એક વડીલ મિત્રનું સ્મરણ
મારું બાળપણ ભણવામાં ઓછું અને રમત-ગમતમાં વધારે પસાર થયું. ઘરમાં મમ્મી-પપ્પા ઉપરાંત હું અને મારી એક બહેન તે પણ તેની બહેનપણીઓ સાથે ક્યાં તો રમવામાં અથવા તો અભ્યાસમાં વ્યસ્ત હોય. અને હું ઘરમાં મારી રમતો રમ્યાં કરતો. સામાન્ય રીતે હું ઘરની બહાર ખૂબ ઓછો નીકળતો. એકદમ ફ્રી સમયમાં જ બહાર જતો. અને સમયસર ઘરે પરત આવી જતોમ જોકે પ્રાથમિક શિક્ષણ સુધી ભણતરની બાબતે હું લીલાલહેર જ કરતો. પરંતુ હું ધોરણ 8માં આવ્યો ત્યાર પછી અભ્યાસમાં એકદમ ગંભીર થઈ ગયેલો... એટલે જ આજે એક સારી સરકારી નોકરી કરી રહ્યો છું.
જ્યારે હું કોલેજમાં દાખલ થયો ત્યારે અમારી મોર્નિંગ કૉલેજ હતી. બપોર પછીના સમયમાં હું મારી લાઈફ માટે કંઈક કરવા માગતો હતો. તે સમયે મને એક ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ મળી... સમય સાંજનો હતો... તેનો સમય બપોરે 3 થી રાત્રે 8નો હતો... આ જૉબને લઈને હું ખૂબ જ ઉત્સાહમાં હતો. કારણ કે મને શીખવા પણ ઘણું મળી રહ્યું હતું અને હું મારો ખર્ચ પોતે મેનેજ કરી લેતો હતો. ત્યારે મારા માટે ખુશીની વાત એ હતી કે, મારે ઘરમાં મમ્મી-પપ્પા પાસે પૈસા માગવા પડતા નહોતા.
એ જૉબમાં મારી સાથે બીજા પણ એક ભાઈ જોડાયા હતા. એમનું નામ હતું રશ્મિકાંતભાઈ. એ રશ્મિકાંત ભાઈની ઉંમર મારા કરતાં ઘણી મોટી, પણ અમને બંનેને ખૂબ ફાવતું હતું. અમે બંને એકબીજાને અમારા કામને લગતી હેલ્પ પણ ઘણી જ કરતા હતા. એ રશ્મિકાંતભાઈ એક કોલેજમાં પ્રોફેસર હતા અને સાંજે મારી ઑફિસમાં પણ આવતા હતા. રશ્મિકાંતભાઈનો શાંત સ્વભાવ અને તેમની ગંભીર વિચારસરણી મને ગમી ગયેલી. એમની પાસે જીવનના દરેક પાસાનો અનુભવ હતો અને દરેક બાબતે તેઓ નિખાલસ અભિપ્રાય આપતા હતા. એટલે જ અમારી વચ્ચે મિત્રતા થયેલી... તેઓ ઘણીવાર કહેતા દિનેશ આ પ્રકારની મિત્રતા ખૂબ ઓછાના નસીબમાં હોય છે...
રશ્મિકાંતભાઈ સાથે હું ઘણીવાર ઘણી બાબતોની સલાહ લેવા જતો હતો. ક્યાં તો અમે ઑફિસે વહેલા મળીએ અથવા તો રાત્રે 8 વાગ્યે ઑફિસેથી છૂટ્યા પછી ચાની દુકાને જઈએ અને ચા-પાણી કર્યા પછી છૂટા પડીએ. ત્યારે અમારે ખૂબ વાતો થતી... તેઓની પાસે હું ખુલ્લા હૃદયે વાત કરી શકતો... કોઈપણ પ્રશ્ન, મૂંઝવણ કે માર્ગદર્શન તેમની પાસેથી હું મેળવતો... તેઓની પાસેથી હું ઘણું શીખ્યો... ક્યારેક તેઓના જીવનમાં એવા પ્રસંગો આવતા હતા કે જેથી તેઓ નિરાશ થઈ જતા પણ તેઓ એ વાત મારી સાથે શેર કરતા અને હું તેઓને પ્રોત્સાહન આપવાનું ચૂકતો નહીં. તેઓની ઉંમર વધુ હોવાને કારણે તેઓએ ત્રણેક વર્ષ બાદ નોકરી છોડી દીધેલી... ત્યારબાદ પણ હું તેઓને મળવા તેમના ઘરે જતો... પછી એ મારી સાથે ચાલવા આવતા... એમના ઘરની નજીક આવેલા ગાર્ડનમાં થોડું એ મારી સાથે ફરતા... ત્યારે અમારી ઘણી વાતો થતી...
આ વાતને વર્ષો વીતી ગયા. આજે તેઓ આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ જ્યારે મિત્રની વાત આવી ત્યારે તેઓ મને યાદ આવી ગયા... કે રશ્મિકાંતભાઈ સાથે મારી ઘણી સારી મિત્રતા હતી. આજે હું જે ઉચ્ચ સ્તરે પહોંચ્યો છું તેમાં તેઓનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ હતું. એક મિત્ર તરીકે જ્યારે તેઓ મને કંઈક શીખવતા ત્યારે તેઓ વારંવાર એક વાત મને કહેતા હતા કે, દિનેશ હંમેશા એક્ટિવ રહેજે અને લક્ષ્ય ઊંચું રાખજે. તેમની આ વાત મને ખૂબ ગમતી હતી. રશ્મિકાંતભાઈને એક ખૂબ સારા મિત્ર તરીકે આજે હું ખૂબ મિસ કરું છું.
(દિનેશ પટેલ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર