વીતેલા સમયના સંભારણા

24 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

આવડી મોટી દુનિયામાં જાતજાતની વિચિત્રતા છે, પણ એવું કોઈક વિચિત્ર માણસ હશે ખરું? જેને આખી જિંદગીમાં સમ ખાવા પૂરતોય એક દોસ્ત કે એકાદી બહેનપણી નહીં હોય? જો એવું કોઈક હશે તો એણે બહુ હરખાવા જેવું નથી કારણ કે, જો જીવનમાં એ એક દોસ્ત, એક યાર કે એક હમદર્દ નહીં બનાવી શકે તો, આ ધરતી પર એના જેટલું કમનસીબ કોઈ નહીં હોય.

હશે આપણે આપણે શું? બીજાનું જે હોય એ. આપણે એની શું પંચાત? આપણે તો ગણ્યા ગણાય નહીં, વીણ્યા વણાય નહીં અને તોય મારા દલડામાં માંય નહીં એટલા દોસ્તો છે, જેઓ મને ક્યારેય એકલી પડવા જ નથી દેતા અને મારા સુખ કે દુખના પ્રસંગોએ ઢાલ જેવા મારી પડખે આવીને ઊભા રહી જાય છે. જોકે આજે તો મારે મારા ત્રણ એવા દોસ્તોને યાદ કરવા છે, જેઓ બહુ ઓછો સમય મારા જીવનમાં હતા પરંતુ મારા જીવનમાં એમનું સ્થાન ખાસ છે.

નાનપણથી મારો બોલકો સ્વભાવ એટલે રસ્તે ચાલતા સાથે આપણે મૈત્રી કર્યાના કિસ્સા છે. સ્કૂલમાં ભણતી ત્યારે ક્લાસ આખાની છોકરીયું સાથે તો મારે બહેનપણા ખરા જ પરંતુ આજુબાજુના ક્લાસ અને આગળ-પાછળના ધોરણની છોકરીયું હારેય આપણે ભારે ફાવે. કાંક પ્રવાસે ગયા હોઈએ કે સ્કૂલમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો સ્કૂલની છોકરીયું મારી હારે રે’વા માટે રીતસરની પડાપડી કરતી.

મોટા થયાં અને કૉલેજમાં આવ્યા, ત્યાંય આપણા બોલકા સ્વભાવે ઘણો ફાયદો કરાવી આપેલો. એમાંય આપણે ભણવામાં અને એસાઈન્મેન્ટ્સ તૈયાર કરવામાં હોશિયાર એટલે ક્લાસના છોકરાઓ મારી પાસે એસાઈન્મેન્ટ્સ બનાવવા કે મારી નોટ્સ માગવા માટે આઘાપાછા થતાં. એમાં પાછી હું એમની પાસે બદલામાં પાર્ટીયું માગું અને અમારી ફોજ ઉપડે સીધી કોલેજની કેન્ટીનમાં વડાં-પાવ અને ઠંડાપીણાની જયાફત ઉડાવવા. આમને આમ કૉલેજમાં હિરેન, કૌશલ અને મયૂર જેવા છોકરાઓ હારે મારે પાકી દોસ્તી થઈ ગયેલી. પછી તો એવું થયું કે, મારે ક્લાસની છોકરીઓ સાથે બેસવાનું ઓછું અને આ ત્રણ દોસ્તો સાથે રખડવાનું વધુ થઈ ગયેલું.

અમે ચારેય રોજ હારે બસમાં કૉલેજ આવીએ અને હારે જ ઘરે જઈએ. વહેમીલાઓને તો મનમાં એમ પણ ચાલે કે આ ત્રણમાંના કોક એક સાથે મારું ચાલે છે. અને એટલે જ પેલા ત્રણેય મને બેનીની જેમ સાચવે છે. પણ વહેમીલાઓના વિચારોને નાથવા કોણ જાય? અમે તો બસ અમારી મસ્તીમાં મસ્ત હોઈએ. એક જ ક્લાસમાં ભણતા એટલે મન થાય તો ક્લાસ ભરીએ નહીં તો પછી કૉલેજના બગીચા, પાર્કિંગ અથવા કેન્ટિનમાં ડેરાતંબુ તાણીએ અને દિવસ આખો વાતું કરીએ.

આમ તો દોસ્તીમાં આમને-સામને કશી આપ-લે ના હોય પરંતુ કૉલેજમાંથી એસાઈન્મેન્ટ્સ આવે કે પરીક્ષાઓ આવે ત્યારે એ બાપડાઓના હાંજા ગગડી જાય અને એમને હું યાદ આવું. હું એ ત્રણેયને એસાઈન્મેન્ટ બનાવી આપવામાં મદદ કરું અને પરીક્ષા ટાણે એમને ઈમ્પોર્ટન્ટ સવાલ અને નોટ્સ પણ આપું. તો સામે એ લોકો વારાફરતી મને ભાવતું કાંક ખવડાવે. સ્કૂલમાં મને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જેટલો શોખ હતો એટલો શોખ મને કૉલેજ દરમિયાન ન હતો. એટલે કૉલેજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અમે ભાગ નહીં લઈએ અને એકાદુ ફિલ્મ જોઈ નાંખીએ કે શે’રમાં સર્કસ કે જાદુગર આવ્યો હોય તો એ જોઈ નાંખીએ.

આમને આમ અમારા કૉલેજના ત્રણ વર્ષ ક્યાં નીકળી ગયા એની અમને ખબર સુદ્ધાં ન પડી. ગ્રેજ્યુએશન પછી પણ અમારે ચારેયે આગળ ભણવું હતું પણ પ્રાઈવેટ કૉલેજમાં અમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકીએ એવી અમારી આર્થિક સ્થિતિ ન હતી. વળી, હું તો છોકરીની જાત એટલે મારા તો લગ્ન પણ નક્કી થઈ ગયા અને અમારું થર્ડ યરનું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં અમે ચારેય એકબીજા વિખૂટા પડી ગયા. કૌશલને એના કાકાએ સુરત બોલાવી લીધો તો મયૂરે રાજકોટની વાટ પકડી અને હું પરણીને મુંબઈ ઠરીઠામ થઈ. એકમાત્ર હિરેન ભાવનગરમાં રહ્યો, જેણે કૉલેજની બાજુમાં જ એક દુકાન કરી છે.

હવે આજે તો અમને છૂટા પડ્યાને દોઢ દાયકા ઉપરનો સમય થઈ ગયો છે. બધા પરણી ગયા છે બધાયને ત્યાં એકેક-બબ્બે છોકરા રમે છે. પછી તો જીવન ઘણા બદલાયા અને હવે તો બધાય ફેસબુક અને વ્હોટ્સ એપ પર કોન્ટેક્ટમાં પણ રહીએ છીએ. પરંતુ અમારા જીવનમાં અમે એટલા બધા પરોવાઈ ગયા છીએ અને આપસી દૂરી એટલી બધી વધી ગઈ છે કે, સુરત અને રાજકોટ રહેતા મિત્રો સુદ્ધાં ભાવનગર નથી જઈ શકતા તો મારી તો વાત જ શું કરવી?

મારા છોકરાઓને અમારા કૉલેજના દિવસોની અને એમના મામાઓની વાતું કરું છું ત્યારે એમને તો એ બધા પરિકથાના પાત્રો લાગે છે. પરંતુ જ્યારે જ્યારે મારા એ મિત્રોની વાત નીકળે છે ત્યારે હું ઉડીને ભાવનગરની એ કૉલેજમાં પહોંચી જાઉં છું અને એ ત્રણેય સાથે જીવાયેલો સમય ફરી જીવી લઉં છું. મજાની હતી એ મૈત્રી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.