મિત્રો એક એવી લત છે, જે છૂટે નહીં...
જીવનમાં ઘણા સંબંધો જન્મની સાથે ભેટમાં મળે છે, પણ મિત્રતા એવી કે જાતે બનાવેલી હોય. જાતે જ પસંદ કરાયેલી હોય છે. એટલે જ આ સંબંધમાં મનમાની કરી શકાય છે. બીજા કોઈ સંબંધમાં મનમાની કરી શકાતી નથી. એમાંય વળી, અમુક (પતિ-પત્નીના)સંબંધોમાં તો ભોગવ્યે જ છૂટકો!
ખૈર, આ તો એક મજાક હતી. પરંતુ મારું સદ્દભાગ્ય કહો કે આશીર્વાદ પરંતુ ક્યારેય પણ જીવનમાં મને મિત્રોની કમી પડી નથી. લોકો કહે મિત્રો સારા કે ખરાબ હોય. પરંતુ આ બાબતે મારો અંગત મત એ છે કે, મિત્રો ફક્ત મિત્રો જ હોય. મિત્રતામાં સારા ખરાબની વાત આવતી જ નથી.
મિત્રતા એ દુનિયાનો એકમાત્ર એવો સંબંધ હશે, જેમાં કેરિંગ ભલે ઓછું હોય, પણ અહીં શેરિંગ વધુ હોય છે. માતા-પિતા કે ભાઈ-બહેનના જેટલી આપણી કેર મિત્રો તો ક્યાંથી કરવાના? પરંતુ એમની આગળ પૂરેપૂરા ખાલી તો થઈ જ શકાય! કદાચ આ જ વિશિષ્ટતા છે આ સંબંધની.
સ્કૂલ સમય હોય કે કૉલેજ કાળ હોય, વિવિધ સમયે મિત્રો સતત બદલાતા રહ્યા છે, પણ મિત્રતાની ભાવના ક્યારેય નહીં! સ્કૂલ-કોલેજના મિત્રો હોય કે ઘર પાસેના હોય, જે અભિવ્યક્તિ કે આનંદ એમની સાથે વહેંચેલા એ અવિસ્મરણીય છે. એની તોલે કોઈ નહીં આવે.
સાંજે ઘરે પરત ફરો કે ક્રિકેટ રમવાનું હોય કે વૉલિબૉલની નાઈટ મેચ હોય, ગણેશ ઉત્સવની તૈયારી કરવાની હોય કે નવરાત્રિ માટેના પાસ મેળવવા માટે આમથી તેમ દોડાદોડી કરીને લોકોને કાલાવાલા કરવાના હોય. આ બધાનો એક અનેરો આનંદ હોય છે અને એ આનંદ મિત્રો સાથે જ માણ્યો છે.
આજેય જીવનમાં વિકટ પરિસ્થિતિમાં જો કોઈ પહેલું યાદ આવે તો એ મિત્રો છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના હોય કે દિવાળીમાં ફટાકડા ફોડી કોઈને હેરાન કર્યા હોય. એ બધામાં મિત્રોનો સંગાથ! હોળીમાં રંગોની છોળો વચ્ચે બીજા ગ્રુપ સાથે અચાનક થઈ બબાલોમાં પણ જો કોઈ પડખે ઉભું હોય તો એ મિત્રો જ હોય!
સુરતના સત્યનગરમાં જ્યાં અમારું ઘર છે ત્યાં એક બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભંડારી કાકાનું ઘર હતું. 'ભંડારીની પાળી' તરીકે ઓળખાતી એમના ઘરની બાલ્કનીની પાળી એટલે ફ્રેન્ડસ ગ્રુપનો અડ્ડો. રોજ સાંજે અમારામાંના કોઈ એકની ઠેકડી ઉડાવવી ને પછી એની સાથે જ દાબેલી ખાવા જવું. બચતના 10 રૂપિયામાંથી લેવાયેલો એ આનંદ આજે એસીમાં 500 રૂપિયાની થાળી ખાધા પછી પણ નથી આવતો.
ઘરની નજીકના કોઈ ખૂણે છુપાઈને મિત્રો સિગારેટ પીવા જાય ને સામેથી કોઈ વડીલ આવી જાય અને સુટ્ટા મારતા રંગેહાથ પકડાઈ જવાય તો કરવી પડતી ચોખવટમાં મિત્રો જ કામ લાગે. કોઈ પણ વિષય પર ગરમાગરમ ચર્ચા કરવાની, એકબીજાને ખોટા પાડવા જોરજોરથી દલીલો કરવાની અને પછી એ જ મિત્રો સાથે બેસીને પાછી ચ્હા પીવી કે, વડાપાવ ઝાપટવના!
જે મિત્રો સાથે વાદ-વિવાદ કરેલા એ જ મિત્રો સાથે ત્યારે એકસૂર થઈ જવાયેલું, જ્યારે સુરતમાં પૂર આવેલું અને ત્યાર પછી પ્લેગ ફાટી નીકળેલો! કારણ કે આ જ મિત્રો સાથે હાથમાં મિણબત્તી, ખમણ ને દૂધની થેલીઓ લઈને જરૂરતમંદોની સેવા માટે ખડે પગે નીકળી પડેલા અને બધાએ ભેગા મળીને કોઈકની ભૂખ ઠારેલી.
એ સાપુતારામાં આખી રાત ચાની લારી પર કાઢવી... કે ગોવાની ટ્રીપમાં પહેલી વાર કોઈ ફોરેનર સાથે વાતચીત કરવી... માથેરાનમાં લાલ થતા બૂટ... કે આબુની ઠંડી થીજાવી દેતી રાતે બેખોફ તૂટેલું ફૂટેલું ઈંગ્લિશ બોલી શકવાની મઝા અને જીવનનો અદ્દભુત રોમાંચ...
વેકેશનમાં આખો દિવસ ક્લબમાં બેસવું... ક્લબમાં કાચુફૂલ રમવું ને એમાંથી આવેલા પૈસાનો નાસ્તો કરવો... કેરમ ને ચેસની લેટ નાઈટની રમત ને તારો માલ ને મારો માલ કહી છોકરીઓની વાતો કરવી...
5 રૂપિયાની અપર ને 6 રૂપિયાની બાલ્કની ને 2-2 રૂપિયાના વડા... રાજકુમાર, ગાયત્રી ને જીવનજ્યોત ટોકિઝમાં 10 રૂપિયામાં જોવાતી ફિલ્મોની મજા આજે મલ્ટીપ્લેક્સની 350ની ટિકીટ ને 180 રૂપિયાની પૉપકોર્ન નથી આપી શકતા...
ટૂંક સમયમાં AC ચાલુ થાય છેની જાહેરાત આવે ને ચાલુ પિક્ચરે જ 15 મિનિટમાં મિત્રનું પૂછવું કે, 'હજુ AC કેમ ચાલુ નથી થયું' ને પછી ઉછળતી હાસ્યની છોળો... મિત્રો સાથે કરાયેલો એ આનંદ કપિલ શર્માની કોમેડી નાઈટમાંય નથી આવતો.
કેનેડા ઈમિગ્રેશ હોય કે જોબનું ફસ્ટ્રેશન હોય, એ બધું મિત્રો સાચવી લે છે. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે અને એ સમય વહી ગયો છે. મિત્રો અલગ-અલગ સ્થળે સ્થાયી થયા છે. પણ થેન્ક્સ તો વૉટ્સ એપ અને ફેસબુકને કે જેના આવ્યા પછી હવે માઈલો દૂર બેઠેલા મિત્રોને પળભરમાં મળી શકાય છે. જૂની દોસ્તીને ફરી જીવી શકાય છે. યાદોને તરોતાજા કરી શકાય છે. એકબીજાના ખભે ધબ્બાની જગ્યાએ સ્માઈલીઝ મોકલીને આનંદ મેળવી શકાય છે.
એક સમય હતો જ્યારે બધા ભેગા મળીને સતત કંઈક ને કંઈક પ્લાન કરતાં રહેતા, અને હવે કાળચક્ર એવું ફર્યું છે કે, હવે બધાએ ભેગા થવાનો પ્લાન કરવો પડે છે. જીવનમાં મિત્રો તો ઘણા મળ્યા છે. પણ બાળપણના મિત્રો સાથેની આત્મિયતા કંઈક વિશિષ્ટ છે. એમાં કંઈક વિશિષ્ટ તત્ત્વ છે, જેને ફરીથી પામવા સતત તલસાટ થાય છે. જે હાથમાં નથી રહ્યું એને ગુમાવવાનો ચચરાટ થાય છે. એટલે જ જ્યારે આ મિત્રોને મળવાનું મન થાય છે ત્યારે સુરત જવાનું કારણ નહીં પણ બહાનું શોધવું પડે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર