મિત્ર રહિત જીવન એટલે રંગ વિહીન ચિત્ર
મિત્રતા… દોસ્તી…. યારી… આવા શબ્દો એવા છે, જેમને આપણે સાંભળીએ એટલે જ દિલમાં લાગણીઓના ઘોડાપૂર આવે અને દિલ સાચા અર્થમાં બાગબાગ થઈ જાય. મારી વાત કરું તો મારા જીવનમાંથી મારા દોસ્તોની બાદબાકી કરી દેવામાં આવે તો જવાબમાં કશું જ ન બચે. હું પોતે પણ નહીં! કારણ કે જિંદગી જ્યારે યુવાનીના જોમમાં ઉછાળા મારતી હોય ત્યારે દોસ્તો જ આપણી લાઈફલાઈન હોય છે. જીવનના આ તબક્કે મારે માટે દોસ્તો વિનાની જિંદગી એટલે રંગ વિનાનું ચિત્ર.
માણસને તેના જીવનમાં અનેક લોકો સાથે દોસ્તી થતી હોય છે. પરંતુ ધીમે ધીમે જૂનું છોડીને આગળ વધતી જતી જિંદગીમાં બહુ ઓછા દોસ્તો એવા હોય છે કે, જેમનો સાથ અકબંધ રહે છે. સ્કૂલમાં એક બેન્ચ પર જે દોસ્તોની સાથે બેસીને ભણ્યાં હોઈએ એ દોસ્તો આજે ક્યાં હશે એનો કોઈ હિસાબ નથી. જોકે તેઓ ભલે સાથે નહીં હોય પરંતુ એમની સાથે વીતાવેલું બાળપણ સ્મરણપટ્ટ પર આજેય અકબંધ છે.
મિત્રોની બાબતે હું ભાગ્યશાળી રહી છું અને મને એ બાબતનું ભારોભાર અભિમાન છે. કારણ કે જીવનના વિવિધ તબ્બકે મળેલા કેટલાક મિત્રોએ મારા જીવનમાં સારા-નરસા સમયમાં મને ખૂબ સાથે આપ્યો છે. હું જ્યારે પણ નેગેટિવિટીથી ઘેરાઈ છું ત્યારે મારા મિત્રોએ તેમના ખભાનો ટેકો આપ્યો છે, જે ટેકાને આધારે જ હું અડીખમ ઊભી રહી શકી છું. મિત્રોએ મને ભાવ શીખવ્યો છે. તો એમણે જ મને વ્યવહાર પણ શીખવ્યો છે. કૃષ્ણને તો કદાચ એક સુદામા(મિત્ર) હતો પરંતુ હું ક્યારેક કોઈ મુશ્કેલીમાં મૂકાઉં ત્યારે મારા અનેક સુદામા મને મદદ કરવા, મને હૂંફ આપવા મારી સાથે ઊભા રહે છે.
મિત્રોની વાત કરું ત્યારે મને સૌથી પહેલા મારા મિત્રો આમીર અને હર્ષિતાની જ યાદ આવે. આ બંને મિત્રો મારી આંખની કીકી સમાન! બેમાંથી એકનોય સાથ છૂટે તો હું દૃષ્ટિહિન થાઉં એવો ઘાટ. અમારા ત્રણ વચ્ચેનું બોન્ડિંગ એવું મજબૂત કે દિવસમાં અમારી સાથે ઘટતી તમામ ઘટનાઓની રજેરજ માહિતી અમે એકબીજા સાથે શેર કરીએ. હું મારા આ બંને મિત્રોને ડ્રોપ બોક્સને નામે પણ બોલાવું છું. કારણ કે અસંખ્ય વાર હું આ બંને આગળ ખાલી થઈ છું અને અનેક વાર તેમની આગળ મેં મારી પીડાઓ અને મારો સંતાપ ઠાલવ્યો છે.
જોકે આ ઉપરાંત પણ મારા અનેક એવા મિત્રો છે, જેમણે પ્રસંગોપાત મને મદદ કરી છે કે હંમેશાં મારી સાથે રહીને મને કંપની આપી છે. આજે તક મળી છે તો એ તમામ દોસ્તોને યાદ કરી જ લઉં અને સાથોસાથ તેમનો આભાર પણ માની લઉં. પાછળ ફરીને જોઉં છું તો ખ્યાલ આવે છે કે સાવ નાની હતી ત્યારે એવી તે કઈ વ્યક્તિ હતી, જેને હું મારી પહેલી બહેનપણી કહી શકું. તો એ નામ છે અલીફીયા. સલ્લુ, ધ્રુવ અને ફુઝેલ એ ત્રણ મિત્રો એવા છે, જેમણે મને હસાવવાની કે મને ખુશ રાખવાની સ્વેચ્છિક જવાબદારી લઈ લીધી છે. આ ત્રણેય મિત્રોની સાથે હોય ત્યારે હું કોઈક જાદુઈ દુનિયામાં મસ્ત થઈ જાઉં છું, જ્યાં આનંદ અને હાસ્ય સિવાય બીજી કોઈ જ વાતને સ્થાન નથી હોતું. ગૌરવ અને નિસાર મારા એવા મિત્રો છે, જેઓ અડધી રાત્રે કે ભર વરસાદમાં પણ મારા માટે દોડ્યાં છે. આ કારણે જ આ બંને મિત્રોને હું 108 કહીને બોલાવું છું!
શ્રદ્ધા, ચિત્રાંગી, શ્રુતિ, નોરીન, જીન્કલ, જયશ્રી, પૂજા કે હિરલ જેવી બહેનપણીઓ એવી છે, જેમની સાથે મેં સ્કૂલ, ટ્યુશન કે કોલેજમાં છોકરીઓની ટિપિકલ Secret talk કે ગોસિપ કરી છે. તો રાજ, કશ્યપ, ડેનિસ, નિલેશ, વિશાલ, રાકેશ, પ્રિતમ, મકરંદ, હિલસા કે જોલીતા જેવા અનેક દોસ્તો/બહેનપણીઓ એવા છે, જેમની સાથે ચાલું ક્લાસરૂમે ટીચર્સનો ઠપકો સાંભળીને પણ વાતો કરી છે, ક્યારેક લેક્ચર્સ બંક કર્યા છે. તો ક્યારેક કેન્ટિનમાં કલાકો સુધી ધમાલ-મસ્તી કરી છે. મિત્રોની આ યાદીમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ નામો નવા ઉમેરાયા છે. ઓફિસમાં રોજ સાથે કામ કરતી પ્રતીક્ષા, લબ્ધી અને શ્રેયા જેવી કલિગ્સ હવે મિત્રોની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યાં છે. કારણ કે આ બહેનપણીઓએ મને રસકસ વિનાના લાગણીહિન કોર્પોરેટ કલ્ચરમાં સાથ આપ્યો છે અને મને ક્યાંક અટવાઈ જતી, ખોવાઈ જતી બચાવી છે.
આજે આ લખવા બેસી છું ત્યારે અનેક નામો, ચહેરા, યાદો અને કિસ્સા આંખો આગળથી પસાર થઈ રહ્યા છે. જિંદગી જાણે રિવાઈન્ડ થઈ રહી છે. દોસ્તો કે દોસ્તી વિશે લખવા બેસીએ ત્યારે આંખની જગ્યાએ હ્રદય ભીનું થઈ જાય છે અને હોઠો પર સ્મિત રમી જાય છે. દોસ્તોની બાબતે લાંબો વિચાર કર્યા બાદ એક તારણ પર જરૂર આવી છું કે દોસ્તોને ક્યારેય ડિફાઈન કરી શકાતા નથી કે એમને એક ચોક્ક્સ ચોકઠામાં બેસાડી શકાતા નથી. દોસ્તીમાં બધું જ અનિશ્ચિત હોય છે. નિશ્ચિત હોય તો એ માત્ર આનંદ અને યાદો છે. આજે મોબાઈલની ગેલેરીમાં જોઉં તો સગાવ્હાલાના ફોટોગ્રાફ્સ કરતા મિત્રો સાથેની સેલ્ફી અને તેમની સાથેન ગ્રુપ-ફોટોગ્રાફ્સની સંખ્યા વધુ છે. જે એ બાબતનો પુરાવો આપે છે કે જીવનમાં મોટાભાગની આનંદની પળો દોસ્તો સાથે વીતાવી છે.
એવું પણ નથી કે દોસ્તો સાથે માત્ર આનંદ કે મસ્તી જ કરી. ઉપરના તમામ દોસ્તો સાથે ભરપૂર લડાઈઓ કે મતભેદો પણ થયાં છે. પરંતુ મૈત્રી નામના આ સંબંધની વિશેષતા જ એ છે કે દોસ્તો સાથેની લડાઈઓ લાંબો સમય ટકતી નથી. અહીં મતભેદ ભલે થતાં હોય પરંતુ મનભેદ ક્યારેય નથી થતાં. એટલે જ કદાચ દોસ્તો સાથે લડવાની પણ ઘણી મજા આવે છે. ઈનશોર્ટ માણસના જીવનમાં દોસ્તોનું હોવું અત્યંત જરૂરી છે. જો દોસ્તો જ નહીં હોય તો લડવું, હસવું, રડવું કોની આગળ? જીવન નામના આ કેનવાસ પર દોસ્તી નામનો રંગ જ નહીં હોય તો ચિત્ર હંમેશાં અધૂરું જ રહેવાનું. કદાચ એટલે જ ખુદ ભગવાનને પણ પોતાના મનુષ્ય અવતાર વખતે સુદામા નામના દોસ્તની જરૂર પડી!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર