મિત્રતાથી મદદ સુધી…
નાનપણથી જ મારી ઈચ્છા જીવનમાં કંઈક નવું કરવાની હતી. મારા વિચારોમાં હંમેશાં કોઈકને મદદરૂપ થવાની ભાવના વણાયેલી રહેતી. કદાચ મા-બાપે આપેલા સંસ્કારો જ એવા હશે! મારા બાળપણ અને અભ્યાસકાળ દરમિયાન પણ કોઈને મદદરૂપ થવાની તત્પરતા મેં રાખી હતી. જો કે મારા વિચારો ઘણાને ગમ્યા પણ નહીં. ખાસ કરીને મારા ઘરમાં પણ મારી પાસેથી એવી અપેક્ષા રખાતી હતી કે હું કોઈક મોટા હોદ્દા પર નોકરી કરું અને ખૂબ કમાણી કરું. પણ મારી ઈચ્છા તો જીવનમાં કંઈક અલગ અને સમાજ અને લોકો માટે કંઈક કરવાની રહી હતી.
અભ્યાસકાળ પૂર્ણ કર્યા બાદ હું એક એનજીઓમાં જોડાયો. ત્યાં મને નવા લોકો, નવા વિચારો અને નવા કાર્યો મળ્યા. ઘણાં પ્રોજેક્ટો પર મેં કાર્યો કર્યા. લગભગ આખા ગુજરાતના શહેરો અને ગામોમાં ફરીને ઘણાં પ્રોજેક્ટોને સફળ બનાવ્યા. અહીં મારા વખાણ કરવાની વાત નથી પણ એ દરમિયાન ભિન્ન-ભિન્ન જાતિના અને સ્તરના લોકો સાથે થયેલી મુલાકાતો, તેમના જીવનના સંતોષના કારણો અને પ્રશ્નોની ચર્ચા કરવાની તક મળી.
આ એનજીઓમાં જોડાયા બાદ મારા માટે સૌથી અગત્યની જો કોઈ વાત બની હોય તો તે એ છે કે, બિલીમોરાના જાણીતા પ્રોફેસર મુકેશભાઈ સાથે મારી મિત્રતા થઈ. અને અમારી એ મિત્રતા, અમારી મુલાકાતો અને ચર્ચાઓથી મને ઘણું શીખવાનું મળ્યું અને લોકો માટે ઉપયોગી ઘણા પાસાઓને અમે એનજીઓ દ્વારા આવરી શક્યા.
કોલેજના વિદ્યાર્થીઓના એક સર્વે માટે મારે બિલીમોરા જવાનું થયું. અમારી ટીમે કોલેજના વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ અને મિટીંગો કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન કોલેજના પ્રોફેસર મુકેશભાઈ મારા સંપર્કમાં આવ્યા. અને તેઓને અમારા સર્વેમાં ઘણો રસ લીધો. ત્યારેથી મુકેશભાઈ અમારા એનજીઓ સાથે સીધી રીતે નહીં પણ આડકતરી રીતે જોડાઈ ગયા છે એવું કહી શકાય. તેઓને મારા વિચારો ગમ્યા અને મને તેમની મદદ કરવાની ભાવના ગમી. અને જોતજોતામાં અમે મિત્રો બની ગયા.
અમારી મુલાકાતો વધતી ગઈ, ચર્ચાઓ વધતી ગઈ. અમે બંને એકબીજાના અંગત જીવનની પણ વાતો સંપૂર્ણ નિખાલસતાથી કરી શક્યા. અમારી મુલાકાતો મોબાઈલ પર, વોટ્સ-એપ પર થતી રહે છે. ક્યારેક તેઓ વડોદરા મારા ઘરે આવે છે અને મારે તો આખા ગુજરાતમાં ફરવાનું એટલે બિલીમોરા તો વારંવાર જવાનું થાય છે. એ મારા કરતાં આશરે 6-7 વર્ષ મોટા છે. પણ અમારી મિત્રતા ઘણી સારી છે.
મુકેશભાઈની ઈચ્છા મારી સાથે રહીને કંઈક નવું કરવાની છે, પણ તેઓની જૉબ અને કૌટુંબિક જવાબદારીથી તેઓ અલગ થઈ શકતા નથી. એટલે તેઓ મને મદદરૂપ થવા હંમેશાં તૈયાર હોય છે, જેથી તેઓ એમના સપનાં પણ પૂરા કરી શકે. અમારી મિત્રતાને આજે આશરે પાંચેક વર્ષ થઈ ગયા છે. પણ અમારી મુલાકાત બાદ એકપણ દિવસ એવો નથી કે, તેમણે મારા કાર્ય વિશે ચર્ચા ન કરી હોય. એક પ્રોફેસરની દૃષ્ટિએ તેઓ મને અને મારા એનજીઓને ઘણા મદદરૂપ બન્યા છે.
મુકેશભાઈની તીવ્ર ઈચ્છા એ રહી કે, દારૂ વેચતી મહિલાઓને તે વ્યવસાયથી ખસેડીને અન્ય કોઈ નવા વ્યવસાય સાથે જોડવામાં આવે.. અમે સાથે મળીને એવી મહિલાઓની સાથે વાતચીત કરી તેઓને સમજાવ્યા અને નવા વ્યવસાયો, જેમાં તે સ્ત્રીઓને રસ હોય એવા વ્યવસાયોને શીખવવાની વ્યવસ્થા પણ કરી. અને નવા વ્યવસાયો શીખવીને તેઓને તે વ્યવસાયમાં પગભર કરી શક્યા. આ પ્રોજેક્ટમાં અમે સાથે કામ કર્યું અને અમને ઘણે અંશે સફળતા પણ મળી શકી.
અહીં વાત જ્યારે મિત્રતાની છે તો ચોક્કસ કહીશ કે, હું અને મુકેશભાઈ આ આખા પ્રોજેક્ટમાં એક સારા મિત્રો તરીકે સાથે જ રહ્યા. અમને બંનેને એકબીજાની ખૂબ મદદ રહી. મને આજે એ વાતનો ખૂબ સંતોષ છે કે, મુકેશભાઈ જેવા પ્રોફેસર મારા મિત્ર છે અને અમારી મિત્રતા દ્વારા સમાજ માટે સારા કાર્યો કરી શકીએ છીએ.
(કાર્તિક પટેલ, વડોદરા)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર