દોસ્તી એટલે દિલનો ધબકાર
મૈત્રી આ શબ્દ નસીબવાળાઓને જ નસીબ થાય છે. જીવનમાં મિત્રો હોવા કે આપણે કોઈના મિત્ર હોવું એ આમ ભલે સામાન્ય લાગે એવી વાત છે પરંતુ કોઈ પણ માણસ સાથે આપણને પેટ છૂટી વાત કરી શકતા હોઈએ, કોઈની પીઠ પર ધબ્બો મારીને આપણા ગમ ખંખેરી શકતા હોઈએ કે કોઈની સાથે ઝનૂનપૂર્વક લડી શકતા હોઈએ એ નાનીસૂની વાત નથી. આખરે કંઈક તો ઋણાનુબંધ હશે જ, તો જ તો કરોડોની ભીડમાં ભટકાઈ જતાં હોય છે આ દોસ્તો!
એમાંય હવે તો વોટ્સ એપ અને ફેસબુકનો જમાનો આવ્યો એટલે મિત્રતાના સંબંધને ચાર ચાંદ લાગી ગયા. અલબત્ત, ફેસબુકના ફ્રેન્ડલિસ્ટમાં હોય એ બધા કંઈ આપણા મિત્રો ન હોય. પરંતુ આવા માધ્યમોનો ફાયદો એ કે, આ માધ્યમોને કારણે જે, આપણા છે, જેઓ પોતાના છે અને છતાં ભૌગોલિક રીતે દૂર છે એમને સરળતાથી મળી શકાય છે. આ કારણે જ આપણે એમ પણ કહી શકીએ કે આ બધા મિત્રો આંગળીના ટેરવા જેટલા જ દૂર છે.
જમાના સાથે મિત્રોની સંખ્યા અને મિત્રતાની વ્યાખ્યા ભલે બદલાતી રહેતી હોય, પરંતુ મિત્રતાની બાબતે એક બાબત સનાતન હોય છે અને એ બાબત છે મિત્રતાની અનુભૂતિ. સંબંધના નામ ભલે બદલાતા હોય પરંતુ સંબંધની અનુભૂતિ હંમેશાં એક જ હોય તો સંબંધનું માધુર્ય હંમેશાં જળવાયેલું રહે છે.
મારા જીવનમાં કેટલાક મધુર અને દુર્લભ પ્રકારના મિત્રો છે અને એટલે જ, એમના કારણે જ મને મારું જીવન મોજીલું લાગે છે. સ્વભાવ પ્રમાણે તો હું થોડી અંતર્મુખી એટલે કોઈની સાથે હું તરત ઊઘડી નહીં શકું પણ જેની સાથે ટ્યુનિંગ જામે એની સાથે પછી બધું આપોઆપ શેર થાય. જે લોકોની સામે આપણા ઓપિનિયની નોંધ લેવાતી હોય, જ્યાં ખુલ્લા દિલથી દરેક બાબત પર ચર્ચાઓ થતી હોય અને આપણા ગમા-અણગમાને ધ્યાનમાં લેવાતા હોય એ સંબંધ મને હંમેશાં રિયલ લાગે છે.
દોસ્તી વિશેનું મારું ઑબ્ઝર્વેશન એવું છે કે સમજણા થયા પછી અથવા મોટી ઉંમરે થયેલી દોસ્તીને રંગ ચઢતા અથવા ગાઢી થતાં થોડી વાર લાગે છે પરંતુ બાળપણની મૈત્રી એ બધાથી પરે રહી શકે છે. ત્યાં કોઈ ઝિઝક હોતી નથી. કહોને કે સાવ અજાણતા જ દિલની કોરી પાટી પર પડી ગયેલા મૈત્રીના લસરકા આજીવન અજબ-ગજબની રંગોળી બનાવતા રહે.
કિટ્ટા બુચ્ચાની કાલી ઘેલી ભાષા કે અજાણતામાં ધક્કો વાગવાથી તૂટી ગયેલી મૈત્રી એક ચોકલેટની મીઠાશથી ફરી જોડાવું. કોઈ એકનો બરફનો ગોળો જમીન પર પડી જવાથી બીજાને પોતાના ગોળામાંથી રસ આપવો કે પછી કે કોઈ પણ આયોજન વિના કે સમયપત્રક વિના એકબીજાની સાથે કલાકોનો સમય ગાળવો. આ બધી માસૂમિયતોની મજા જ કંઈક ઓર હોય છે.
નાનપણમાં મારું કુટુંબ મધ્યમવર્ગી એટલે સ્વાભાવિક જ થોડી ઘણી ખેંચ રહે. મને હજીયે યાદ છે કે જ્યાં સુધી મારી ફી ભરાઈ ન જાય ત્યાં સુધી મારી એ મિત્રને મારી ચિંતા રહેતી. આજે મને લાગણી સમજાય છે કે તમારી પરેશાનીમાં પોતે જીવ બાળીને કોઈ બેઠું રહે તો એ મિત્રતા કેટલી શુદ્ધ હશે? આ તો ઠીક તે એના નવા જ ખરીદેલા સેન્ડલ 'મને ડંખે છે, તું પહેર...' કહીને મને સ્કૂલમાં પહેરવા આપતી ને સ્કૂલના સમય દરમિયાન એ એની બધી જ વસ્તુ મને જુદાં જુદાં કારણોસર વાપરવા દેતી.
...ને હું ખરેખર એ વસ્તુઓનો આનંદ લઈ શકતી ને પછી ઘરમાંથી એ વસ્તુઓ ન મળવાની મારી પીડા અંશત: ઓછી થતી કે ક્યારેક તો સાવ ભુલાઈ જતી. બાળપણની એ મૈત્રી કંઈ ભૂલી શકાતી નથી. ખિસ્સામાં રાખેલા ચણીબોર ખાતાં ખાતાં કરેલાં તોફાનો, બળબળતા બપોરે ઘરમાં આદરેલા ઉદ્યમો, કલાકોના કલાકો ચલાવેલી ગપ્પાં ગોષ્ઠિ અને ભેળા મળી ખાધેલા મેથીપાકો... જ્યારે પણ એકાંત મળે છે ત્યારે એ દૃશ્યો આંખની આગળ ભજવાય છે અને જ્યારે પણ એ યાદો તાજી થાય છે ત્યારે દિલમાં પહેલા વરસાદની ખુશબૂ પ્રસરી જાય છે.
વળી, ટીનએજના દિવસોમાં દોસ્તી કંઈક અલગ જ રંગે રંગાતી હોય છે. નવું જાણવાની, નવું શીખવાની એ ઉંમરે દોસ્તી કંઈક અલગ જ દિશામાં વિસ્તરતી હોય છે. ઘણી બધી જિજ્ઞાસાઓ અને અચરજના એ સમયગાળામાં દોસ્તો જ એવા હોય છે, જેમની સાથે ખુલ્લા દિલથી વાત થઈ શકતી હોય છે. ભણતરના પ્રેશર, કરિયરની માથાકૂટ વચ્ચે એ આપણા મિત્રો જ હોય છે જેઓ આપણું ફ્રસ્ટ્રેશન ઝીલે છે. બધાની કાચી ઉંમર હોવાને કારણે એકબીજાને આશ્વાસનના બે શબ્દો નથી કહેતા પણ ગળે લગાવીને એકબીજાના દિલનો ભાર જરૂર હળવો કરી શકાય છે.
લાંબા ગાળાની કે પછી આજીવન મૈત્રીનાં મૂળિયાં અહીં જ નંખાય છે. કદાચ આ એવા મિત્રો હોય છે, જેમના વગર આપણને ચાલવાનું હોતું નથી. જોકે, પછી તબક્કાવાર આપણે આપણા જીવનની ઘટમાળમાં પરોવાતા જતાં હોઈએ છીએ, જેના કારણે જાણ્યે-અજાણ્યે દોસ્તોથી દૂર થતાં જતાં હોઈએ છીએ.
જોકે, આપણે આપણી ઘટમાળમાં ભલે પરોવાઈ જતાં હોઈએ પરંતુ જીવનનો કોઈ પણ કાળ મિત્રો વિના કલ્પી શકાતો નથી. જીવનના દરેક તબક્કે આપણને દોસ્તોની જરૂર પડતી જ હોય છે. છોડ, ઝાડ-પાનને જેમ જીવવા માટે નિયમિત પાણી જોઈએ એમ માણસ માત્રને ટકી રહેવા માટે મિત્રો જોઈતા હોય છે. શું કહો છો?
(હિમાક્ષી વ્યાસ, નડિયાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર