છીનવાઈ ગયેલી મૈત્રી
મિત્ર જ્યારે આપણી આસપાસ હોય અને ત્યારે એની હાજરીથી આપણને જે આનંદ થાય એનાથી બે ગણો વિષાદ ત્યારે થાય જ્યારે મિત્ર આપણાથી વિખૂટો પડી જાય. કારણ કે આપણને ખબર હોય છે કે, હવે આ મિત્ર ક્યારેય આપણી પાસે નહીં આવે અને એની સાથે ક્યારેય મસ્તી, મજાક અને આનંદ નહીં કરવા મળે.
આપણો પ્રિય મિત્ર ભૌગોલિક રીતે દૂર હોય તો હજુ દિલમાં એક ચાહ પણ રહે કે, આ મિત્ર ક્યારેક તો મળશે. વળી, એની સાથે અણબનાવ થયો હોય તોય આપણા દિલને ધરપત રહે કે, આજે નહીં તો કાલે, પણ ગમે ત્યારે મિત્ર સાથે મેળાપ થશે તો ખરો જ. પરંતુ મારા કિસ્સામાં એવી કોઈ જ આશા નથી કારણ કે, મારો મિત્ર મને હંમેશાંને માટે છોડીને ચાલ્યો ગયો છે. માત્ર મને જ છોડીને ચાલ્યો ગયો હોત તો કંઈ પણ, પરંતુ દુઃખની વાત એ છે કે, એ મારા ઉપરાંત આખી દુનિયાને છોડીને ગયો છે.
હજુ તો અમારે સાથે આખી જિંદગી વીતાવવાની હતી. અને કોલેજમાંથી પાસઆઉટ થઈને અમે કેટકેટલું કરવાનું, ફરવાનું વિચાર્યું હતું. અમે વિચારેલું અત્યાર સુધીના વર્ષો ભલે ભણતરમાં ગયા હોય, પરંતુ ભણ્યા બાદ હવે અમારે ખૂબ ફરવું છે અને મજા કરવી છે. કૉલેજ પૂરી થઈ પછી અમે બંને ગોવા પણ એક ટ્રીપ મારી આવ્યા અને પાંચ દિવસ સુધી ખૂબ મજા કરીને અનેક યાદોને સાથે લઈ આવ્યા.
પરંતુ આ શું હજુ તો ગોવાથી આવ્યાને અમને અઠવાડિયું થયું નહીં ત્યાં એક રાત્રે લગભગ અઢી વાગ્યે મારા પર એના કઝીનનો ફોન આવ્યો કે, મારો મિત્ર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે અને એની લાશને પી.એમ માટે લઈ જઈ રહ્યા છે!
આ વાત સાંભળીને હું જાણે ભાન જ ભૂલી ગયો અને લગભગ એક કલાક સુધી મારા ઘરમાં જ સુદબુધ ભૂલીને બેઠો રહ્યો. આખરે વાસ્તવિકતાની ધરતી પર મેં પગ મૂક્યો અને મિત્રના મૃત્યુને સ્વીકારીને એના ઘરે ગયો. વિચાર્યું, ભલે અહીં સુધીનો જ અમારો સાથ રહ્યો હશે. એના છેલ્લાં દર્શન કરી લઉં અને એને આખરી વિદાય આપી દઉં. પરંતુ નસીબે અહીં પણ સાથ નહીં આપ્યો. અકસ્માતમાં મિત્રનું શરીર એ હદે ઘવાયું હતું કે, એનો ચહેરો સુદ્ધાં લપેટી લેવાયેલો. એટલે ન તો મિત્રના ચહેરાને સ્પર્શી શકાયો કે નહીં એને જોઈ શકાયો.
આ રીતે એને વિદાય આપી હોવાને કારણે જ કદાચ મનમાં એક કસક રહી ગઈ છે કે, એને યોગ્ય રીતે મળી શકાયું નથી કે નથી એને યોગ્ય રીતે અલવિદા કહી શકાયું. ઘણી વાર વિચાર આવે છે કે, મૃત્યુ સમયે એનો ચહેરો કેવો હશે? એ ચહેરા પર ભાવ કેવા હશે? પરંતુ એ ભાવો ન તો જોઈ શકાયા કે નહીં કળી શકાયા.
ખૈર, હવે એ નથી ત્યારે જીવન અત્યંત ખાલી ખાલી લાગે છે. ઈશ્વર સામે સતત ફરિયાદ થઈ જાય છે કે, તે આ બહુ ખોટું કર્યું, આટલા નાના જીવને હજુ જીવન માણવા દેવાનું હતું. જોકે પછી એ જ ઈશ્વરને પ્રાર્થના પણ થઈ જાય છે કે, તું એના આત્મને પરમ શાંતિ બક્ષજે. એથી વિશેષ અમને કશું જ નથી જોઈતું. ઓમ શાંતિ…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર