નિમિત્ત બનવાનું ફળ

02 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

મારું નામ સંદીપ, નવસારીની થોડે દૂર આવેલું અમારું ગામ. મારા ઘરમાં મારા માતા-પિતા અને એક બહેન... એમ અમારું ચાર વ્યક્તિઓનું કુટુંબ. હું પહેલેથી જ ભણવામાં હોંશિયાર અને મારા પિતા પણ શિક્ષક એટલે મારા અભ્યાસ અંગે તેઓ બરાબર ધ્યાન રાખે. મારા ઘરથી એક ઘર છોડીને જે ઘર હતું તેમાં એક ખેડૂત કુટુંબ રહેતું હતું. તેઓની પાસે થોડી જ જમીન હતી એટલે બીજાના ખેતરોમાં પણ છૂટક કામ કરવા મળે તો તેઓ કરી લે... એ કુટુંબમાં એક જ દીકરો એટલે જગદીશ. મારી જ ઉંમરનો અને મારો ખાસ મિત્ર.

નાનપણમાં ગામની શાળામાં ધોરણ 1થી 4 સાથે જ ભણ્યા. ત્યારથી અમારી વચ્ચે મિત્રતા. એનું ધ્યાન ભણવામાં ઓછું એટલે એના પિતાએ જગદીશને નાનપણથી જ ખેતીના કામમાં જોડી દીધેલો. અને ધોરણ-8 સુધીનો અભ્યાસ કરીને એ પૂર્ણ રીતે ખેતીકામમાં લાગી ગયેલો. જોકે ભણતર સાથે ન હોવા છતાંય સાથે રહેવાને કારણે અમારી મિત્રતા અકબંધ રહેલી. મારું જ્યારે વેકેશન પડે ત્યારે મને જેટલો આનંદ મારા વેકેશનનો હોય એટલો જ આનંદ જગદીશને પણ હોય. વેકેશનમાં બરોબર રખડવાનું રાખેલું. અમારા પિતાની સાયકલ લઈને છેક ગામની સીમ સુધી રખડવા જવાનું, સાંજને ટાણે નદીએ નહાવા જવાનું, કે બપોરના સમયે ઝાડ ઉપર ચઢવું. મારા કરતા એની પ્રેક્ટિસ પણ સારી એટલે એ તો ફટાફટ ઝાડ પર ચઢી જાય. અને ઊતરતી વખતે? અરે ઝાડ પરથી ઉતરવાનું થોડું હોય? ઝાડ પરથી તો કૂદકો જ મારવાનો હોય... એ તો એના અનુભવને કારણે કૂદી જ પડે પણ મને પોરસ ચઢાવે કે, 'તું કૂદ... તું કૂદ... તને કંઈ નહીં થાય...'

આ ઉપરાંત ખેતરોમાં દોડાદોડ પણ કરીએ અને શેઢે ઉગેલા બોર, આમલી કે કરમદા પણ તોડી તોડીને ખાઈએ. ગામમાં બીજી કોઈ ખાસ પ્રવૃત્તિ ન હોવાને કારણે આખુ વેકેશન અમે ખેતરોમાં જ કાઢતા. વળી વેકેશન પૂરું થતાં હું મારી સ્કૂલના કામમાં પરોવાતો અને જગદીશ ખેતરોને ખોડે જ મહાલતો રહેતો. આવા સમયે મને એની ઈર્ષા પણ ખૂબ થતી અને સ્કૂલમાં બેઠાં બેઠાં જો કંટાળો આવે તો ક્યારેક જગદીશની તો ક્યારેક ખેતરોની યાદ આવતી.

એમ કરતાં વર્ષો ક્યાં વિતી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો. ધોરણ-12 પાસ કરીને હું કોલેજમાં આવ્યો. મેં B.Com. પણ પૂરું કર્યું. કૉલેજકાળ દરમિયાન મારી અને જગદીશની મુલાકાતો ઓછી થઈ ગઈ. કારણ એટલું જ કે, હું સવારનો નિકળી જાઉં તે છેક સાંજે ઘરે પહોંચું અને ઘરે આવ્યા પછી પણ કૉલેજના એસાઈન્મેન્ટ્સમાં વ્યસ્ત રહેતો. જોકે રવિવારે અમે અવશ્ય મળતા.

કૉલેજ પૂરી કર્યા બાદ મેં એક મોબાઈલ શૉપ શરૂ કરવાનું નક્કી કર્યું અને પિતા પણ સહમત થયાં એટલે બાજુના ગામની થોડી જમીન વેચીને અમે સુરતમાં એક દુકાન ખરીદી. થોડા સમયની માથાકૂટ અને થોડુંઘણું દેવું કરીને આખરે વર્ષ 2001માં મેં સુરતમાં મારી શૉપ શરૂ કરી.

હું નવસારીથી સુરત રોજ અપડાઉન કરું ક્યારેક જગદીશને કોઈ કામ નહીં હોય તો એ પણ મારી સાથે સુરત આવતો અને દુકાનમાં મને મદદ કરતો. હું પણ મિત્રતા ભૂલીને એને એની મહેનત પ્રમાણેનું વળતર આપતો. એ તો કહેતો કે, 'હું તો એમ જ નવરો હતો એટલે ટાઈમપાસ માટે આવ્યો. અને મિત્ર તરીકે મેં તને મદદ કરી. એમાં વળતર કેવું ને વાત કેવી? જોકે મને એના ઘરની સ્થિતિ ખબર હતી એટલે હું આવા સમયે મિત્રતાને ધ્યાનમાં રાખતો નહીં.

એક દિવસ જગદીશે મને કહ્યું, 'સંદીપ તારી દુકાનની બહાર આટલી જગ્યા છે તો હું એમ વિચારતો હતો કે એક નાસ્તાની કેબીન બનાવી દઈએ તો કેમ રહે?' મને પણ આ વિચાર ગમી ગયો. અને અમે મારી દુકાનની બહાર મૂકવા માટે એક કેબિન બનાવડાવી. લગભગ એકાદ મહિનો અમે ઘણી તપાસ કરી, માહિતીઓ મેળવી અને મારી દુકાન શરૂ થઈ એના છ મહિનાની અંદર જ અમે નાસ્તાની કેબિન શરૂ કરી દીધી. મોબાઈલની દુકાન મારી અને નાસ્તાની કેબિન જગદીશની. આમ અમે બંને પોત પોતાના વ્યવસાયમાં સ્વતંત્ર થઈ ગયા.

અમારા બંનેના વ્યવસાયમાં આખા દિવસમાં ભાગ્યે જ એવો કોઈક સમય હોય કે ગ્રાહક ન હોય. અરે ક્યારેક તો અમારા આવવા જવાના ટાઈમ પણ અલગ થઈ જાય અને દિવસ દરમિયાન અમને સાથે બેસીને જમવાનો સમય પણ નહીં મળે! એના આઈડિયાને કારણે જગદીશની સ્થિતિ હવે ઘણી સારી થઈ ગઈ છે. મને આનંદ માત્ર એટલો જ છે કે, મને કોઈની પ્રગતિમાં નિમિત્ત બનવાની તક મળી છે અને મારો મિત્ર આજે બધી રીતે સુખી છે.

(સંદીપ પટેલ, નવસારી)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.