વૈભવી મારી દોસ્ત
મારું નામ વૈભવ અને મારી ખાસ દોસ્તનું નામ વૈભવી. અમારા નામમાં જેટલી સામ્યતા છે એટલી જ સામ્યતા અમારા ડીએનએમાં પણ છે. કારણ કે, અમે બંને જુડવા ભાઈ-બહેન છીએ. અમારો જન્મ ભલે જુદા જુદા સમયે થયો હોય, પરંતુ માના ગર્ભમાં અમારો વિકાસ એકસાથે થયો છે. જોકે અમારા જન્મમાં પણ પંદરેક મિનિટનો જ ફરક હતો! એક સાથે જન્મ્યાં અને જીવ્યા હોવાને કારણે મારા અને વૈભવી વચ્ચેનું બોન્ડિંગ ગજબ છે. પહેલા દસેક વર્ષ તો અમે લગભગ બધે જ સાથે જ હોઈએ, કારણ કે, ઉછેર પણ એકસાથે થયો અને પછી સ્કૂલિંગ અને ટ્યુશન પણ સાથે જ હોય એટલે ચોવીસ કલાક એકસાથે હોઈએ. અને એકબીજાના સહારાની આદત એવી પડી ગયેલી કે, અમારા બેમાંથી એકાદ જણ પણ આઘુપાછું થાય તો અમે વેવલા થઈ જઈએ.
જોકે પછી થોડી સમજણ કેળવાઈ પછી સ્કૂલમાં અમારા ફ્રેન્ડ્સ બદલાયા અને ટિપિકલ છોકરા-છોકરી સ્ટાઈલમાં મારા ફ્રેન્ડ્સ માત્ર છોકરાઓ હતા તો એની ફ્રેન્ડ્સ માત્ર છોકરીઓ હતી. આ કારણે સ્કૂલ અને ટ્યૂશનમાં અમે અલગ અલગ રહેતા, પણ ઘરે તો સાથે જ હોઈએ. નો ડાઉટ એ દરમિયાન અમે લડતા-ઝગડતા પણ બહુ, પરંતુ અમે જે કંઈ કરતા એમાં અઢળક યાદો સમાયેલી રહેતી. વળી, થોડા મોટા થયાં એટલે પાછા અમારા કોમન ફ્રેન્ડ્સ થવા માંડ્યા અને એક તબક્કે અમારા તમામ ફ્રેન્ડ્સ કોમન થઈ ગયા એટલે ફિલ્મો હોય કે, લોંગ ડ્રાઈવ્સ કે પછી ડિનર હોય કે એકબીજાના ઘરે ધમાલ કરવાની હોય, બધે અમે સાથે જ હોઈએ. મજાની વાત એ છે કે, ઘણી વખત અમે એ ભૂલી જતાં હોઈએ છીએ, કે અમે ભાઈ-બહેન છે! માત્ર રક્ષાબંધનને દિવસે રાખી બાંધવાના ટાઈમે અમને એ વાતનો અહેસાસ થાય કે, 'ઓહ, આઈ એન્ડ રિયા આર બ્રો એન્ડ સીસ!'
કૉલેજમાં પણ એકસાથે એડમિશન લીધેલું કારણ કે, અમને બંનેને આર્કિટેક્ટ્સમાં ઈનટ્રેસ્ટ હતો! એટલે કૉલેજ લાઈફ પણ સાથે એન્જોય કરી. યુવાનીના એ તબક્કામાં અમે અમારી રિલેશનશીપ્સ વિશે પણ એકબીજા સાથે શેર કરતા રહ્યા. આ દરમિયાન અમારા બ્રેકઅપ થઈ જાય તો ફ્રેન્ડ્સને નાતે અમે એકબીજાને સાચવી પણ લીધા છે અને એકબીજાના હાર્ડ ટાઈમમાં ખૂબ સપોર્ટ કર્યો છે.
જોકે હવે વૈભવી એના બોયફ્રેન્ડ નિશિથ સાથે લગ્ન કરી રહી છે અને મારાથી દૂર થઈ રહી છે એટલે જ મને આ દોસ્તી વિશે લખવાનું મન થયું. આમ તો નિશિથ પણ મારો દોસ્ત છે, જેને હું છેલ્લા ચારેક વર્ષથી ઓળખું છું અને એની સાથે અમે ઘણું ફર્યા છીએ અને જામ પણ ટકરાવ્યા છે. આ કારણે મારું અને નિશિથનું ટ્યુનિંગ પણ ઘણું સારું છે. પરંતુ હવે જ્યારે વૈભવીના લગ્ન આડે બે જ મહિના રહ્યા છે ત્યારે મને નિશિથની ઈર્ષા થઈ રહી છે કે, એ મારી બેસ્ટ ફ્રેન્ડને મારાથી દૂર કરી રહ્યો છે. અધૂરામાં પૂરું એ લોકો છ મહિનામાં જ પેરીસ શિફ્ટ થઈ રહ્યા છે. એટલે વૈભવી મારાથી ખૂબ દૂર થઈ જવાની.
હું એ વાત જ સ્વીકારી નહીં શકું કે, કે જે વૈભવી વિના મને એક મિનિટ પણ નથી ચાલતું એ વૈભવી હવે પરણીને એના ઘરે જશે અને મારાથી માઈલો દૂર કોઈ જુદા જ દેશમાં એના પતિ સાથે જીવશે! મને એ દિવસની કલ્પના કરીને જ ટાઢ વાગે છે કે, વૈભવી વિનાનો દિવસ કેવો હશે? પણ ખૈર, એને પણ એની લાઈફ છે અને એની પોતાની પ્રાયોરિટીઝ છે. અને એ એનું ગમતું જીવન જીવન જીવશે તો મને પણ એનો આનંદ તો થશે જ ને? વળી, વૈભવીને પણ મારાથી દૂર જવાનું દુઃખ તો હશે જ ને? પણ લાઈફ તો લાઈફ જ હોય, જીવવા માટે અમુક નિયમોનું પાલન કરવું પડે એટલે અમારે દૂર તો થવું જ પડશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર