મિત્રતાનો નિભાવ

29 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

મને રોજ સવારે ગાર્ડનમાં ચાલવા જવાની પહેલેથી જ ટેવ હતી. શિયાળાના સમયમાં થોડો મોડો મોડો પણ ચાલવા જવાનું એટલે જવાનું. રોજ સવારનો આ મારો નિત્યક્રમ બની ગયો હતો. એક દિવસ હું ચાલતો હતો ત્યાં પાછળથી કોઈએ મારા નામની બૂમ પાડી, 'એ રજનીકાંત...' અને મેં પાછળ ફરીને જોયું તો મારી સાથે વર્ષો પહેલા નોકરી કરતો બીપીન મને બોલાવી રહ્યો હતો. એ મારા કરતાં આશરે 7-8 વર્ષ નાનો અને ઓફિસમાં પણ હું એનાથી સિનિયર હતો. એની બૂમ સાંભળી હું ઊભો રહ્યો પછી એ ઝડપથી મારી પાસે આવ્યો અને એ પણ મારી સાથે ચાલવા લાગ્યો.

સાથે ચાલતા ચાલતા એણે મને જણાવ્યું કે, ગાર્ડનથી થોડે દૂર આવેલા રો હાઉસમાં એણે નવું ઘર ખરીદ્યું છે અને એ હવે ત્યાં રહેવા આવ્યો છે. એટલે એ હવે આ ગાર્ડનમાં રોજ ચાલવા આવે છે.

એ દિવસે અમારી વચ્ચે ઘણી વાતો થઈ. મેં મારી વાત જણાવી, હું દોઢ વર્ષ પહેલા જ નિવૃત્ત થયો છું. રોજ સવારે ચાલવા આવું છું, બપોરે જમીને થોડા કલાકો માટે દીકરાની દુકાને પહોંચું છું અને દીકરો ઘરે જમવા જાય એટલો સમય હું બેસું છું. બીપીને પણ ઘણી વાતો કરી અને એના જીવનની નવાજૂની વિશેની વાતો કહી. હજી તો એની નોકરી ચાલુ છે. પણ સવારે આ રીતે ચાલવાનો એનો પણ નિત્યક્રમ છે.

પછી તો મેં અને બીપીને રોજ ગાર્ડનમાં રોજ મળવાનું અને સાથે ચાલવાનું શરૂ કર્યું. આખી દુનિયાની વાતો કરતા જઈએ અને ચાલતા જઈએ. વળી, આખી દુનિયાની વાતોની સાથે અમારા અંગત જીવનના પ્રશ્નો પર પણ ચર્ચા કરતા રહીએ. નોકરીના વર્ષોમાં તો અમારા સંબંધ માત્ર હાઈ હેલ્લો પૂરતા જ હતા, પરંતું હવે અમે એકદમ અંગત મિત્રો બની ગયા. એવું આશરે દોઢેક વર્ષ ચાલ્યું.

એક દિવસ બીપીન આવ્યો નહીં એટલે મેં ફોન કરીને તપાસ કરી તો જાણવા મળ્યું કે, એ માંદો છે. એવી જ રીતે ચાર-પાંચ દિવસ સુધી એ દેખાયો નહીં એટલે મને જે રીતે એના ઘરનો અંદાજ હતો એ રીતે એના ઘરે પહોંચી ગયો. ત્યારે જાણવા મળ્યું કે એને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. એને આંતરડાની તકલીફ છે અને ઓપરેશન કરવાનું છે. મને એની પરિસ્થિતિનો ખ્યાલ હતો. એટલે હું એ જ દિવસે સીધો એને હોસ્પિટલે મળવા ગયો. એ પથારીમાં સૂતો હતો અને એનાથી પથારીમાંથી બેઠા પણ થવાતું નહોતું.

બીજા દિવસે એનું આંતરડાનું ઓપરેશન હતું. હોસ્પિટલમાં એની સાથે એની પત્ની અને 11-12 વર્ષની દીકરી હતી. બીજા સગા સંબંધીઓમાં કોઈ ખાસ દેખાયું નહીં. એની સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યું કે તેઓ ઘણી આર્થિક તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે. ઉપરાંત ઓપરેશન થયા પછી એને એકાદ મહિના જેવો આરામ કરવો પડે એવી પરિસ્થિતી હતી.

જોકે એક મિત્ર તરીકે હું એની પડખે ઊભો રહ્યો. એના ઓપરેશનથી લઈને દવા ઉપરાંત બીજા નાના ખર્ચાઓનો ખર્ચ મેં ઉપાડી લીધો અને એની ચિંતાઓને દૂર કરી દીધી. સાથે જ રોજ સવાર સાંજ હોસ્પિટલમાં પણ રહેવા માંડ્યું, જેથી એની પત્નીને આરામ મળે અને દીકરીઓનું ભણવાનું નહીં બગડે.

જે દિવસે એને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારબા ગાર્ડનમાં ચાલવા જવાને બદલે દિવસમાં એકવાર અચૂક એના ઘરની મુલાકાત લઈ લેતો. એક મિત્ર તરીકે હું એની પડખે ઊભો રહી શક્યો એનો મને આનંદ છે. એક મિત્રને મદદરૂપ થવાની જે તક ઈશ્વરને મને આપી તે બદલ હું ઈશ્વરનો આભારી રહ્યો છું.

આજે બિપીન એકદમ સ્વસ્થ થઈ ગયો છે અને રોજ મારી સાથે સવારે ગાર્ડનમાં ચાલવા પણ આવે છે અને અમારી વચ્ચેનો આર્થિક વ્યવહાર અમે સમજી લીધો છે. આ મિત્રતાનું વર્ણન કરીને એટલો જ મેસેજ આપવા માગું છું કે, મિત્ર બનવા કરતા મિત્રતા નિભાવવી એ ખૂબ અગત્યની વાત છે.

(રજનીકાંત પટેલ, અમદાવાદ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.