પૂરા કરે જે મુજ સમણાંના ચિત્રો - મારા મિત્રો
જેના સ્મરણ માત્રથી કલમ કરવા માંડે કલબલ,
આંખડીમાંથી હરખના અશ્રુ પડે પળપળ,
જેની ઝાંખી માત્રથી હૈયું કરે મોર બની થનગન,
જેની સાથે ડોલવાને પગ હોય હંમેશાં તૈયાર રમવાને રમઝટ.
ચાલો હવે વાત કરીએ ઝટપટ, જેમની સાથેની ખટપટને જતા લાગે ન જરા સી વાર, એવા મુજ સૌ મિત્રોને અર્પુ શબ્દોથી આવકાર!
મિત્રો, દોસ્ત, રાહબર, હમસફર, હમનવાઝ, સખા, યાર... નામ ભલે અલગ-અલગ પણ સૌના અર્થ એક જ. મિત્રો આપણા જીવનમાં ત્યારે જ ઢાલ બની જાય છે, જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ. મજાની વાત એ છે કે, મિત્રો જ્યારે પણ મદદે આવે છે ત્યારે તેઓ કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના આપણી વહારે આવે છે. મારા બધા જ મિત્રોને બે કડી અર્પણ.
‘‘આપ સૌને નામ ઉજળી સવાર રંગીન સાંજ લખું છું,
જે સુખની ક્ષણો મારી છે તે બધી જ આપને નામ લખું છું.’’
બાળપણમાં તો જે મારી સાથે રમે એ જ મારા મિત્ર હતા! પછી એ પડોશમાં રહેતા કમલા માસી હોય, જે મારી સાથે ચકલી... ઊ...ડે...! રમે કે પછી મને એની સાઈકલ પર રોજ ચક્કર મારવા લઈ જાય એ ટમી માસીનો દીકરો તપન હોય, જે જોરથી મારા ચોટલા ય ખેંચે ને ક્યારેક વહાલથી ગાલ પર બકી ય ભરે, વળી, ચિબાવલી કહીને મને ચીડવે ને પછી મસ્ત જલેબી ખવરાવીને મને મનાવે. અને હા પેલા વિનોદમાસા... જે રોજ મને ભાવતી પીપરમીન્ટ લઈ આવે અને રોજ ચાંદામામાની ચાંદનીના પડછાયે સુંદર મજાની વાર્તાઓ કહે.... (આજે તો આ ચાંદામામા ને એમના છાંયેની વાર્તા બંને ક્યાંક દૂરદૂર સંતાકૂકડી રમતા લાગે!) મજા પડી ગઈ આ બધા બાળગોઠિયા તથા અનુભવી મિત્રોને યાદ કરતા.
કિશોરાવસ્થામાં તો હું થોડી મિતભાષી બની ગઈ એટલે પુસ્તકો જ મારા મિત્રો! અને બીજો મિત્ર રોજ અલગ-અલગ માહિતી સભર વાતો તથા વાર્તાનું આદાન-પ્રદાન કરતા મારા શિક્ષક ભૂરાભાઈનો દીકરો નીલ. જે રોજ કોઈ અંગ્રેજી ફિલ્મો જોઈને એની તલસ્પર્શી વાતો તથા સાહિત્યની સુંદર ચર્ચાઓ કરીને મારા જ્ઞાનમાં વધારો કરે. એ જ મારો ખરો મિત્ર!
જોકે પુસ્તકોને મિત્રો બનાવી સાલું હસી તો શકાય, પરંતુ રડવા માટે એનો ખભો ના મળે. કારણ કે રડતી વખતે પુસ્તકો ખભો તો આપે પણ, તેઓ માથે હૂંફાળો હાથ તો નહીં જ ફેરવે! હા, પણ એમનો એક ફાયદો એ ખરો કે, જ્યારે તમને રાત્રે મોડે સુધી ઉંઘ નહીં આવે ત્યારે પુસ્તકો તમને તમારી મરજી પ્રમાણે કંપની આપતા હોય છે.
યુવાવસ્થાના આંગણે ટકોરા પડ્યા અને કોલેજમાં પ્રવેશતા જ જીવનમાં આવી એક નવી સખી ચુલબુલી, રસીલી સુંદર સાલસ સ્વભાવી, સરગવાની શીંગ જેવી લાંબી લાંબી મંદાકિની જેવી લાગતી શ્રેયા...! જે સાથે હોય ત્યારે તો જાણે કલાકોનો સમય માત્ર એકાદ ક્ષણ જેવો જ લાગે અને રાત દિવસનું ભાન પણ ના રહે. સાથે ચાલતા હોઈએ તો રસ્તો ખૂટી જાય પણ અમારા બંનેની વાતો નહીં ખૂટે! જ્યારે એ મને પ્રેમથી કક્કુ કહે ત્યારે જાણે દિલના દસે કોઠે દીવા થાય. અને ક્યારેક જો એ ભૂલમાં નારાજ થાય તો મને રસગુલ્લા પણ કડવા લાગે એવી અમારી દોસ્તી.
શ્રેયા એટલે પરમપ્રિય પરમાત્મા તરફથી જીવનમાં આવેલું અણમોલ નજરાણું, જેનું ઋણ ક્યારેય ના ચૂકવી શકું એવી મારી અને એની મૈત્રી! હું રડું તો એને જરાય ના ગમે, અને હું હસું તો એ હસવાની ઘડીને કાયમ માટે થંભાવી દે એવા કોઈ યંત્રની શોધમાં એ ફરે! જોકે સપ્તપદીના ફેરા ફરતા જ મારો અને એનો સંગ વિખૂટો પડ્યો. કારણ કે બંને વ્યસ્ત થયા પોતાના ઘર-સંસારમાં. વળી, એ તો સાત સમંદર પાર રહે એટલે મળવાનું લગભગ બંધ થઈ ગયું.
જેની સાથે મારો હસ્તમેળાપ થયો એ અનિમેષ નયને જોવા ગમે એવા નિમેષ પણ જીવનમાં આવ્યા ત્યારે તેઓ પ્રથમ બન્યા મિત્ર અને ત્યારબાદ બન્યાં હૈયાના મીત.
જેમની છબી હૃદય સિંહાસને કાયમ માટે અંકિત થઈ છે એવા આ બધા જ મિત્રો દિલ મંદિરના શિખરે કલગીની જેમ શોભે છે. અને હા, આમ તો આ યાદીમાં અંતમાં આવ્યા છે, છતાં ખૂબ જ વિશિષ્ટ રીતે જીવનમાં આવેલા અજબની છતાં, અંતરંગ લાગતા આ ઝુકરબર્ગભાઈની ચહેરાની ચોપડી... (ફેસબુક... યુ નો! …હાહા)માંથી મળેલા ઘણા મિત્રો હહ... ભાઈ, ડી.ડી, બહેન દેસાઈ, બહેન કામદાર, દરેકના નામો સમાવવા તો અશક્ય છે, પણ આ બધા જ ખાસ મિત્રો, જેમની સાથે વ્યક્તિગત મુલાકાત નથી થઈ છતાંય તેઓ જિગરજાન બની ગયા છે.
આ બધા મારા મિત્રો, જેઓ હરદમ મારી રાહ પર ખુશીના ફૂલો બિછાવવા તૈયાર રહે અને જિંદગીનાં સંઘર્ષોને હસતા મુખે સ્વીકારવાની સોગાત શીખવી મનને માધુર્ય બક્ષે એવા બધા જ મિત્રોની ઈશ્વર રક્ષા કરે અને આ મિત્રતાનું ગૌરવ અદકેરું બની મુજ હૈયે હરહંમેશ જળવાય ને અમીની તૃ્પ્તતા અનુભવતું રહે એ જ પ્રાર્થના.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર