અકબંધ મિત્રતા

05 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

બે મિત્રો તરીકે આખા ગામમાં અમારું નામ એકદમ ટોચ પર હતું. હું અર્જુન અને મારો મિત્ર એટલે પ્રદીપ. અમારું બાળપણ ગામડામાં પસાર થયું. બાજુના ગામમાં આવેલી શાળામાં બાળ-મંદિરમાં સાથે જતા હતા. ત્યારે તો ઘણીવાર લડી પણ પડતા હતા. પણ જેમ-જેમ મોટા થતા ગયા તેમ તેમ અમારી વચ્ચેના ઝઘડા બંધ થતા ગયા અને અમારી વચ્ચેની મિત્રતા મજબૂત બનતી ગઈ.

અમે બંને બીજા ધોરણમાં ભણતા હતા તે સમયે અમારા ગામથી થોડે દૂર બીજા એક ગામમાં મેળો લાગેલો અને ગામના ઘણાબધા લોકો એ મેળામાં ગયેલા અને અમે બંને મિત્રો એ મેળામાં ખોવાઈ ગયેલા. અમારા ગામના જેટલા પણ એ મેળામાં આવેલા તેઓએ અમારી ઘણી શોધખોળ કરેલી. જોકે બેએક કલાકની જહેમત પછી અમે બંને મળી ગયેલા. પરંતુ ત્યારથી અમારું નામ અર્જુન અને પ્રદીપ - મેળાવાળા એવું નામ પડી ગયેલું!

પાછળથી હું મારા મામાના ઘરે સુરત વધુ અભ્યાસ માટે આવતો રહ્યો અને તેણે અમારા ગામની નજીકમાં વડોદરામાં ભણવાનું શરૂ કર્યું. અમે નાના હતા ત્યારથી પ્રદીપમાં એક ખાસિયત હતી, જ્યારે પણ આકાશમાંથી વિમાન પસાર થતું ત્યારે આકાશ સામે જોઈને એટલું અચૂક બોલતો કે, 'મારો વારો ક્યારે આવશે.'

અને એવો એક દિવસ એ દિવસ આવી પહોંચ્યો... એના એક ફોઈ અમેરિકા રહેતા હતા. તેઓ એક વાર અમારા ગામ આવ્યા અને તેને અમેરિકા લઈ જવા માટેની બધી તૈયારીઓ કરવા લાગ્યા. આ વાતને આજે તો વર્ષો થઈ ગયા છે. અને પ્રદીપ અમેરિકામાં સ્થાયી થઈ ગયો છે. નાનપણથી જ એ અમેરિકા ગયો અને જીવનમાં કંઈક કરી બતાવવાની તમન્ના એનામાં હતી. ત્યાં તેના ફુઆની મોટેલો ચાલતી હતી એટલે તેમાં મદદરૂપ થવા માટે તેને ખાસ લઈ જવામાં આવતો હતો. ત્યાં પહોંચ્યા બાદ ત્રણથી ચાર વર્ષ તો તેણે તનતોડ મહેનત કરીને એના ફોઈ-ફુઆને ઘણો મદદરૂપ થયો, ત્યારબાદ એણે પોતાની મોટલ ખોલવા વિશે ફોઈ-ફુઆને વાત કરી અને તેઓએ એનો સ્વીકાર કર્યો અને તેઓએ પાર્ટનરશીપમાં એક મોટેલ ખોલી. આજે તો એ પોતાના બિઝનેસ અને ફેમિલી સાથે અમેરિકામાં સેટ થઈ ગયો છે.

બસ ત્યારથી પ્રદીપે પાછળ ફરીને જોયું નથી. તે આગળ અને આગળ વધતો જ ગયો. આજે પ્રદીપ મોટો બીઝનેસમેન બની ગયો છે. પણ બે ત્રણ વર્ષે જ્યારે પણ એ ગામ આવવાનો હોય ત્યારે મને અચૂક જાણ કરે છે. અને હું સુરતથી મારા ગામ પહોંચી જાઉં છું. અને બે-ત્રણ દિવસ અમે સાથી ગાળીએ છીએ. પ્રદીપે ઘણી વાર મને કહ્યું કે, 'અર્જુન તું અમેરિકા આવતો રહે, હું તારી બધી જ વ્યવસ્થા કરી દઉં છું... સાથે બિઝનેસ કરવાની મઝા આવશે. પણ કુટુંબની પરિસ્થિતિને કારણે હું અમેરિકા જઈ શકતો નથી.

આજે તો અમારા બંનેની ઉંમર આશરે 50ની આસપાસની છે, પરંતુ આટલા લાંબા ગાળાની અમારી મિત્રતા આજે પણ એવીને એવી જ છે. ભૌગોલિક દૂરી અને હવે આર્થિક દૂર પણ અમને એકબીજાથી દૂર કરી શકી નથી. અમારી વચ્ચેના જે સંબંધો લાગણી-પ્રેમ-મિત્રતા છે એ બંધનો જીવનભર રહેશે.

(અર્જુન પટેલ, સુરત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.