દોસ્તી એટલે જિંદગી

29 Nov, 2016
12:00 AM

PC: queenmobs.com

શબ્દકોશમાં મિત્ર શબ્દના જાતજાતના અર્થ અપાયા છે, પરંતુ એક અર્થ દુનિયાના કોઈ પણ શબ્દકોશમાં નથી અપાયો. અને એ અર્થ છે મદદ! આપણા જીવનની વિવિધ ધટનાઓનો ધ્યાનથી અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે, આપણા જીવનમાં જ્યારે જ્યારે આપણને કોઈ મદદની જરૂર પડી છે, ત્યારે આપણને સૌથી પહેલા આપણા સ્વજનો નહીં પરંતુ આપણા મિત્રો યાદ આવતા હોય છે. અને યાદ જ શું કામ? જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે મિત્રો જ અડધી રાત્રે આપણી મદદે પણ આવ્યા છે અને એમણે આપણને ઉગાર્યા છે.

કોઈક વ્યક્તિ કદાચ એવી દલીલ કરી શકે છે કે, ના ભાઈ, આમારા જીવનમાં તો અમને જ્યારે જ્યારે કોઈ ઈમોશનલ કે ઈકોનોમિકલ હેલ્પની જરૂર પડી છે ત્યારે મિત્રો નહીં પરંતુ અમારા સ્વજનો અમારી મદદે આવ્યા છે. પણ આવા ટાણે હું ફરી એક સલાહ આપીશ કે, તમારી મુશ્કેલીના સમયે જે સ્વજનો મદદે અવતા હોય એમની સાથેની તમારી રિલેશનશીપનું એનાલિસિસ કરજો. એ સ્વજનો સાથે પણ તમારા મૈત્રીપૂર્ણ સંબધો રહ્યા હશે, જે મૈત્રીને કારણે જ આટલા બધા સ્વજનોમાંથી બીજું કોઈ નહીં અને એ સ્વજનો જ તમારી મદદે આવ્યા! એટલે જ આગળ કહ્યું કે, મૈત્રી શબ્દને મદદ સાથે સીધો સંબંધ છે.

મારા તો અત્યાર સુધીના જીવનનો મોટાભાગનો સમય જ મિત્રો સાથે પસાર થયો છે. ગ્રેજ્યુએશન વખતે મારે સાવ કાચી ઉંમરે ગામડેથી અમદાવાદ હોસ્ટેલમાં આવવું પડેલું અને ત્યારથી લઈને પોસ્ટગ્રેજ્યુએશન અને ચાર વર્ષની નોકરી સુધીનું બધુ જ અમદાવાદમાં થયું. અંજારની થોડે દૂરના મારા ગામડેથી અમદાવાદ આવેલો ત્યારે અમારી સાત પેઢીનું કોઈ સગું અમદાવાદમાં નહીં રહે, એટલે અમદાવાદ આવ્યા પછી જે કોઈ સંબંધો કેળવાયા એ બધા મિત્રો સાથે જ કેળવાયા. અને આજે પણ અમદાવાદમાં એ જ સ્થિતિ છે કે, આ શહેરમાં મારું જે કોઈ સ્વજન વસે છે એ બધા મારા મિત્રો જ છે.

એમાંય મારા ચાર યારો સાથે કૉલેજના ફર્સ્ટ યરમાં જે મિત્રતા થયેલી એ આજ સુધી અકબંધ છે. અને જૂના શરાબની જેમ એ મિત્રતા જેટલી જૂની થઈ રહી છે એટલો જ એનો નશો વધુ થઈ રહ્યો છે. કૌશલ, રાજ, ધ્રુવિન અને નિલય એ ચારેય મારા મિત્રો અને એ ચારેય પાછા મૂળ અમદાવાદના અને અમદાવાદમાં જ એમના ઘર.

કૉલેજમાં એમની સાથે દોસ્તી થઈ પછી સૌથી મોટો ફાયદો તો એ થઈ ગયો એ મિત્રોએ મને હોસ્ટેલના બોરિંગ અને રસકશ વિનાના ખોરાકમાંથી મુક્તિ અપાવી. નહીંતર ફર્સ્ટ યરનો પહેલો મહિનો તો મારે પાણી પીને જ દિવસો કાઢવા પડેલા! મારી સાથે એ ચારેય પણ મારી હોસ્ટેલ પર જ ધામા નાંખીને રહેતા, પરંતુ અમારું ખાવાનું એ ચારમાંથી કોઈક એકને ત્યાં જ રહેતું. એ ચારેયની મમ્મીઓ પણ જાણે મારી જ મમ્મી હોય એમ એમના ઘરે કશુંક સારું બનાવ્યું હોય તો મને ખાસ ફોન કરે અને ઘરે એમનો દીકરો હાજર હોય કે ન હોય, પણ હું જરૂર એમની ડાઈનિંગ ટેબલ પર હાજર હોઉં!

આ ચારેય મિત્રો મને દરવખતે સેમેસ્ટર ફીઝ ભરતી વખતે પણ ખૂબ મદદમાં આવ્યા છે. કારણ કે, મારા ઘરની આર્થિક સ્થિતિ બહુ વખાણવા લાયક ન હોવાને કારણે દર વખતે ફી ભરવાના સમય કરતા થોડા દિવસો પછી જ પૈસાની જોગવાઈ થઈ રહેતી. પરંતુ મારા ચાર મિત્રોમાંનું એકાદ જણ મારી મદદ માટે તૈયાર જ હોય, જેના કારણે મારી ફી ભરવાની તારીખ સચાવાઈ જતી. એ જ રીતે ક્યારેક અભ્યાસ માટેના કોઈક પુસ્તકો કે કોઈક એસેસરી પણ લેવાની હોય ત્યારે મારા મિત્રોએ મને સવેળા મદદ કરી છે અને મારો વખત અને મારી ઈજ્જત બંને સાચવી લીધા છે.

ભણતર પૂરું થયું પછી જ્યારે નોકરીનો સમય આવ્યો ત્યારે મને અમદાવાદમાં સારા પગારની નોકરી મળેલી. જોકે એટલા પગારથી પણ અમદાવાદ જેવા શહેરમાં ઠરીઠામ થવું કે લાઈફ પસાર કરવી મારા જેવા સામાન્ય માણસ માટે તો મુશ્કેલ જ કહી શકાય. કારણ કે સૌથી મોટી મુસ્કેલી તો એક સારું ઘર ખરીદવાની જ હતી. કારણ કે આજીવન ભાડાના મકાનમાં જીવન પસાર કરવાની મને બહુ ઈચ્છા ન હતી અને શહેરના નવા વિકસતા વિસ્તારોમાં ફ્લેટ લઈ શકાય એવી મારી સ્થિતિ ન હતી.

આ કારણે મેં ફરી અંજાર જઈને ત્યાં નોકરી કરવાનું નક્કી કરેલું. પરંતુ આ ચાર મિત્રોએ મને કહ્યું કે, ‘એવું હોય તો એક-બે વર્ષ અહીં નોકરી કર અને પછી અંજાર જવાનું વિચારજે. ત્યાં સુધી તું તને મન થાય એ દોસ્તને ત્યાં રહેજે, પણ હાલમાં તારે આ નોકરી છોડીને અંજાર જવાનું નથી.’ મને અંજાર નહીં જવા દેવા માટે એ લોકો રીતસરના જીદે ચઢેલા અને આખરે મારે એમની જીદની સામે ઝૂકવું પણ પડેલું. જોકે કોઈકને ત્યાં રહેવા કરતા મેં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું નક્કી કર્યું અને નોકરી શરૂ કરીને ધીરેધીરે જીવન ઠરીઠામ કર્યું.

આજે તો હવે અમદાવાદમાં નોકરી કરીને ચાર વર્ષો થઈ ગયા છે. આ વર્ષે જ મારા લગ્ન પણ થવાના છે અને થોડી ઘણી બચત અને મિત્રોની મદદથી મેં એક ફ્લેટ પણ લીધો છે. આજે દસ વર્ષોથી હું અમદાવાદમાં રહું છું અને થોડી ઘણી મુશ્કેલીઓની વચ્ચે ખરા અર્થમાં ફૂલ્યો-ફાલ્યો છું. જોકે મારા જીવનમાં મેં જે કોઈ પ્રગતિ કરી છે એમાં મારા મિત્રોનો ફાળો ઘણો મોટો છે. આ મિત્રો જ ન હોત, આ મદદ જ ન હોત મારા જીવનનો નકશો જરૂર કંઈક અલગ જ હોત.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.