બાળપણના સંભારણા
વેકેશન પડે એટલે દાદાના ઘરે પહોંચી જવાનું... ગામમાં ઘર એટલે ખેતર તો ખરું જ. દાદાના ઘરથી થોડે જ દૂર ખેતર. એટલે દિવસમાં દશ વાર ખેતરે જવાનું. રમવાનું એટલે બસ રમવાનું... ખાવાનું... પીવાનું... અને રમવાનું... બીજી કોઈ જ ઝંઝટ નહીં... આ હતો અમારા બાળપણના વેકેશનનો કાર્યક્રમ. સ્વર્ગ ઉતરી પડતું જાણે!
એ સમયે હું ગામના બીજા છોકરાઓ સાથે રમવા પહોંચી જતો. ઘણા પ્રકારની રમતો તેઓ રમતા અને તેમની સાથે હું જોડાતો... તેઓની ઘણી રમતો હું શીખ્યો. ગામના ઘણાં છોકરાઓ સાથે ઓળખાણ થઈ ગયેલી. એ બધાને ખબર કે વેકેશન પડશે એટલે અંકુર આવશે. એ બધા છોકરાઓમાં એક છોકરો હતો સુભાષ, જેની સાથે મને ઘણું ફાવી ગયું હતું. સુભાષ મારા કરતાં એકાદ વર્ષ મોટો હતો. પણ હું જ્યારે પણ ગામ જાઉં ત્યારે એ મારી સાથે જ હોય. મારા દાદા પણ ક્યાંય પણ જવાનું હોય તો મને સુભાષની સાથે જ મોકલે. એ મારા દાદાના ઘરની નજીકમાં જ રહેતો હતો...
અમને બંનેને સૌથી વધારે મઝા તો ત્યારે આવે જ્યારે દાદા અમને ગામની નજીકમાં આવેલા તળાવ પર ફરવા જવાની રજા આપે. તળાવના કિનારે રમવાનું અને તળાવમાં પથ્થર ફેંકવાની રમત રમીએ. આજે પણ જ્યારે ગામ જાઉં છું ત્યારે તળાવ કિનારે ફરવા જઈએ ત્યારે પથ્થર ઉંચકીને પાણીમાં જરૂર ફેંકું છું. તળાવના પાણીમાં ઉઠતી પાણની છાલકો જાણે મારા બાળપણને ફરી જીવંત કરી દેતી!
સુભાષ આજે પણ એજ ગામમાં રહે છે. એ બીકૉમ સુધી ભણ્યો, પછી બાજુનાં ગામમાં નાની કરિયાણાની દુકાન ચલાવે છે. થોડી ખેતીવાડી છે. હજી પણ જ્યારે પણ હું ગામ જાઉં ત્યારે એ મારી સાથે જ હોય. મારે ખાતર એ દુકાન વહેલી બંધ કરી દે. અમે સાથે ગામની નજીકના વિસ્તારોમાં ફરીએ. ખેતરમાં જઈએ... ખૂબ વાતો કરીએ... અમારી મિત્રતા બાળપણથી જ બંધાઈ ગયેલી... હું ગામ જાઉં ત્યારે એ મને તેના ઘરે જમવા પણ બોલાવે છે.
અમારી મિત્રતાના ઘણા નાના-નાના પ્રસંગો છે. તોફાન કરવામાં પણ અમે બંને પહેલો નંબર. તે સમયે હું ધોરણ-7માં ભણતો હતો ત્યારે.... એકવાર એવું બન્યું કે, અમે બંને મારા દાદાના ઘરમાં રમતા-રમતા અમારા હાથમાં મારા દાદાએ પોતાના હાથે બનાવેલી બીડીનું બંડલ આવી ગયું. એમાંથી થોડી બીડી લઈને અમે ખેતરે પહોંચી ગયા. વળી, હોશિંયાર એટલા કે, માચિસ પણ લેતા ગયેલા. અને બીડી સળગાવીને ધુમાડો મોંમાં ખેંચી અને પછી બહાર છોડીએ... અમને બંનેને ખૂબ મઝા આવતી... પછી તો બાકી રહેલા વેકેશનનો એ નિત્યક્રમ બની ગયેલો.... મારું વેકેશન પૂરું થયું અને હું મારા ઘરે આવી ગયો... સ્કૂલ ચાલુ થઈ ગઈ... પણ થોડા જ દિવસમાં એક પોસ્ટકાર્ડ આવ્યો... જે મારા દાદાએ લખેલો હતો.. પણ ઈંગ્લિશમાં લખેલો હતો... એ પોસ્ટકાર્ડ મેં મારા પપ્પાને આપ્યો... અને ત્યારબાદ... મને ખૂબ માર પડેલો... આ વાતને વર્ષો વિતી ગયા પણ હજી મને યાદ રહી ગઈ છે...
હજી મારા લગ્ન થયા નથી... મેં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ પૂર્ણ કર્યા બાદ એક સારી જોબ શોધી લીધી છે... હવે એકાદ-બે વર્ષમાં મારા પણ લગ્ન થઈ જશે. જ્યારે સ્માર્ટફોન આવ્યા અને વોટ્સએપ જેવી સુવિધાઓ મળી ત્યારે તો અમે લગભગ દરરોજ જ વાતો કરવા લાગ્યા અને એકબીજાના ખબરઅંતર પૂછવા લાગ્યા. અમારા બંને વચ્ચે સારી મિત્રતા હતી અને છે...
(અંકુર મિસ્ત્રી, વડોદરા)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર