તીરાડ નહીં પણ જોડાણ
અમારું કુટુંબ ખૂબ મોટું... મારા દાદા-દાદી, મારા પપ્પા-મમ્મી, મારી એક બહેન અને હું. તે ઉપરાંત બીજા બે કાકા અને એમનાં બાળકો બધાં મળીને કુલ 14 વ્યક્તિનું સંયુક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબમાં રમતાં-કૂદતાં, લડતાં-ઝઘડતાં, ભણતાં-ભણાવતાં ટોળામાં અમે બધા બાળકો ક્યાં મોટા થઈ ગયા તેની તો ખબર જ ન પડી.
મારું નામ સંદીપ અને મારા કાકાના દીકરાનું નામ સાગર. અમે બંને લગભગ એક સરખી ઉંમરના અને અમે નાના હતા ત્યારથી સાથે રમતા અને ખૂબ જ લડતા. જે વસ્તુ એની પાસે હોય તે મારે જોઈએ અને જે વસ્તુ મારી પાસે હોય તે એને જોઈએ. પછી જેમજેમ સમજણાં થતા ગયા તેમતેમ લડવાનું ઘટતું ગયું, પછી અભ્યાસમાં જોડાયા... સાથે ટ્યૂશન જવાનું, સ્કૂલે જવાનું અને આજે કૉલેજ પણ સાથે જ જવાનું. સતત સાથે રહેવાને કારણે અમારા કૌટુંબિક સંબંધોને તો જાણે ભૂલી જ ગયા છીએ અને એની જગ્યાએ અમારી ગાઢ મિત્રતા સ્થપાઈ ગઈ. આ ઉપરાંત પણ અમને બધા ભાઈબહેનોને સારી એવી મિત્રતા જેના કારણે ફ્રેન્ડશીપ ડેના દિવસે અમે બધા જ ભાઈ-બહેનો એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીએ. પણ મને વર્ષોથી સાગર સાથે ખૂબ જ ફાવે છે. એક જ ઘરમાં સંયુક્ત કુટુંબમાં રહીએ એટલે ચોવીસે કલાક સાથે જ હોઈએ. અમારી ઉંમર પણ સરખી હોવાને કારણે અમને બાઈક પણ બે જણ વચ્ચે એક લઈ આપેલું એટલે હું અને સાગર એક જ બાઈક ઉપર કૉલેજ જઈએ છીએ. જોકે કૉલેજમાં અમારા ઘણા મિત્રોને આજે પણ ખબર નથી કે અમે બંને ભાઈઓ છીએ...
સૌથી અગત્યની વાત અમારી લાઈફમાં એ છે કે, હું અને સાગર પહેલા ધોરણથી તે આજે કૉલેજ સુધી એક જ ક્લાસમાં ભણ્યા છીએ. ધોરણ 6, 7 અને 8માં ફક્ત અમારા વર્ગો અલગ પડ્યા હતા.. બાકી અત્યાર સુધી એક જ ક્લાસમાં ભણ્યાં છીએ... અમારી ટેવો પણ લગભગ સરખી છે... બાળપણમાં તો એક જ ક્લાસમાં હોવાને કારણે એકબીજાની ચાડી ઘરે કરતા હતા, જેને કારણે અમે વારાફરતી માર પણ ઘણો પડતો. પરંતુ ધોરણ 6-7માં આવ્યા પછી તો એ બાબતમાં અમે સંપ કરી લીધેલો કે, સ્કૂલની કોઈ વાત ઘરમાં કરવાની નહીં... ત્યારથી અમારા બે ભાઈઓમાં સંપ અને મિત્રતાના વધુ પુષ્પો ખીલ્યા હતા, કારણ કે અમારી વચ્ચે ગુપ્તતા ઘણી હતી.
અમારું સંયુક્ત કુટુંબ હોવાને કારણે ઘણી વાર કુટુંબમાં કોઈક વાતે મનદુઃખ અથવા મતભેદ થતા હોય છે. પરંતુ મેં અને સાગરે નક્કી કર્યું છેકે, આપણા બે ભાઈઓ વચ્ચે અને આપણી મિત્રતા વચ્ચે કુટુંબની કોઈ વાત આવવી જોઈએ નહીં. જે દિવસે અમે મિત્રો તરીકે એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યા હતા ત્યારથી આજદીન સુધી અમે મિત્રો તરીકે જ રહીએ છીએ.
અમને બંને ભાઈઓને નાટકનો ખૂબ શોખ છે. અમે કોલેજના મિત્રોને સાથે રાખીને એક નાટક પણ તૈયાર કર્યું છે. તે નાટકમાં પણ અમારું પાત્ર મિત્રો તરીકેનું જ છે... અમારું આખું કુટુંબ જાણે છે કે, એ બંને ભાઈઓ સાથે જ હશે. એટલે અમને બંનેને બધે જ જવાની છૂટ મળે છે... ઘણી વખત રાત્રે નાટકની પ્રેક્ટીસ માટે ઘણું મોડું થઈ જાય છે... ત્યારે પણ અમને બંનેને એકબીજાનો સાથ હોવાને કારણે ગમે તેટલું મોડું થાય તો પણ અમારા ઘરે ઠપકો સાંભળવો પડતો નથી...
જો કે, મારા પપ્પા અને સાગરના પપ્પા તો સગા ભાઈઓ છે... અને અમે બંને તો સગા ભાઈઓ ઉપરાંત મિત્રો વધારે છીએ... એટલું જ નહીં પણ મારી બહેન અને સાગરની બહેન વચ્ચે પણ ખૂબ સારી મિત્રતા છે... એટલે ફ્રેન્ડશીપ ડેના દિવસે અમારા ઘરે તહેવાર જેવું વાતાવરણ હોય છે...
મેં ઘણા સંયુક્ત કુટુંબોમાં તીરાડો પડેલી જોઈ છે... પણ અમારા કુટુંબમાં તીરાડો તો નથી જ. ઉપરાંત મિત્રતાનું ચલણ વધારે છે...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર