબ નજીક આવી ગયા છે, જેમની સાથે પળવારમાં સંપર્ક કરી શકાય છે.

મિત્રો હોય તો આપણને જીવન હર્યુંભર્યું લાગે છે. મિત્રો જીવનની એક પણ ક્ષણ ખાલી કે નકામી લાગવા દેતા નથી અને એમના વિચાર માત્રથી જ આપણું મન આનંદ પામે છે. સાચું કહું તો મારે તો સગાવહાલા પણ ઘણા ઓછા છે, પરંતુ છતાં મને માણસોની સોબત ગમે છે એની પાછળનું કારણ જ મિત્રો છે. મારા જીવનમાં આવા દિલેરોની સંખ્યા ઘણી વધુ છે. આ કારણે ઘરે આવનજાવન પણ વધુ રહે છે અને પત્ની ક્યારેક એ બાબતની ફરિયાદ પણ કરી બેસે છે, પરંતુ હું એને સમજાવું છું કે, 'મિત્રોની આ આવનજાવન હમણા ભલે તને ત્રાસદાયક લાગતી હોય, પરંતુ જે દિવસે મિત્રોની આવજાવન ઘટી જશે એ દિવસે તું જ મને કહેશે કે, ઘર ખાવા દોડે છે. કોઇ આપણા ઘરે આવતું જ નથી!'

ખૈર, હમણા તો હું મિત્રોની આ દોમ દોમ સાહ્યબીને ખૂબ માણી રહ્યો છું. હાથમાં કેટલા વર્ષો રહ્યા છે એ તો ખબર નથી, પણ હવે ઝાઝું જીવવા નહીં મળે તો પણ બહુ રંજ નથી. કારણ કે, જેટલું જીવ્યા એટલું રંગીન જીવ્યા છે અને એ રંગોએ જ જિંદગી અત્યંત અર્થસભર પણ કરી છે.

બીપીન પટેલ (નડિયાદ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.