ભૂતકાળ બની ગયેલું એક નામ

29 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

ગણેશ મહોત્સવ હજુ હમણાં જ ગયો પરંતુ જ્યારે પણ ગણેશ મહોત્સવ કે ગણેશ વિસર્જનના દિવસો આવે છે ત્યારે મારા શરીરમાંથી કંપારી છૂટી જાય છે અને હું અત્યંત વ્યાકુળ થઈ જાઉં છું. કારણ કે ગણેશ વિસર્જન સાથે મારી ઘણી ખરાબ યાદો જોડાયેલી છે. ચાર વર્ષ પહેલાના ગણેશ વિસર્જનમાં મેં મારો મિત્ર ખોયો છે. ગણેશજીની પ્રતિમાની સાથે એ પણ નદીના પાણીમાં ડૂબ્યો છે. મેં મારી પોતાની આંખે એને નદીમાં વહેતો જોયો છે, ધસમસતા વહેણમાં મેં એને ઘસડાતો જોયો છે. બચવા માટે તરફડતો જોયો છે અને પછી ગણેશજીની મૂર્તિની જેમ જ વમળ લેતા પાણીમાં અદૃશ્ય થતો જોયો છે. એ હોનારતને કારણે મેં મારો મિત્ર તો ખોયો જ, પરંતુ ખળભળાવી મૂકે એવા દૃશ્યો જોયા બાદ મારી અંદર પણ આમૂલ પરિવર્તન આવી ગયું છે અને જીવનની રંગીનીઓમાંથી મારો રસ જ ઉડી ગયો છે!

બધાની જેમ અમે પણ અમારી સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરેલી. રંગેચંગે પાંચ દિવસ સુધી અમે જલસો કરેલો અને બધાએ ભેગા મળીને પ્રેમપૂર્વક ગણેશજીની ભક્તિ કરેલી. અરે, ગણેશજીની સ્થાપના કરવાની હતી એટલે અમે સોસાયટીના જુવાનિયાઓ તો મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દીધેલી. કાર્યક્રમ યોગ્ય રીતે ગોઠવાઈ રહે એ માટે ફાળો ઉઘરાવવાથી લઈને ગણેશજીની સુંદર મૂર્તિ નક્કી કરવાની હોય કે, પછી ગણેશનો પંડાલ સજાવવા માટે બજારમાં રખડપટ્ટી કરીને વિવિધ વસ્તુની ખરીદી કરવાથી લઈને પાંચ દિવસના પ્રસાદ કે પંડાલની સજાવટ સુધીની તૈયારીઓમાં અમે સોસાયટીના મિત્રો ગળાડૂબ થઈ ગયેલા. મિત્રો ભેળા આવા કામો કરવાનો આનંદ પણ કંઈક અનેરો હોય છે. ઘણી બધી યાદો જોડાય જાય છે આ બધી તૈયારીઓ કરતી વખતે.

દર વર્ષની જેમ એ વર્ષે પણ એટલે કે વર્ષ 2011માં પણ અમે ભારે ધામધૂમથી ગણેશચતુર્થીની તૈયારીઓ કરેલી. કૉલેજમાંથી એક અઠવાડિયાની રજા લઈને અમે માત્ર ને માત્ર ગણેશજીના આ તહેવારમાં જ અમારું ધ્યાન કેન્દ્રિત કરેલું. દિવસ કરતા અમને રાત્રે વધુ મજા આવતી કારણ કે રોજ રાત્રે ભજન રાખ્યાં હોય અને પછી ભજન પતે એટલે અમે જુવાનિયા ઉજાગરો કરવા માટે જાતજાતના ગતકડાં કરીએ અને પછી વહેલી સવારે કોઈકને પંડાલનો ચાર્જ સોંપીને ઘરે ઉંઘવા જઈએ! આવું બધું કરવાની મજા જ કંઈક ઓર હોય છે.

આવું કરવામાં પાંચ દિવસો ક્યારે વીતી જાય અને ગણેશજીનું વિસર્જન પણ ક્યારે થઈ જાય એનો કોઈ ખ્યાલ નથી આવતો. દર વર્ષે ગણેશ વિસર્જન વખતે અમે ધામધૂમથી નાચીગાઈને ગણેશજીને નદીકાંઠે લઈ તો જઈએ પણ દિલમાં સતત એક ઉદાસી છવાયેલી રહે છે કે, હવે ઈશ્વર તો ચાલ્યા જ પણ એમની સાથે આમારો સહિયારો આનંદ પણ ચાલ્યો! આવા તહેવારોમાં જ સાથે જીવવાનો લહાવો લૂંટાતો હોય છે.

દર વર્ષની જેમ એ વર્ષે પણ પાંચમા દિવસે ધામધૂમથી ગણેશ વિસર્જનની યાત્રા કાઢી અને અમે મિત્રો ઢોલ અને ડીજેના તાલે ઈશ્વરને એમના ઘર સુધી વળાવવા લઈ ગયા. અમે બધા મિત્રોએ ખૂબ પ્રેમથી નૃત્યો કર્યા. નૃત્યનો શોખીન રાજ પણ ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યો હતો. રાજ મારો સોયાયટીનો મિત્ર તો હતો જ પરંતુ અમે બંને સાથે કૉલેજ પણ કરતા હતા. એટલે રોજ સવારે એક જ બાઈક પર જતાં અને કૉલેજના બધા જલસા પણ સાથે જ કરતા. એ વર્ષ અમારા ગ્રેજ્યુએશનનું છેલ્લું વર્ષ હતું અને બંને સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરવાનું વિચારી રહ્યા હતા.

ગણેશ વિસર્જનને લઈને એ અત્યંત ઉત્સાહમાં હતો. અમારા પંડાલમાંથી ગણેશજીની યાત્રા નીકળેલી ત્યારથી નદીના કાંઠા સુધી એણે અત્યંત ઉત્સાહભેર ડાન્સ કર્યો હતો. દર વર્ષે અમે ચાર-પાંચ યુવાનો જ ગણેશજીની પ્રતિમાનું પાણીમાં વિસર્જન કરતા એટલે એ દિવસે પણ પાણીમાં ઉતરવાની વાતને લઈને એ ઉત્સાહમાં હતો. નદીકાંઠે ગણેશજીની છેલ્લી આરતી કરી પછી હું, રાજ અને અન્ય ત્રણ મિત્રો ગણેશજીની પ્રતિમાને લઈને પાણીમાં ઉતર્યા. આમ તો ભાદરવા મહિનામાં બહુ વરસાદ નથી પડતો પરંતુ એ વર્ષે ભાદરવો બેસતા જ અનરાધાર વરસાદ શરૂ થયેલો, જેને કારણે નદીઓ બંને કાંઠે ધસમસતી હતી.

નદીમાં પાણી ઘણું હતું એટલે અમે પાંચેય જણે નક્કી કર્યું કે, અમારે વધુ અંદર નથી જવું અને કિનારેથી થોડે છેટે રહીને ગણેશજીનું વિસર્જન કરવું છે. ગણેશજીની મૂર્તિ થોડી મોટી હતી એટલે મૂર્તિને સંભાળતા સંભાળતા અમે પાંચેય જણ નદીમાં ઉતર્યા. પાંચમાં દિવસે ઘણા વિસર્જન હતા એટલે કાંઠે પણ ઘણી ભીડ હતી. કાંઠા પરના ડીજે અને લોકોના કોલાહલને કારણે લોકો એકબીજાનો અવાજ પણ સાંભળી શકતા ન હતા. વળી, પાણીમાં પણ વિસર્જન કરનારા પુરુષોની સંખ્યા વધુ હતી એટલે અમને કિનારાથી નજીકની જગ્યા નહીં મળી. આ કારણે અમારે બે વધુ ફૂટ આગળ જવું પડ્યું. અમે પાંચેય જણે ત્રણ ડૂબકીઓ મારીને અમારી મૂર્તિનું વિસર્જન શરૂ કર્યું અને કાંઠેથી અમારી સોસાયટીના સભ્યો, 'ગણપતિ બાપ્પા મોરિયા....' ના નાદે ગણેશજીને આખરી વિદાય આપી રહ્યા હતા.

અમે ત્રીજી ડૂબકી મારી ત્યારે અચાનક કોઈ કારણસર રાજનો હાથ મૂર્તિથી છૂટી ગયો અને એ એક જ ઝાટકે દૂર ફંગોળાઈ ગયો. એક તરફ ગણેશજીની મૂર્તિ અમારા હાથમાં હતી અને બીજી તરફ રાજ દૂર ફંગોળાઈ રહ્યો હતો એટલે એ ક્ષણે તો અમે હેબતાઈ ગયા, પરંતુ પછી અમે મૂર્તિને પાણીમાં વહેતી મૂકીને રાજ તરફ જવાનો પ્રયત્ન કર્યો. રાજ અમારી નજર આગળ લગભગ વીસેક ફૂટ દૂર પાણીમાંથી બહાર આવવા માટે હવાતિયાં મારતો હતો અને ધીમે ધીમે એ દૂર જઈ રહ્યો હતો. બચી જવા માટેનો એનો તરફડાટ આજે પણ મને ક્યારેક સપનાંમાં આવે તો હું ઝબકીને ઊભો થઈ જાઉં છું. એને ડૂબતો જોઈ હું એની તરફ જતો હતો પણ રાજને જોઈને કિનારેથી કૂદી પડેલા તરવૈયામાંના એકે મને રાજ પાસે જતો અટકાવી દીધો અને કડક અવાજે કિનારે જઈને ઊભા રહેવા કહ્યું.

એને ડૂબતો જોઈને કિનારે પણ ખળભળાટ મચી ગયો અને બધા 'બચાવો બચાવો...'ની બૂમો પાડવા માંડ્યાં. રાજ પાણીમાં તણાયો એની પાંચેક મિનિટ સુધી તો એ સપાટી પર આવ-જા કરતો હતો પરંતુ પછી એ સમૂળગો દેખાતો બંધ થઈ ગયો. એ જે જગ્યાએ દેખાતો હતો ત્યાં કિનારેથી કૂદેલા તરવૈયાઓ તપાસ કરી રહ્યા હતા પરંતુ એ ત્યાં જડતો ન હતો. વિસર્જનમાં રાજના મમ્મી-પપ્પા પણ આવેલા અને કિનારા પર એમનો રઘવાટ જોઈ શકાતો ન હતો. એમની આંખો આગળ એમનો જુવાનજોધ દીકરો ઓઝલ થઈ ગયો હતો. એમની જાણે બધીઓ ક્ષીણ થઈ ગઈ અને તેઓ અચાનક નીચે બેસી પડ્યાં. હું પણ પાણીમાં તાજી જ ડૂબકી મારીને આવ્યો હતો એટલે થોડી ઠંડી વાગતી હતી અને એવામાં આ ઘટના બની તો મને પણ ચક્કર આવી ગયા અને હું ત્યાં જ ઢળી પડેલો.

તે દિવસે કિનારે સ્થાનિક માછીમારો અને સરકારે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અમને રાજ ન મળ્યો એ ન જ મળ્યો. એને તણાયાને ત્રણ-ચાર કલાક થઈ ગયા હતા અને ધીમે ધીમે અંધારું પણ વધવા માંડ્યું. જેમ જેમ અંધારું થવા માંડ્યું એમ અમને અંદરથી એ દૃઢ થઈ જ ગયું હતું કે, હવે રાજ જીવતો નહીં આવે. એના મમ્મી-પપ્પાએ પણ બે-ત્રણ કલાક પછી એ સત્ય સ્વીકારી લીધું હતું! એટલે ત્યાર પછી અમે બધા એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે બસ, જલદીથી જલદી રાજની લાશ મળી જાય.

તે રાત્રે તો રાજની લાશ નહીં જ મળી પરંતુ બીજા દિવસે પણ એને શોધી રહેલ તરવૈયાઓની મહેનત પાણીમાં ગઈ. જોકે બીજા દિવસે સાંજે રાજની લાશ થોડે દૂરના એક ગામના કિનારેથી મળી આવી. અમે જ્યારે એની લાશનો કબજો લેવા એ ગામ પહોંચ્યાં ત્યારે એના માથેની 'ગણપતિ બાપા મોરિયા'ની કેસરી પટ્ટી અને એની ફૂલી ગયેલી આંખો ભયાવહ લાગતા હતા. સતત પાણીમાં રહેવાને કારણે તેમજ માછલીઓએ થોડી બગાડી કરી હોવાને કારણે એનું શરીર થોડું કોહવાઈ ગયું હતું. એની પાસે જઈને મેં એની વિસ્ફારિત આંખો બંધ કરી અને એના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. એના શરીર સાથેનો એ મારો છેલ્લો વ્યવહાર હતો. પછી મારે એની પીઠ પર ધબ્બો મારવાનો ન હતો. ન તો બાઈક પર એની લગોલગ બેસીને શહેરના આંટા મારવાના હતા. ન એના ખભે હાથ મૂકીને ક્યાંક લટાર મારવાની હતી કે, એક જ સિગારેટ શેર કરીને એના ધુમાડા ઉડાવવાના હતા. રાજ હવે આ દુનિયાનો નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડનો અંશ બની ચૂક્યો હતો. આમ તો એ ઘણો જલદી ગયો હતો, પણ તો ય એ આ દુન્યવી બાબતોથી ઉપર ઉઠી ગયો હતો. એ જીવમાંથી શિવ બની ગયો હતો!

પછી તો બે કલાકના ગાળામાં જ એની લાશને ઘરે લાવીને એનો અગ્નિદાહ કરાયો. એના પરિવારના સભ્યો જ્યારે એની અંતિમક્રિયા કરી રહ્યા હતા ત્યારે હું પણ એમની લગોલગ ઊભો રહ્યો.  ભલે મારે એની સાથે લોહીના સંબંધ ન હોય પણ એ મારો મિત્ર હતો એટલે મને એનું સૂતક તો લાગ્યું જ હતું! મારો પણ એની સાથે ઉત્કૃષ્ટ, ઉંડો મૈત્રીનો સંબંધ હતો. પછી એને અગ્નિદાહ અપાયો. એનો ચહેરો જોઈ શકાય એ રીતે હું એની સામો ઊભો રહ્યો. ચિતાનો અગ્નિ એના શરીરને નષ્ટ કરી રહ્યો હતો. એનું શરીર ધીમે ધીમે રાખ બની રહ્યું હતું એનો ચહેરો ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. ગણતરીની મિનિટોમાં એ ચહેરો પણ નષ્ટ થવાનો હતો. પછી માત્ર એ ચહેરાને જૂના ફોટોગ્રાફ્સમાં જ નિહાળવાનો હતો. મારો એ દોસ્ત ધીમે ધીમે વ્યક્તિ મટીને યાદ બની રહ્યો હતો. અંતે એનું સમગ્ર શરીર નષ્ટ થયું, હવે ધારીને પણ હું એ શરીરને સ્પર્શી શકવાનો ન હતો. એ શરીર હવે ક્યારેય મારી રાહ જોવાનું ન હતું. ન તો એ શરીર ક્યાંય મારી સાથે મહાલવાનું હતું. અચાનક જ એક જીવ, એક શરીર ભૂતકાળ થઈ ગયા મારે માટે!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.