ભાઈ અને ભાઈબંધી
મિત્રો વિશે કંઈક લખવાનું હોય અને મિત્રોના નામ યાદ કરવાના હોય તો સૌથી પહેલા તો મને એક જ નામ યાદ આવે અને એ નામ એટલે મારો મોટો ભાઈ સંદીપ, જે મારો ભાઈ હોવા છતાં મારો ખાસ દોસ્ત પણ છે. સંદીપ મારાથી બે વર્ષો મોટો. અમે નાનપણમાં ખૂબ લડતા-ઝગડતાં રહ્યા. પણ જેમ જેમ સમજણા થતાં ગયા તેમ તેમ અમે ઝગડવાનું બંધ કર્યું અને અમે બંને મિત્રો બની ગયેલા. કદાચ એ ઝગડા જ અમારી મિત્રતાનું કારણ પણ બનેલા! અમે એવા મિત્રો બની ગયેલા કે અમે હંમેશાં સાથે જ હોઈએ. અમને બંનેને અમારા બંનેની અંગત વાતોની ખબર હોય. ઉપરાંત ચોવીસે કલાક અમે બંને સાથે જ હોઈએ. આ વાતનું અમારી આખી સોસાયટીમાં બધાને આશ્ચર્ય થતું. લોકો તો કહેતા કે સામાન્ય રીતે બે ભાઈઓને બનતું નથી હોતું. પણ તમે ગજબ છો! અને અમારો સંબંધ ખરેખર ગજબ પણ હતો!
સગા ભાઈ ગણો કે મિત્રો ગણો. અમે બંને એક જ છીએ એમ કહું તો પણ ખોટું નથી. અમે બંને ભાઈઓ સ્કૂલમાંથી ગુલ્લી મારીને પિક્ચર જોવા પણ ગયા છીએ અને ગાર્ડનમાં પણ ગયા છીએ. અભ્યાસમાં સંદીપ મારા કરતાં હોશિયાર હતો અને હું જરા રમતિયાળ એટલે જેમતેમ કરીને જ પાસ થવાનું. ક્યારેક તો હું ઉપર ચઢાવ પાસ પણ થતો! નાનપણથી જ અમે સાથે રમતા. ક્રિકેટમાં પણ અમારું નામ ખાસ્સું જાણીતું હતું. સોસાયટીમાં રમાતી દરેક રમતોમાં અમે સાથે જ હોઈએ, એમાં ક્યારેક અમારી વચ્ચે મારામારી પણ થઈ જાય, પણ થોડા સમય પછી અમે સાથે જ હોઈએ.
અમારા કોલેજકાળ દરમિયાન તો ઘણાંને એ જાણીને ઘણું જ આશ્ચર્ય થતું કે અમે બંને સગા ભાઈઓ છીએ. ઘણાંને તો ઘણી મોડી ખબર પડેલી કે અમે બંને સગા ભાઈઓ છીએ, બાકી કેટલાયના મનમાં મહિનાઓ સુધી એમ હતું કે અમે મિત્રો છીએ. અમને ભાઈ તરીકે જાણીને કોઈને આશ્ચર્ય ત્યારે અમને બંનેને ખૂબ સારું લાગતું!
કોલેજ પૂરી કર્યા બાદ અમે બિઝનેસ કરવાનું નક્કી કર્યું અને અમે હાર્ડવેરના બિઝનેસમાં જોડાયા અને સમય જતાં અમે બંને ભાઈઓએ અમારી અલગ-અલગ દુકાન પણ કરી લીધી. છતાં આજે પણ અમારો બિઝનેસ એક જ ગણાય એમ કહું તો પણ ચાલે.
અમારા બંનેના લગ્ન થયા પણ અમારા બંનેના પરિવારો પિક્ચર જોવા, ફરવા, પ્રવાસ અને કોઈપણ પ્રસંગે સાથે જ હોય. અમારી મિત્રતાને જોતા અમારી પત્નીઓ પણ બંને બહેનપણીઓની જેમ જ રહે છે. અમારી આવી મિત્રતાથી અમારા કુટુંબના સભ્યો અને સગાઓને પણ ઘણી વખત આશ્ચર્ય લાગે છે અને એમને ઘણું સારું લાગે છે. ખાસ તો અમારા માતા-પિતાને અમારા બંને ભાઈઓ વચ્ચેની મિત્રતાથી ઘણો જ સંતોષ છે.
(દીપ પટેલ, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર