એટલે મિત્રો સ્પેશિયલ હોય છે
ઘણા લોકો કહેતા હોય છે કે, તેઓ સંબંધોની બાબતે મિત્રોને હંમેશાં આગલી હરોળમાં મૂકે છે કે એમના જીવનમાં મિત્રોનું સ્થાન વિશેષ છે. જીવના એક પડાવ પર એટલે કે માણસની ટીનએજ શરૂ થાય ત્યાર પછી કોલેજના વર્ષો પૂરા થાય અને લગ્ન થાય ત્યાં સુધી મિત્રો જ આપણા જીવનના કેન્દ્રબિંદુ પણ બની જતાં હોય છે. જીવનના આ તબક્કામાં ભાઈ-બહેન કે માતા-પિતા જેવા સંબંધોનું જીવનમાં અત્યંત મહત્ત્વ હોવા છતાં એ સંબંધો માણસની પ્રાયોરિટી લિસ્ટમાં બીજા કે ત્રીજા ક્રમે આવી જતાં હોય છે. લોહીના સંબંધો આમ પાછળ ધકેલાઈ જવા પાછળનું કારણ શું? કારણ એક જ કે, આપણા વિકાસના એ ગાળામાં એકમાત્ર મિત્રો જ એવા હોય છે, જેઓ આપણી હામાં હા કરીને આપણી સાથે આપણી મરજી મુજબ જીવતા હોય છે!
ટીનએજથી શરૂ થતાં જીવનના એ આશ્ચર્યોથી ભરપૂર ગાળામાં આપણને જાતજાતનું કરવાનું મન થાય. નવું નવું જાણવાનું મન થાય. બદલાતા જતાં શારીરિક આવેગોની સાથે સપનાં પણ બદલાતા જાય અને ક્ષિતિજો પણ વિસ્તરતી જાય! અને એટલે જ નાદાનિયતની એ ઉંમરે જુવાનિયાઓને નવું નવું સૂઝે, જે કરવામાં ઘરેથી માતા-પિતા તરફથી રાબેતા મુજબની ના સાંભળવાની આવે! એટલે પછી ચોરીછૂપીથી મિત્રો સાથે એ બધી ઉટપટાંગ હરકતો કરવાની આવે, જેની સાથે પછી જોડાતી હોય છે અનેક યાદો, જે એકાદ દાયકામાં જ ઈતિહાસ બની જતી હોય છે!
હું કોઈ ફિલોસોફર નથી કે, નથી એવો કોઈ મોટો લેખક એટલે લાઈફમાં મિત્રો કેમ પ્રાયોરિટી લિસ્ટમાં આગળ રહે છે એ વિશે જે મેં ઉપર સમજાવ્યું એ તમને સમજમાં નહીં પણ આવે! પણ એક વાત સાચી કે, મિત્રો વિશેની ઉપરની વાતો મારી પોતાની સમજણ છે, જેને મેં ફિલ કરી છે. હવે હું મારી એ બધી અનુભૂતિઓના કિસ્સા કહું, જેને કારણે મેં ઉપરની વ્યાખ્યા બાંધી છે. મારી સ્કૂલના દિવસોથી શરૂ કરું તો અમારા શહેરમાં એક સાવ અવાવરું વાવ છે. સમજતો થયેલો ત્યારથી મને એ વાવ માટે ભારે કૌતુક અને મને ત્યાં જવાની ભારે ઈચ્છા! પણ અમારા શહેરમાં એવી વાયકા કે એ વાવમાં ભૂત-પ્રેતોનો વાસ છે એટલે ઘરે મેં લાખ વિનંતી કરી હોવા છતાં તેઓ મને એ વાવ સુધી તો ઠીક પણ એ વાવની નજીકના રસ્તેથી પણ નહીં લઈ ગયા.
પણ નવમાં ધોરણમાં હતો ત્યારે એક દિવસ સ્કૂલેથી ઘરે જતી વખતે મેં મારા એક મિત્ર અભિષેકને કહ્યું કે, ‘યાર મને એ વાવ જોવાની ઈચ્છા છે. એક દિવસ ત્યાં જવું જ છે.’
‘તો આજે જ ચાલને.’
‘આજે જ?’ મેં આશ્ચર્યથી અભિષેકને પૂછ્યું.
‘હા આજે જ.’
‘પણ ત્રણ વાગ્યે તો ટ્યૂશન જવાનું છે અને સાંજે તો મને બહું ડર લાગે યાર.’ મેં મારો ડર બતાવ્યો.
‘આજે ટ્યૂશનમાં ગુલ્લી… એક દિવસ ટ્યૂશન નહીં જઈશું તો કંઈ આપણે અભણ નથી રહી જવાના! અને વાવ જોઈને પછી રેલવે ટ્રેકને પેલે પાર એક વિસ્તારમાં વડાંપાવ પણ સારા મળે છે. વડાંપાવ સાથે કોલ્ડ્રીંક્સ પણ પીશું. મજા આવશે!.’
અભિષેકે તો મને જાણે એડ્વેન્ચર ટૂરનો પ્લાન આપી દીધો. હું પણ તરત રાજી થઈ ગયો અને એ દિવસે અમે જાતજાતના અનુભવો લીધા. એક તો જીવનમાં પહેલી વખત ક્લાસમાં ગુલ્લી મારી હતી અને ખભે ટ્યૂશનની બેગ ભેરવીને શહેર આખાની સાયકલ પર શેર કરેલી એ વધારાની!
એવો જ એક કિસ્સો કૉલેજ જીવનનો. એન્જિનિયરિંગના અભ્યાસ માટે મારે વિદ્યાનગર જવાનું થયું અને ત્યાં મને મળ્યાં જાતજાતના મિત્રો! હૉસ્ટેલમાં એક દિવસ મિત્રએ કહ્યું કે, ‘યાર બીજા લોકોને જોઈને મને પણ સૂટ્ટો લગાવવાનું મન થાય છે! ગમે એ થાય પણ એક દિવસ સિગારેટ ટ્રાય તો કરવી જ છે.’ એની વાત સાંભળીને મને મારો બાળપણનો મિત્ર અભિષેક યાદ આવી ગયો અને મેં અભિષેકની જ અદામાં એને કહ્યું, ‘તો બકા રાહ કોની જુએ છે. ચાલને આજે જ મારીએ સિગરેટના કશ!’
ત્યારબાદ અમે તરત જ હૉસ્ટેલમાંથી બહાર નીકળ્યાં અને પહોંચ્યાં સીધા નજીકની ટપરી પર. સિગારેટની બ્રાન્ડ્સ વિશે તો ખબર ન હતી પણ ટપરી પર જે સિગારેટનું બોક્સ દેખાયું એનું નામ બોલીને અનુભવીની છટામાં સિગારેટ માગી અને બે કટિંગ માગી! જોકે સિગારેટનો પહેલો કશ મારતા જ અમારા બંનેના ફેફસાં કોઈએ નીચોવી લીધા હોય એમ અમને ઉઘરસ થઈ અને થોડાં સમય સુધી બંનેને તમ્મર આવી ગયા. એ અનુભવ પછી અમે બંને જણે અત્યાર સુધી સિગારેટને હાથ સુદ્ધાં નથી અડક્યો પરંતુ મિત્ર સાથે અનુભવેલો એ અનુભવ હંમેશાં યાદ રહેશે.
આ ઉપરાંત પણ જીવનમાં એવા અનેક કિસ્સાં છે, કૉલેજની પરીક્ષાઓમાં નાનીમોટી ચોરી કરવી કે, દોસ્તોની સાથે ક્યાંક લાંબી ટૂર કરવી. સાથે બેસીને ફિલ્મો જોવી કે, મેસનું ખાવાનું ન ભાવે તો ખિસ્સામાંનું ચિલ્લર ભેગું કરીને બહારની લારીઓ પર મળતો ખોરાક ઝાપટવો. એક આગવી મજા હોય છે આ જીવનની. જીવનના સૌથી સુંદર ગાળામાં એટલે કે યુવાનીમાં મિત્રો સાથે જ જીવવાનું આવે છે. જીવન એ ગાળો ઉત્તમ હોય એટલે એ ગાળા સાથે જોડાયેલી યાદો પણ ઉત્તમ હોવાની અને એટલે જ મિત્રોનું સ્થાન જીવનમં સ્પેશિયલ રહેવાનું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર