...પણ એ મારો દોસ્ત છે

23 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

મારા જ બંગલાના ત્રીજા માળે આવેલી મારી એટલે કે આદિત્ય ઝવેરીની આલિશાન ઓફિસની અનેક સુવિધાઓથી સજ્જ કેબિનમાં એક દિવસ મારા કાનમાં આ શબ્દો ગૂંજતા રહ્યા. આજ દિન સુધી જ નહીં જિંદગીભર માટે આ શબ્દો મારા માટે જીવનના અમૂલ્ય પાઠ જેવા રહેશે. શબ્દો મારા દીકરા નચિકેતના હતા.

પ્રિસ્કૂલમાં વેકેશન શરૂ થઈ ગયું હતું અને નચિકેતાને ઘરમાં દોસ્તોને ભેગા કરીને રમવાની બહુ મજા પડતી હતી. વળી, અમે તેની દરેક અપેક્ષા પૂરી કરી શકીએ એટલી ત્રેવડ ખરી. અમારો હીરા, ઝવેરાત અને સોના ચાંદીનો ધીકતો વેપાર. અમારી રહેણી કરણી પણ વર્ષોથી જાહોજલાલીવાળી અને દરેક સુખ સુવિધાવાળી. નચિકેતા માટે અમે અમારા ઘરમાં સ્પેશિયલ પ્લેરૂમ બનાવ્યો છે. વેકેશનમાં નચિકેતાના નાનકડા દોસ્તો આખી બપોર પ્લેરૂમમાં ધમાલ મસ્તી કરે. એમાં અમારી પેઢીના મેનેજર સુકેતુનો દીકરો નિશાંત નચિકેતનો પાક્કો દોસ્ત. નચિકેત અને નિશાંતની દોસ્તી એટલી પાક્કી કે વેકેશન પડ્યું ત્યારે જ નચિકેતાએ સુકેતુકાકાને આગ્રહ કરીને કહ્યું હતું કે તમે સવારે ઓફિસે આવો (એટલે કે અમારા ઘરના ત્રીજા માળે આવો) ત્યારે નિશાંતને સાથે જ લઈ આવવાનો. અમે સાથે રમીશું. જમીશું અને કાર્ટૂન જોઈશું. સાંજે તમે ઘરે જાઓ ત્યારે નિશાંતને સાથે ઘરે લઈ જજો. નિશાંતને પણ આ વાત ગમી હતી.

સુકેતુ માટે તો અમારા ઘરમાંથી કોઈનો પણ પડ્યો બોલ એટલે પથ્થર પર લકીર. હવે તે દિવસની વાત. વેકેશનને લગભગ બારેક દિવસ થયા હશે. નિશાંત સુકેતુ સાથે જ સવારે રમવા માટે આવી ગયો હતો. બપોરે એકાદ વાગ્યો હશે. હું લંચ લેવા માટે નીચે આવ્યો હતો અને ડ્રોઈંગરૂમમાં અમારી પેઢીના અમુક બ્રોશર જોતો હતો. ત્યાં જ નિશાંત ડ્રોઈંગ રૂમમાં આવ્યો અને કંઈક શોધવા લાગ્યો. એની નજર વીડિયો ગેમ પર પડી અને તેણે વીડિયો ગેમનું બોક્સ તેના નાનકડા હાથમાં ઉઠાવ્યું. મારા મમ્મી કુસુમબેન ડ્રોઈંગરૂમમાં ટીવી જોતાં હતાં. તેમનું ધ્યાન નિશાંત પર ગયું અને તેમણે નિશાંતને થોડા ઉંચા અવાજે કહ્યું, 'નિશાંત નીચે મૂકી દે તો એ... પડી જશે તો...? એ નચિનું છેને? અને પૂછ્યા વગર કંઈ લેવાનું નહીં.' જુ તો મારા મમ્મીની વાત પૂરી થાય એ પહેલાં જ નચિકેત એના રૂમમાંથી દોડતો બહાર આવ્યો. મમ્મીને કહે, 'દાદી, મમ્મી મારા રૂમના ટીવીમાં વીડિયો ગેમ માટેના વાયર જોઈએ છે અને હું રૂમમાં બધું સરખું કરતો હતો એટલે મેં જ નિશુને ડ્રોઈંગરૂમમાંથી વીડિયો ગેમ લઈ આવવા કહ્યું હતું. દાદી તમે એને ખિજાઓ ના.' મારા મમ્મીએ તેને કહ્યું કે, 'નચિ બેટા પણ મને એમ કે એ તને પૂછ્યા વગર તારી ગેમ લેતો હશે. કોઈને પૂછ્યા વગર એની વસ્તુઓ ના અડાયને?'

નચિકેત નિશાંતની નજીક આવ્યો અને વીડિયો ગેમના ખોખામાંથી બે વાયર કાઢતા બોલ્યો. 'હા દાદી, પણ નિશુ તો ક્યારેય કંઈ પૂછ્યા વગર અડતો જ નથી.' વળી, નચિએ દોડતાં દોડતાં એક બીજું ડ્રોઅર ખોલ્યું. એમાંથી કોઈ બેટરી અને સેલ પોતાની કેપ્રીના ખિસ્સામાં નાંખતાં નાંખતાં બોલ્યો, 'હું નિશુને ત્યાં જાઉં ત્યારે એને પૂછ્યા વગર જ બધું લઈ લઉં છું. દાદી, મારું અને નિશુનું એકબીજાને પાક્કું પ્રોમિસ છે કે આપણે એકબીજાની વસ્તુ અને ગેમ્સ લેતી વખતે એકબીજાને પૂછવાનું નહીં. મારા મમ્મીએ ફરી વખત નચિને ટકોર કરી કે, 'બેટા, તોય વસ્તુઓ પૂછીને જ લેવાય.' નચિ દાદી પાસે આવ્યો. દાદી, પણ એ મારો દોસ્ત છે. પૂછ્યા કે કીધા વગર કંઈ લઈ લે તોય શું થયું? હું પણ એની ગેમ્સ એને પૂછ્યા વગર જ લઈ લઉં છું.'

મારા મમ્મીએ ટીવીના રિમોટથી એમની સિરિયલનો અવાજ વધાર્યો. હશે ભાઈ તારી દોસ્તી ભારે પાક્કી બસ, 'સોરી નિશુબેટા મને ખબર નહોતી કે નચિએ જ તને વીડિયો ગેમ લેવા મોકલ્યો છે. જાઓ ભાગો બંને હવે વીડિયો ગેમ રમવા અને મને પણ મારી સિરિયલ જોવા દો.' નચિ અને નિશુ તેમની વીડિયો ગેમ અને વાયરોના તામઝામને નાનકડા હાથમાં સંભાળતા સંભાળતા નચિના રૂમ તરફ ભાગ્યા.

પણ આ પાંચેક મિનિટની ઘટનાનો મૂક સાક્ષી એવો હું સ્તબ્ધ બની ગયો હતો. તે દિવસે મેં યંત્રવત્ લંચ લીધું અને રાબેતા મુજબ 2.30 વાગે ત્રીજા માળે આવેલી ઓફિસની કેબિનમાં ગયો.

સુકેતુએ લંચ લઈ લીધું હતું અને તે પણ રાબેતા મુજબ 2.00 વાગ્યાથી પોતાના કામે વળગી ગયો હતો. ત્રણ વાગ્યે સુકેતુ મારી કેબિનના દરવાજે આવ્યો. 'અંદર આવું સર?' તેણે અદબથી પૂછ્યું. મેં હા પાડી. તે અંદર આવ્યો. ક્લાયન્ટને પસંદગીની જ્વેલરીની ડિઝાઈન, ડિલિવરીના ઓર્ડર, હીરાના ખરીદ વેચાણ સહિતના આજના બધાં જ કામ તેણે સિફતપૂર્વક પૂરા કરી નાંખ્યા હતા. રહેલા કામનું લિસ્ટ પણ તૈયાર હતું. સુકેતુનું પ્લાનિંગ ખૂબ સરસ. તેના હોતા મારે ક્યારેય બિઝનેસમાં વધારે ગડભાંજ કરવી પડે નહીં. તેણે કામના બધા કાગળિયા હાથમાં લીધા અને ગોઠવ્યા. તે ખુરશીમાંથી ઊભો થયો. કેબિનની બહાર જવા તે દરવાજા તરફ વધ્યો. હું આપોઆપ જ સુકેતુ તરફ ધસ્યો અને તેને ભેટી પડ્યો. 'કેતુ યાર, આઈ એમ સોરી યાર.' સુકેતુને કંઈ સમજાયું નહીં. 'શેના માટે સર?'

'સર નહીં. આદિ. યાર આદિ. આપણે સાથે જ મોટા થયા અને એક સાથે એક જ સ્કૂલમાં, કોલેજમાં ભણ્યા. સાથે જ એમબીએ થયા. મેં મારા પપ્પાનો બિઝનેસ સંભાળ્યો અને તું તારા પપ્પાની જેમ જ અમારી પેઢીમાં જોડાયો. પણ મેં આ ખુરશી સંભાળી ત્યારથી હું એ ભૂલી ગયો કે તું મારો દોસ્ત છે. તેં સર કહેવાનું શરૂ કર્યું અને મેં અહમમાં, અભિમાનમાં એ સ્વીકાર્યું. દરવાજો ખટખટાવીને આવવાની મેનર્સ તેં દાખવી તો હું પોરસાયો અને તને દરવાજો ખટખટાવીને જ કેબિનમાં આવવાની ફરજ પાડી. પણ હું જે દોસ્તી ભૂલી ગયો હતો એ આજે મારા દીકરાએ મને યાદ અપાવી કેતુ. આ બધું કરતા મને ક્યારેય વિચાર નહોતો આવ્યો કે, તું મારો દોસ્ત છે. મારા હૃદયે ક્યારેય મને નહોતું કહ્યું કે રોકાઈ જા, આદિ એ તારો દોસ્ત છે. આજથી ક્યારેય તું મને સર નહીં કહે અને દરવાજો ખટખટાવીને આવવાની કોશિશ કરવી હોય તો બીજે ક્યાંક કામ કરજે મારી સાથે નહીં.'

કેતુ કંઈ બોલ્યો નહીં તે મારી કેબિનમાં તેના વર્ષો જૂના મિત્ર આદિને ભેટી રહ્યો. ચાર વાગે અમે મારી કેબિનમાં સાથે ચા પીધી અને ઘરમાં બનેલી ઘટનાથી કેવી રીતે મારામાં લાગણીનું ઘોડાપૂર વહ્યું એ પણ મેં કેતુને વર્ણવ્યું. કેતુએ આખી વાત સાંભળીને પછી કહ્યું, 'આદિ પ્રોફેશનાલિઝમ પોતાની જગ્યાએ હોય છે અને એ યોગ્ય હોય છે. બાકી રહી વાત આપણી દોસ્તીની તો પ્રોફેશનાલિઝમને કારણે એને ક્યારેય આંચ આવવાની નહોતી કે નથી. કારણ કે મારું મન હંમેશાંથી કહેતું હતું, કહે છે અને કહેતું રહેશે કે, ...પણ એ મારો દોસ્ત જ છે.'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.