મિત્રો વગરની જિંદગી? નેવર...

05 May, 2015
09:50 AM

mamta ashok

PC:

દોસ્તી...!

આ લફ્ઝ સાંભળીને ચહેરા ઉપર નાનીસી મુસકરાહટ આવી જાય છે. અને એ જેનાથી થાય છે એનું કારણ હોય છે આપણા પ્યારા પ્યારા દોસ્તો, મિત્રો, બંધુઓ, ભાઈબંધો!

દમ--દમ હાંફતી ને ભાગતી જિંદગીમાં કુદરતે બહુ ઓછી વસ્તુઓ એવી આપી છે, જેનામાં હંમેશાં - હરહાલમાં મજા પડે! ભાઈબંધોને હું સૌથી ઉપર અને સૌથી આગળ મૂકું છું. એમની આગળ-પાછળ દૂર-દૂર સુધી કોઈ નથી. કોઈ જ નહીં. નહીં સગા, નહીં વહાલા!

યારોની યારી તાઝી કરારી જ હોય છે! એ ખૂલ્લી, બિનધાસ્ત અને પ્રેમાળ હોય છે. એમાં દુનિયાદારી અને વ્યવહારોની નાકામ પળોજણ જોજનો દૂર રહે છે. દોસ્તીમાં તો ગાળોની લૂંટફાટ હોય છે અને થપાટોનું સામ્રાજ્ય હોય છે. મજા છે અહીં!

જિંદગીના અલગ અલગ રંગો, મિજાજ અને તબક્કાઓ છે. અને દોસ્તીની વ્યાખ્યાઓ એ મુજબ બદલાતી રહતી હોય છે. કેટલાક દોસ્તો હંમેશાં ટકતા હોય છે. કોઈ તેની જીવન પરિસ્થિતિ મુજબ નજીકમાંથી દૂર થાય છે. તો કોઈ દૂરથી નજીક આવેલા હોય છે.

દોસ્તી’ અને ‘બચપણ’ એકબીજામાં એકદમ ઘૂંટાયેલા છે. તમે એને ચાહ કે ભી છૂટા નહીં કરી શકો. જૂનું જૂનું બધું સ્ક્રીન ઉપર ફાસ્ટ ફોરવર્ડમાં દેખાય છે. સગા અને વહાલાઓમાં ગણતરીથી થતી મદદો કરતાં મિત્રોની સ્વાર્થ વગરની મદદ વધારે ગમી છે.

મોટા થયા એમ ‘સમજણ’ આવતી ગઈ. કોઈ દૂર-પાસ, કોઈ પાસ-દૂર થતા ગયા. પણ ભાઈબંધો એમ જ રહ્યા. આર્થિક દૃષ્ટિએ આપણે કૃષ્ણની જગ્યાએ હોઈએ કે સુદામાની જગ્યાએ, મિત્રોના વ્યવહારમાં કદાપિ ફરક નથી પડ્યો. એમણે તો મારા માટે હંમેશાં એકસરખો જ સ્નેહભાવ રાખ્યો છે. દોસ્તીનો વ્યવહાર બધે એકસરખો જ હોવો જોઈએ, એટલે જ તો દુર્યોધનનો કર્ણ માટેનો દોસ્તીધર્મ ક્યારેય કમ નથી થયો..

આપણા જીવનમાં આમ કંઈ જ ફિક્સ નથી, અને આમ બધું જ નક્કી છે! આપણે જન્મીએ ત્યારે આપણા માટે કેટલાક સંબંધો એકદમ તૈયાર હોય છે: મમ્મી-પપ્પા, મામા-મામી, માસી-માસા, કાકા-કાકી વગેરે. લાગે છે કે દોસ્તો પણ નક્કી જ હોય છે. હા, માત્ર એ મળતા અચાનક-અનાયાસે હોય છે.

બચપણમાં સ્ટેજ ફિઅર હોવાને કારણે(હજુ પણ છે!) કોઈ પણ ડાન્સ કે પ્રોગ્રામમાં ભાગ લેવામાં ડરતો. રડતો. પણ મારા મિત્રોએ દરિયાદિલી બતાવીને મારા બદલે ‘ભાગ’ લીધેલા છે! સાથે આવવું-સાથે જવું, ઊભા રહેવું, બરફ ગોળો ખાવો, રાહ જોવી કે નહેરમાં ધુબાકા મારવા એ બધા બાળપણની મિત્રતાના ગુણધર્મ છે. આ બધું અત્યારે નાની વાત કે નકામું લાગી શકે છે. પણ એ મહત્ત્વનું છે.

રાહ કેમ જોવી’ એ દોસ્તો પાસેથી શીખવા જેવું છે. ભાઈબંધો માટે કલાકોના કલાકો ઊભા રહ્યા છીએ અને એમને ઊભા રાખ્યા છે. ક્યારેક એવું બને કે ઘરે જ કંટાળો આવે, ઘર ખાવા દોડે, લોકો ન ગમે-કોઈ ન ગમે ત્યારે દોસ્ત યાદ આવે. એની બાજુમાં ફક્ત અને ફક્ત બેસીએ એટલે તરોતાજા થઈ જઈએ. આપણે કશું જ ન કહીએ અને બધું જ સમજી જાય એ દોસ્ત! એમની પાસે વાતો કરવા વિષયો શોધવા નથી પડતા, ક્યારેક આપણું મૌન જ શબ્દો બની જતા હોય છે. આમ પણ ફ્રેન્ડશીપ પોતે એક યુનિવર્સલ લેન્ગવેજ છે ને! મારે કોઈ મિત્રોના વખાણ કરવા જ નથી, પણ આ મારી વાત-મારા અનુભવ કહી રહ્યો છું.

ચોથા ધોરણ માટે એક સ્કૂલમાં ઈન્ટરવ્યું હતું. પપ્પા સાથે ઈન્ટરવ્યુમાં ગયેલો. શાળાના સંચાલકોએ મને ફેઈલ કર્યો. એટલે બીજી સ્કૂલમાં દાખલ થયો. વર્ષો પછી મિત્રોસાથે વાત થઈ ત્યારે થતું હતું કે, સાલું, સારું થયું. પેલી સ્કૂલમાં હોત તો આ બધા મિત્રો કેમ મળત? મિત્રો તો ત્યાં પણ હોત પરંતુ આ મિત્રોને કારણે જીવનમાં જે રંગીનિયત છે એ ત્યાં હોત ખરી? બની શકે કે એવું ત્યાં પણ હોત અને હું જ આખો અલગ હોત.

જિંદગીના એક સ્ટેજ ઉપર આપણે પહોંચીને જેવા ‘બન્યા’ હોઈએ એમાં દોસ્તોનો બહુ મોટો ફાળો હોય છે. એ પછી બીજી સ્કૂલમાં દાખલ થયો. ત્યારે પહેલા દિવસે મારા વર્ગશિક્ષકે મને એક શાંત-હોશિયાર વિધાર્થીની બાજુમાં બેસાડ્યો હતો. એ વિધાર્થી ધીમે ધીમે મારો દોસ્ત બન્યો. વર્ષો વીત્યા, હમણાં થોડાક દિવસો પહેલા એની ઓફિસમાં બેઠા હતા. મારો દોસ્ત સીએ થઈ ગયો હતો. રોમાચંક અનુભવ હતો. અમે પહેલી વાર મળેલા ત્યારે અમે બંનેએ ચડ્ડી પહેરી હતી અને અમે અમારા કમ્પાસબોક્સની કે ટિફિનની ડિઝાઈનની વાતમાં ગળાડૂબ હતા. વર્ષો બાદ હવે રિવોલ્વિંગ ચેર, .સી., સગાઈ-લગ્ન, બિઝનેસની વાતો... આ બધું આવી ગયું છે! દોસ્તો કમાવા લાગ્યા છે, કમાવાના તરીકા શોધવા લાગ્યા છે!

એક છેલ્લી વાત કરું. થોડા દિવસો પહેલા મિત્રનો ફોન આવે છે. કહે છે, તને મળવું છે. મળ્યા. એને તકલીફ હતી, ટેન્શન હતું. થોડા દિવસો પહેલા, કોઈ દિવસ ન થાય ને ત્યારે એનું બ્લડ પ્રેશર લો થઈ ગયેલું. એણે માંડીને વાત કરી અને એ રડવા માંડ્યો. મારી સામે કદાચ પહેલી વખત રડ્યો હશે. અમારી વચ્ચે એક ખાઈ હતી ‘ન રડવાની’, એ પણ તે દિવસે તૂટી ગઈ. આમ પણ મિત્રો વચ્ચે ઓછી ખાઈઓ હોય છે. એ ન રાખવી. તોડી નાખવી! હું ખાલી એના ખભે હાથ રાખી એને સાંભળતો ગયો. બધું જ ટેન્શન નીકળી ગયું. તમારા બે-પાંચ-સાત નજદીકી મિત્રો હશે તો તમારે ક્યારેય સાઈકાયટ્રીસ્ટની પાસે જવું નહીં પડે.

મને દોસ્તો ખુદ્દાર અને નીડર મળ્યા છે. ‘જે છે તે’ કહેનાર મળ્યાં છે. કોઈ પણ સંજોગોમાં હસી શકે, ગંભીરતાને સમજી શકે એવા મળ્યાં છે. જરૂર પડી છે ત્યારે હાથ પણ ઝાલ્યો છે અને ક્યારેક પાછળથી ધક્કો પણ માર્યો છે. આપણને બંનેની જરૂર હોય છે.

જિંદગીમાં અચાનક જ મળી જતાં દોસ્તોમાં, એમના સાથે થયેલી દોસ્તીમાં કેટલો દમ છે એ ચેક કરવું હોય તો તમારાં સપનાઓ યાદ કરો! એક દિવસ એક મિત્રને મેં કહેલું: ‘યાર.. બહુ ખરાબ સપનું આવ્યું હતું.’ એ તરત બોલ્યો: ‘હું મરી ગયો’તો ને?’ હું હસ્યો, એવું ન હતું પણ એની નજીકનું કૈંક હતું! જનરલી સપનાઓ ઓછા યાદ રહેતા હોય છે, એ રહી ગયું હતું. સવારે ઉઠીને હું પણ રડેલો.

આપણા જીવનમાં બધું જ ધારી શકાય છે. ધારીને ચાલી-ચલાવી શકાય છે પણ મિત્રો વગરની જિંદગી ક્યારેય ધારી શકાય નહીં. નેવર.

 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.