મૈત્રીથી સહજીવન સુધી...

27 Sep, 2016
12:00 AM

PC: pinimg.com

ગામમાં બધા જ છોકરાઓ સાંજે ભેગા મળીએ અને જાતજાતની રમતો રમીએ. દરેક સાથે મિત્રતા તો કહેવાય પણ અમે એનું નામ આપ્યું હતું મિત્ર મંડળ. જો કે બધા જ હળીમળીને રહેતા હતા. ક્યારેક અંદરોઅંદર ઝઘડા પણ થતા હતા. મારી લાઈફમાં સાચી મિત્રતા ફક્ત એક જ વ્યક્તિ સાથે થઈ છે.

અમારા ગામથી આશરે બે કિલોમીટર દૂર અમારી સ્કૂલ હતી. હું થોડો સમજણો થયો એટલે કે પાંચમાં ધોરણમાં હોઈશ ત્યારથી મને બરોબર ખ્યાલ છે. હું સ્કૂલે જવા તૈયાર થાઉં, દફતર ખભે લટકાવું કે તરત જ મારા મમ્મી મને કહેતા, નેહાને સાથે લેતો જજે. નેહા એટલે મારી પડોશમાં રહેતી છોકરી. મારા કરતાં એક વર્ષ નાની. અમે જ્યારે ગામના બધા છોકરાઓ ભેગા થઈને સ્કૂલે જતા ત્યારે નેહાને પણ સાથે લેતા જતા. નેહા પોલિયોને કારણે અપંગ હતી. તેની પાસે ત્રણ પૈંડાની સાઈકલ હતી. હું મારું દફતર એની સાઈકલ પર મૂકી દેતો હતો... જો કે નેહા હાથથી પેન્ડલ મારીને પોતે સાઈકલ ચલાવી શકતી હતી. પરંતુ તે થાકી ન જાય તે માટે હું એની સાઈકલને ધક્કો મારતો હતો. આ રીતે રોજ મળતા રહેવાથી અમને બંનેને ખૂબ ફાવતું હતું...

એક દિવસ અમે સ્કૂલે જતા હતા.. અમારી સાથે બીજા છોકરા-છોકરીઓ પણ હતા... અચાનક વરસાદ તૂટી પડ્યો... બધા છોકરા-છોકરીઓ દોડીને નજીકમાં આવેલી દુકાનના ઓટલે પહોંચી ગયા... નેહા ઝડપથી ત્યાં પહોંચી શકે એમ નહોતું... કારણ જમીન પર પણ કાદવ થઈ ગયો હતો.. હું એની સામે જ જોતો રહ્યો.. નેહા સાઈકલ પરથી નીચે ઉતરી શકી નહીં.. નેહાએ મને કીધું, સંજય જા... ઓટલા પર જતો રહે.. પણ હું એની પાસે જ ઊભો રહ્યો... વરસાદમાં પલળી ગયો પણ ઓટલા પર ગયો નહીં...

નેહા અભ્યાસમાં હોંશિયાર હતી. નેહા અગિયારમાં ધોરણમાં આવી ત્યારે તેના પપ્પાએ એને થ્રીવ્હીલ-સ્કૂટી લઈ આપ્યું. એનાથી નેહાને ઘણી રાહત થઈ હતી. એ મારી સાથે ખૂબ વાતો કરતી હતી. ઘણીવાર અમે અમારા સુખ-દુઃખ પણ શેર કરી લેતા. મને નેહા સાથે ખૂબ ફાવતું હતું. એક્ઝામના સમયમાં પેપર પૂરું થાય કે તરત જ એ મારી પાસે પહોંચી જતી અને મારું પેપર કેવું ગયું એ પૂછતી પછી આખું પેપર ચેક કરતી. લગભગ અમે સાથે બેસીને જ અભ્યાસ કરતા.

મને નેહા પ્રત્યે ઘણી વખત કરુણા ઉપજતી હતી. હું એની સામે જોયા કરતો હતો. વિચારતો રહેતો કે, કુદરતે નેહાની સાથે આ શું કરી નાખ્યું..! મેં નક્કી કર્યું હતું કે, હું નેહાને મદદરૂપ થવાનો બની શકે એટલો પ્રયત્ન કરીશ.

હું અને નેહા જાતજાતની વાતચીતો કરતા હતા.  નેહાને ઘણી વાર પોતાના અપંગ હોવાનું દુઃખ મારી આગળ વ્યક્ત કર્યું હતું... મેં મિત્રભાવે એને આશ્વાસન આપ્યું હતું... પણ કુદરતે એને જ્ઞાન આપ્યું હતું.. એનો અભ્યાસ ખૂબ સારો હતો. નેહા એમ.એ., બી.એ., બી.એડ્ થઈ અને ટીચર બની. ભલામણ કરવાથી નેહાને ઘરની નજીકની સ્કૂલમાં જૉબ મળી હતી. હું પણ અભ્યાસ પૂરો કરી સમાજ કલ્યાણ વિભાગમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો.

અમારી વચ્ચે ખૂબ સારી મિત્રતા હતી... અમને નોકરી મળી પછી પણ રોજ સવારે અને સાંજે અમે મળતા હતા. નેહા એની સ્કૂટી પર જતી હતી... હું મારી બાઈક લઈને નોકરી પર જતો હતો.

આજે પણ ગામમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, ધ્વજવંદન કે નવરાત્રી જેવા પ્રસંગોમાં હું અને નેહા સાથે જ હોઈએ. એથી વિશેષ કહું તો આજે પણ મારા મમ્મી, મને કહે છે, નેહાને સાથે લેતો જજે...

નેહાના મમ્મી-પપ્પાની ચિંતાઓ હવે વધવા લાગી હતી. અત્યાર સુધી તો બરાબર ચાલ્યું હવે, નેહા માટે સારા પાત્રની શોધ ચાલી રહી હતી. નેહા પણ ઘણી ઉત્સુક હતી... એક રવિવારે નેહાને જોવા માટે છોકરો આવ્યો... છોકરાએ નેહાના અપંગ હોવાને લીધે ઘણી શરતો મૂકી... જાણે ઉપકાર કરતો હોય એ રીતનું વર્તન કર્યું... નેહાના ઘરનાં બધા જ દુઃખી થઈ ગયા...

તે દિવસે સાંજે અમે રોજની જેમ મળ્યા ત્યારે નેહાએ મને વિગતે વાત કરી... આંખમાં આંસુ સાથે નેહા પોતાના અપંગ હોવાનું દુઃખ મારી આગળ વ્યક્ત કરી રહી હતી.. છેલ્લે નેહાએ એવું કહ્યું કે, મારી સાથે કોણ લગ્ન કરશે..?

તે દિવસે રાત્રે હું ઊંઘી શક્યો નહોતો... નેહા પ્રત્યેની મારી મિત્રતા કહો કે લાગણી મને સતત નેહાની ચિંતા થતી રહી... મેં સવારે ઊઠીને મારા મમ્મીને કહી દીધું, મમ્મી, નેહાના લગ્ન મારી સાથે જ કરાવી દો.

અને અમારી મિત્રતા જન્મોજન્મના બંધનમાં બંધાઈ ગઈ...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.