જૂના આસવ જેવી મિત્રતા

31 May, 2016
12:00 AM

mamta ashok

PC:

મિત્રની વાત નીકળી છે ત્યારે મને મારો એકમાત્ર ખાસ મિત્ર અંકુર જ યાદ આવે છે. જે મારા સુખ, દુઃખમાં અને દરેક સમયે મારી સાથે રહ્યો છે અને એણે મને હૂંફ આપી છે. આમ તો અમારી વચ્ચેનું અંતર ઘણું છે. હાલ તો હું સુરતમાં રહું છું અને અંકુર ઠેઠ અમદાવાદમાં રહે છે. પણ વોટ્સએપ અને ફેસબુકે આજે તાપી અને સાબરમતિ વચ્ચેનું અંતર ટૂંકાવી દીધું છે અને આ કારણે અમે અત્યંત નિકટ આવી ગયા છીએ.

મારા પપ્પા સરકારી કર્મચારી હતા. એટલે એમને વારંવાર બદલી આવતી રહેતી અને અમારે સમયાંતરે ઘરો બદલતા રહેવું પડતું. મારા પપ્પાની આખા ગુજરાતમાં ગમે ત્યાં બદલી શકી શકતી. એ બદલીઓમાં અમારે ઘણી જગ્યાઓ પર સરકારી ક્વાર્ટર્સમાં રહેવાનું થતું. મારા પપ્પાની નોકરી જ્યારે સુરતમાં હતી ત્યારે હું ઘણો નાનો હતો અને ત્યારે અમારે ખાસો સમય સુરતમાં રહેવાનું બનેલું. લગભગ બાર વર્ષ સુધી અમે સુરતમાં રહ્યા. તે દરમિયાન અમારા ઘરની સામેના ઘરે એક મારી જ ઉંમરનો અંકુર રહેતો હતો.. બસ બાળપણથી જ અમારી મિત્રતા બંધાઈ ગયેલી. સાથે રમવાનું, જમવાનું, ભણવાનું થતું. હું એના ઘરે પણ જમી લઉં અને ક્યારેક એ મારા ઘરે આવ્યો હોય તો એ પણ જમી લે... સાથે રમતા અને સાથે જ વાંચતા. અને મજાની વાત એ હતી કે, અમે એક જ ધોરણમાં અભ્યાસ પણ કરતા...

અમે લગભગ પાંચમાં છઠ્ઠામાં હતા ત્યારથી અમારો એક સિલસિલો ચાલુ છે. અમે દિવાળી અને બેસતાવર્ષના દિવસે અચૂક મળીએ છીએ. એ મુલાકાતો આજે પણ અમે ચાલુ જ રાખી છે. અને અંકુર સુરતમાં જ મોટો થયેલો એટલે એની ઉત્રાણ પણ સ્વાભાવિક રીતે જ સુરતમાં હોય...

10માં ધોરણમાં હતા ત્યારે અમે સાથે જ વાંચતા. લાઈબ્રેરીમાં વાંચવાના બહાને ચાલી જતા... પણ એકવાર તે સમયે ગાર્ડનમાં જતા રહેલા અને અંકુરના પપ્પા તે સમયે અમને બંનેને જોઈ ગયેલા. બસ તે દિવસે અમને બંનેને અમારા ઘરે ગયા બાદ બરોબર માર પડેલો અને ત્યારથી અમરું લાઈબ્રેરીમાં જવાનું બંધ કરી દીધેલું. એ પ્રસંગ હજુ અમને બંનેને બરોબર યાદ રહી ગયો છે અને જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે આ વાતને યાદ કરીને ખૂબ હસીએ છીએ.

હું ધોરણ 11માં આવ્યો અને પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ અમારી બદલી ગાંધીનગર થઈ ગઈ... પણ અમે એકબીજાને પત્રો લખને મળતા રહ્યા. એ જમાનામાં તો ફોનકૉલ પણ મોંઘા પડતા! અમારી દોસ્તી એટલી ગાઢી કે, એ ગાંધીનગર મારા ઘરે રહેવા આવે અને હું સુરત એના ઘરે રહેવા આવું. એવું થોડા વર્ષો ચાલ્યું ત્યાં એના પપ્પાની પણ બદલી અમદાવાદ થઈ ગઈ. અને અંકુર અમદાવાદ સ્થાયી થયો. ત્યારબાદ અમે શનિ-રવિ મળતા રહ્યા... હું ગાંધીનગરથી અમદાવાદ જાઉં અને આખો દિવસ અમે સાથે ફરીએ અને પિક્ચર જોઈએ અને રાત્રે હું પાછો ગાંધીનગર આવી જાઉં. એ રીતે અમારી મિત્રતા યથાવત રહી... અને ત્યારબાદ હું મારા વ્યવસાયને કારણે સુરત સ્થાયી થયેલો..

આજે આ વાતને ઘણાં વર્ષો વીતી ગયા પણ આજે પણ અમારી મુલાકાત એ જ પ્રમાણે ચાલુ છે અને અમારા બંનેના કુટુંબો એકમેકની સાથે હળીમળી ગયા છે. ઘણીવાર અમે અમારા કુટુંબોના અંગત પ્રશ્નો અંગેની ચર્ચા પણ કરીએ છીએ. મારા જીવનમાં એવું કંઈ નથી જે અંકુરને ખબર ન હોય અને અંકરના જીવનમાં એવું કંઈ નથી જેની મને ખબર ન હોય. નાનપણથી જ અમારી મિત્રતા અમારા સરકારી ક્વાર્ટર્સમાં પ્રખ્યાત હતી. અને આજે પણ એ મિત્રતા અમારા બંનેના કુટુંબોમાં જાણીતી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.