અમે અને અમારી મૈત્રી...
સામાન્ય રીતે એવું કહેવાય છે કે, સાચા મિત્રની ઓળખ ખરાબ સમયમાં જ થતી હોય છે. મને આ વાતમાં ઝાઝો રસ નહોતો, પણ પાછળથી મારા જીવનમાં પણ આ વાત સાબિત થઈ. મારા જીવનમાં બનેલી એક ઘટના પછી હું પણ ઘણું શીખ્યો છું. જીવનમાં મૈત્રી તો ઘણા લોકો સાથે છે, પણ હવે અનુભવે સમજાયું કે, ખરા સમયે જે સાથ આપે તે સાચો મિત્ર બની રહે છે.
હું જ્યાં રહું છું એ વિસ્તારમાં મારા ઘણાં મિત્રો છે. કોલેજમાં સાથે અભ્યાસ કરતી છોકરીઓ સાથે પણ મિત્રતા છે. ફ્રેન્ડ સર્કલ પહેલી નજરે તો ઘણું મોટું છે... પણ દરેક મિત્રતા પ્રસંગોપાત બની ગઈ છે... ઘણાના મતે મિત્રતા એટલે ફ્રી ટાઈમમાં કંપની મળી રહે તેટલું પૂરતું હોય છે... મારા ઘણાં મિત્રો એવા છે જે ઘરની નજીકમાં અને કોલેજમાં છે....
જ્યારે હું એસ.વાય.માં હતો ત્યારે બીજા વર્ષની શરૂઆતના દિવસોમાં ચોમાસાના સમયમાં મારી સ્પ્લેન્ડર બાઈક સ્લીપ થઈ ગઈ, મારા પગે ફ્રેક્ચર થઈ ગયું... હું એકદમ જ પથારીવશ થઈ ગયો... મને સૌથી મોટી ચિંતા એ વાતની હતી કે, હવે મારી કોલેજનું શું...? મારી કોલેજમાંથી ઘણા મિત્રો મને મળવા આવ્યા... તેઓની સાથે મને જેની સાથે સૌથી સારું ફાવતું હતું તે દિવ્યેશ પણ આવ્યો. ત્યારે દિવ્યેશે મને કહ્યું હતું કે, તુષાર તું કોલેજની જરાય ચિંતા કરીશ નહીં... હું બધુ સંભાળી લઈશ.... અને દિવ્યેશ મારી નિયમિત મુલાકાત લેતો રહ્યો... મારી કોલેજમાં એણે લેખીતમાં જાણ કરી.. મારી બધી નોટ્સ એણે લખી આપી... એક્ઝામના સમયમાં એ મારા ઘરે આવીને મને સાથે લઈ જતો... અને એક્ઝામ પૂરી થયા બાદ એ મને મારા બેડ સુધી મને પરત મૂકી જતો...
મિત્રો તો ઘણા હતા પરંતુ તેણે જે રીતે મારી ચિંતા કરી, કાળજી રાખી તે જોઈને મને ઘણી ખુશી થઈ.. કે ખરેખર એક સાચો મિત્ર મારી પાસે છે. જ્યારે લગભગ સાડા ત્રણ મહિનાના સમય બાદ હું મારી રીતે કોલેજ જતો-આવતો થઈ ગયો ત્યાર પછી મેં સૌથી સારી મિત્રતા ફક્ત દિવ્યેશ સાથે જ રાખી છે... સાચું કહું તો, દિવ્યેશે મને શીખવ્યું કે, સાચો મિત્ર કોને કહેવાય...
દિવ્યેશને અને મને ફરવાનો ખૂબ શોખ.... અડધી અડધી રાત સુધી અમે બસ ફરતા જ હોઈએ... અમારા બહારગામ ફરવા જવાના પ્રોગ્રામ પણ ઘણાં થયા... એક વખત તો 26 જાન્યુઆરીની દિલ્હીની પરેડમાં પણ હાજરી આપી આવેલા... ઉપરાંત ગોવા, બોમ્બે, સાપુતારા, મહાબળેશ્વર જેવા સ્થળોએ અમે ખૂબ ફર્યા છીએ... ઘણીવાર દમણ-દેવકા બીચ પર પણ ગયા છીએ...
જોકે આખરે એ મજાના દિવસો પૂરા થયાં અને અમારી કોલેજ પૂરી થઈ. અમે દરેક અમારા પોતપોતાના રસ્તે વળી ગયા... પણ અમે બે મિત્રો એકસાથે જ આગળ વધ્યા... અમે બંનેએ બિઝનેસ કરવાનું નક્કી કર્યું. આજે અમારા બંનેનો પાર્ટનરશિપમાં બિઝનેસ ખૂબ સારો ચાલે છે... અમને બંનેને સગા ભાઈઓ કરતાં પણ વધુ બને છે.
દિવ્યેશના લગ્ન પ્રસંગે હું લગભગ એના ઘરે જ રહ્યો છું. દરેક પળે દરેક પ્રસંગે હું એની સાથે રહ્યો હતો... એક ઘરના સભ્ય તરીકે. એ જ રીતે એ પણ મારા લગ્ન પ્રસંગમાં મારી સાથે જ રહ્યો હતો. અમારા બંનેના આખા કુટુંબો અમને બંનેને સારી રીતે ઓળખે છે... આજે મારા કુટુંબમાં કોઈપણ માંદુ હોય કે હોસ્પિટલમાં હોય કે બીજી કોઈપણ તકલીફ હોય તો દિવ્યેશ તરત જ પહોંચી જાય છે.. અને એ જ રીતે હું પણ કોઈપણ પરિસ્થિતિમાં તેના આખા કુટુંબની સાથે જ હોઉં છું...
અમારી મિત્રતા સાછી મિત્રતા છે. ઉપરાંત અમારા બંનેનો બિઝનેસ તો એક જ છે... એટલે આજીવન અમે સાથે રહીશું... સાથે અમારી પેઢીમાં પણ આ મિત્રતા ઉતરશે... એ વાતનો મને અને દિવ્યેશને ખૂબ સંતોષ છે...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર