પથિક મારા જીવનની રાહ

18 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

મિત્રો સાથે કરેલી મશ્કરીઓ કે એમની સાથે કરેલી રખડપટ્ટીઓ આપણે ઘણીવાર યાદ કરતા હોઈએ છીએ. અને મિત્રો આવા સમયે સાથે રહેતા પણ હોય છે. એ જ મિત્રોની સાથે ક્લિક કરેલી સેલ્ફી ફેસબુક પર અપલોડ કરીને પાંચ-પંદર લાઈક્સ મેળવી શકાય છે પરંતુ મિત્રતાની ખરી કસોટી ત્યારે થાય છે, જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં પડ્યાં હો અને ત્યારે તમારો મિત્ર અડધી રાત્રે તમારા માટે દોડતો આવે. મિત્રો કે મિત્રતાની પરીક્ષા બધાના જીવનમાં નથી થતી પરંતુ મારા જીવનમાં એવું કંઈક જરૂર બન્યું છે, જેને કારણે મને મિત્ર એટલે કોણ અને મિત્રતા એટલે શું એની ખબર પડી છે.

મારા જીવનની વાત કરું તો પાછળથી મળેલી કેટલીક ખરાબ સોબત તેમજ મેં લીધેલા કેટલાક ખોટા નિર્ણયોને મારા જીવનના પાંચેક વર્ષોમાં અત્યંત ઉથલપાથલ સર્જાયેલી. ખરાબ સોબતને કારણે હું પચીસ વર્ષની ઉંમરથી જ શરાબનું સેવન કરતો થઈ ગયેલો અને ભાન ભૂલેલો હું લોકો સાથે વાત પણ સરખી રીતે નહોતો કરતો. એ વર્ષોમાં કંઈક અજીબ પ્રકારનું ભૂત મારા માથે સવાર રહેતું અને હું સતત લોકો સાથે લડાઈ-ઝગડા શોધતો ફરતો. મારા આ પ્રકારના વર્તનને કારણે મારી આસપાસ રહેતા લોકો તો મારાથી દૂર રહેતા જ પરંતુ માતા-પિતા અને મારા સારા મિત્રો પણ મારાથી ગભરાતા અને તેઓ પણ મારાથી દૂર રહેતા. એ લોકોને સતત ભય રહેતો કે, ક્યાંક હું એમની સાથે પણ ઝગડી નહીં પડું.

હું એન્જિનિયર થયો હોવા છતાં એ સમયગાળામાં હું કશું જ નહીં કરતો. આખો દિવસ હું ઘરમાં આડો પડીને ટેલિવિઝન જોતો અને સાંજના સમયે પાંચ વાગ્યાથી રાત્રે નવેક વાગ્યા સુધી ગલીને નાકે નવરા જુવાનિયાઓ સાથે બેસી રહેતો. સાંજના એ ગાળામાં અમે રસ્તે ચાલતા લોકોથી લઈને વૃદ્ધો અને સ્ત્રીઓની મશ્કરી પણ કરતા. અમારા આવા ધંધાને કારણે સારા રહેઠણાંક વિસ્તારમાં પણ સતત ભયનું વાતાવરણ લાગતું. પાછળથી તો અમારા લોકોનું ગ્રુપ વધુને વધુ મોટું થતું ગયું અને અમે વધુ ને વધુ બેખોફ થવા માંડ્યાં. અમે જ્યાં બેસતા હતા એ વિસ્તારમાં મારું ઘર હોવાને કારણે હું એ ટોળીનો લિડર બની ગયેલો અને મારી એક હાંક પર અમારી ટોળીના સભ્યો કોઈના હાડકા ખોખરા કરવા તૈયાર રહેતા.

એવામાં એકવાર કોઈ નજીવી બાબતે અમારી નજીકની સોસાયટીવાળા સાથે અમારી મારામારી થઈ અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી. આમ પણ અમારા ત્રાસને કારણે એ વિસ્તારના લોકો પહેલાથી જ પરેશાન હતા એટલે તક મળતા જ બીજા કેટલાક લોકોએ પણ અમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. એમાં કેટલીક મહિલાઓએ પણ ફરિયાદ કરી હતી એટલે મારા ગળામાં બરાબરનો ગાળિયો ભીંસાયો હતો. વળી, મોટાભાગના લોકોએ એકસૂરે વાત કરી હતી કે, આ બધી રામાયણનો મુખ્ય સૂત્રધાર હું જ છું અને મારા કારણે જ બહારના લંપટો અમારી સોસાયટીને નાકે ડેરો જમાવતા હતા.

એટલે પોલીસે મારી અને અન્ય બે-ત્રણ માથાફરેલ યુવાનોની ધરપકડ કરી અને અમને લોકઅપમાં પૂર્યાં. મારા માતા-પિતાને આ વાતની જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશને તો આવ્યાં પરંતુ મારી કરતૂતથી પરેશાન મારા માતા-પિતા પણ અંદરખાને એમ જ ઈચ્છતા હતા કે, છો આજે મને પોલીસનો માર પડતો અને એક રાત હું લોકઅપમાં રહેતો. એ દિવસે મેં લોકઅપની બહાર ઊભેલા મારા-પિતાની આંખોમાં ભયંકર ઉદાસી અને નિરાશા જોયેલી. એ આંખોને કારણે હું મારી નજરમાં જ ખૂબ ઉતરી પડ્યો અને મને ભયંકર પસ્તાવો થયો કે, મેં આ શું કર્યું? મારા માતા-પિતાએ મારા માટે આટલું બધું કર્યું અને મેં એમને આ દિવસ દેખાડ્યો? મને શરમ આવી રહી હતી મારી જાત પર પરંતુ એ ક્ષણે તો મારે ભોગવ્યે જ છૂટકો હતો. મેં ત્યારે જ ગાંઠ વાળી લીધી કે, હવે હું આવું કૃત્ય ક્યારેય નહીં કરું અને હંમેશાં સમાજના સારા નાગરિક તરીકે જ વર્તીશ.

જોકે ત્યારે માતા-પિતા ઘરે ચાલ્યાં ગયા અને પોલીસ સ્ટેશનની ભૂતાવળ જેવી જેલમાં હું રીઢા ગૂનેગારની જેમ પલાઠી વાળીને બેઠો રહ્યો. એવામાં પોલીસવાળાએ સાંજે મારી થોડી ધોલાઈ પણા કરી. પરંતુ પોલીસના માર કરતા મને પેલી ચાર આંખોની ઉદાસીના ઉઝરડા વધુ પડેલા. કારણ કે માર તો શરીરે પડેલો પણ પેલી ચાર આંખો માર દિલ સોંસરવી ઉતરી ગઈ હતી. સાંજે પોલીસ સ્ટેશનમાંથી અમને જમવાનું તો આપ્યું પરંતુ ઉદાસી અને થાકને કારણે હું એ ખોરાકને અડ્યો સુદ્ધાં ન હતો. એવામાં રાત્રે આઠેક વાગ્યા હશે અને મારો મિત્ર પથિક હાથમાં એક કોથળી પકડીને પોલીસ સ્ટેશને આવ્યો. એણે પોલીસવાળાને આજીજી કરી હશે એટલે પોલીસે એને એના હાથમાંની થેલી સાથે લોકઅપ સુધી આવવા દીધો. એને જોતાં જ મારી તમામ શક્તિઓ હણાઈ ગઈ અને મને રડું આવી ગયું. કારણ કે મને એ સમયે ભેંકાર એકલતા સતાવતી હતી અને મને મારા કર્મોનો ઘણો પસ્તાવો થઈ રહ્યો હતો.

મેં એને ઈશારતમાં જ પૂછયું કે, 'તું અહીં કેમ આવ્યો?' તો પથિકે જણાવ્યું કે, તેને ખબર પડી હતી કે, આજે  મારા માતા-પિતાએ પણ મને મારા હાલ પર છોડી દીધો છે અને મારા માટે સાંજનું ખાવાનું પણ કોઈએ મોકલ્યું નથી. એટલે એ મારા માટે નજીકની રેસ્ટોરાંમાંથી ખાવાનું લઈ આવ્યો, જેથી રાત્રે મારે ભૂખ્યાં નહીં સૂવું પડે. તેની આ વાત સાંભળીને મને વધુ રડું આવ્યું. એ દરમિયાન એણે પેપર ડિશમાં મારા માટે ખાવાનું કાઢ્યું અને એક કોળિયો તોડીને મારા મોંમા મૂક્યો. એ સળિયાની બહાર હતો અને હું સળિયાની અંદર હતો. એ સમયે પથિક દુનિયાનો એક માત્ર એવો માણસ હતો, જે મારી ભૂલ હોવા છતાં પણ મારી સાથે ઊભો રહ્યો હતો. તેણે મને ઠપકાનો એક શબ્દ પણ કહ્યો ન હતો. અને બીજી તરફ એક વાસ્તવિકતા એ હતી, કે હું જે ટટ્ટુઓ સાથે ગલીને નાકે બેસતો એમાના કેટલાક લોકો તે દિવસે આબાદ ભાગી છૂટેલાં અને દોસ્તીની દુહાઈ દેનારા એ લોકો લોકઅપમાં મારી શું હાલત થઈ છે, એની તપાસ સુદ્ધાં કરવા આવ્યાં ન હતા.

તે દિવસે મને જીવનનો બીજો મહત્ત્વનો પાઠ શીખવા મળેલો કે, જીવનમાં સારા દોસ્તો અને સારી સોબત હોવી અત્યંત જરૂરી છે. જોકે બીજા દિવસે મને જામીન મળી ગયા. પરંતુ એ ઘટના બાદ મેં મારા જીવનમાં આમુલ પરિવર્તન આણ્યું છે. એ ઘટના બાદ થોડા દિવસ તો હું ઘરમાં જ પડ્યો રહ્યો પરંતુ પછી નજીકના શહેરમાં નોકરી લઈને મેં મારું શહેર છોડી દીધું અને એક સારા નાગરિક તરીકે જીવન શરૂ કર્યું. આર્થિક રીતે સદ્ધર મારા માતા-પિતાને મારા પગારની કોઈ જ જરૂર ન હતી પરંતુ એમને સંતોષ થાય એ માટે મેં એમને મારા ખર્ચા ઉપરાંતનો પગાર મોકલવાનો શરૂ કર્યો, જેથી એમને એટલી વાતની ધરપત રહે કે, હું સારા રસ્તે ચાલી રહ્યો છું.

પથિકે પણ મને ફરી ઊભો થવામાં ઘણી મદદ કરી. કારણ કે, જેલમાંથી છૂટ્યાં બાદ હું મારી જાતને ધિક્કારતો થઈ ગયેલો અને એ કારણે હું સતત મારી જાતને કોસતો રહેલો. એક-બે વાર તો મને આત્મહત્યાના પણ વિચાર આવેલા અને એ ઘટના બાદ કેટલાય દિવસો સુધી ઉંઘમાય મારા માતા-પિતાની એ આંખો મને દેખાતી રહેલી. આજે હવે એ વાતને દસેક વર્ષ વીતી ગયા છે. હવે હું પરણીને ઠરીઠામ થયો છું અને મારા માતા-પિતા સાથે મારા જ શહેરમાં સુખી છું. પરંતુ જો પથિક એ સાંજે ટિફિન લઈને લોકઅપમાં મને મળવા આવ્યો ન હોત તો સાચી મિત્રતા કોને કહેવાય એ હું જીવનમાં ક્યારેય શીખી શક્યો ન હોત. પથિક આવ્યો એ પહેલા મને એમ જ થઈ ગઈ ગયેલું કે, હું દુનિયાનો સૌથી એકલો માણસ છું. જો એ રાત્રે એણે મને હૂંફ ન આપી હોત તો કદાચ  મેં જેલમાં જ આત્મહત્યા કરી લીધી હોત!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.