મિત્રતામાં કદી માગણી ન આવે

07 Jul, 2015
12:00 AM

PC:

આમ તો મિત્ર માટે અનેક પર્યાય શબ્દો છે પણ હું મિત્રતાને એક મધપૂડો માનું છું. એવો મધપૂડો કે જેમાં અનેક મધમાખીઓ બેઠી હોય, જેઓ જુદા જુદા ફૂલોનો રસ ચૂસીને લાવે, એક સાથે બેસીને ગણગણે અને બધી મધમાખીઓ ભેગી મળીને મધ તૈયાર કરે. પણ શું તમે કોઈ એકલી મધમાખીને મધ તૈયાર કરતી જોઈ છે કદી? અને જોવા જેવી વાત તો એ છે કે, જો કોઈ એમના મધપૂડા પથ્થર મારે તો બધી એક સાથે તૂટી પણ પડે. છે ને મિત્રતાનો સથવારો?

આજે મને મિત્રો વિશે લખવાની તક મળી છે ત્યારે મનમાં અનેક પ્રસંગોની ભરમાર ચાલે છે. અનેક કિસ્સા આંખ સામે આવે છે. તો અમુક હૈયે અને હોઠે ચડી બેઠા છે. શું લખવું ને શું ન લખવું એની ગડમથલ ચાલી રહી છે. કલમ અને કાગળ છે પણ તે પહેલા મારાં મિત્રો આગળ છે. દોસ્તી શબ્દ માત્ર અઢી અક્ષરનો છે પણ એનું મૂલ્ય આંકવા બેસીએ તો અઢી ભવ પણ ઓછા લાગી શકે છે. કેમકે દોસ્તી શબ્દ સાથે સ્નેહ અને પ્રેમ જેવા અન્ય બે અઢી અક્ષરો પણ જોડાયેલા છે. મિત્ર શબ્દને કંડારવો ઘણો અઘરો છે કારણ કે, જેમાં લાગણીનું પ્રમાણ વધુ તે તત્ત્વ કંડારી શકાય નહીં. છતાં આજે મિત્રો અને મિત્રતાને કંડારવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. વાત મિત્રોની કરવી છે તો ઉપમા પણ અનેક આવશે કારણ કે સાહિત્યમાં ડોકિયું કરવાની મારી આદત છે.

વાત, માંડીને કરું તો સ્કૂલમાં અનેક મિત્રો બન્યાં હતાં. બાર ધોરણ સુધીમાં પાંચ સ્કૂલમાં અભ્યાસ એટલે સ્વાભાવિક છે કે દર ત્રીજા વર્ષે નવા મિત્રો બનવાનાં. શાળાના મિત્રો સાથે આખું બાળપણ વીતાવ્યું. મિત્રો સાથે દિવસ પસાર કરવાની આદત જ થઈ ગઈ હતી. સવારે સ્કૂલે, બપોરે શેરીમાં, બપોર પછી ટ્યૂશન અને શેરીની બેટ-બોલની રમતમાં પણ મિત્રો સાથે જ હોય. કાળક્રમે શાળાનું ભણતર પૂરું થતાં અલગ-અલગ વિષયોમાં જતા રહેવાયું અને એ મિત્રો હવે માત્ર સહપાઠી બની ગયા. સ્કૂલનાં એ મિત્રો મુઠ્ઠીમાંથી સરકેલી રેતી હવામાં ફંગોળાય એમ દૂર-દૂર ઉડવા લાગ્યા. આજે વળી એમાનું કોક ક્યારેક સામે મળે તો હળવું સ્મિત અને તું શું કરે છેની રસમ પૂરી થઈ જાય છે. સ્કૂલ સમાપ્ત થયાં પછી એવું લાગે છે કે, મિત્રો જિંદગીમાં આવ્યા શું ને ગયા શું?

કોલેજમાં પ્રવેશ મેળવ્યો તો ભગવાનને પ્રાર્થના કરી કે અહીં મને સારા મિત્રો મળે એમ નહીં, પણ હું કોઈનો સારો મિત્ર બની શકું. ભગવાને પણ મને તથાસ્તુ કહી દીધું હોય તેમ કોલેજમાં મને સારા મિત્રો મળ્યા અને જીવન ફરી તાજુંમાજું થવા માંડ્યું.

કોલેજમાં અમારું ગ્રુપ બન્યું સાત મિત્રોનું. એટલે અમારી મિત્રતાને સપ્તઋષિના તારાની ઉપમા આપી શકાય. મિત્રો સાથે સમય વીતતો ત્યારે ઘડીયાળના કાંટા પણ થંભી ગયા હોય એવું લાગતું. કોલેજમાં મિત્રો એવા મળ્યાં કે, કોલેજ મારે માટે સાંદીપનિનો આશ્રમ બની ગઈ.

મારા મિત્રો જયદીપ, સુનીત, નયન, ચિંતન, મયુર, સુધીર અને હું કોલેજમાં દરેક સમયે સાથે રહેતાં. સાથે બેસવું, સાથે અસાઈમેન્ટ તૈયાર કરવાં, ચાલું લેક્ચરમાં સાથે કોમેન્ટ પાસ કરવી, પાછું ચૂપચાપ હસી લેવું, મજાક કરવી, પરીક્ષાની સાથે તૈયારી કરવી, આઈએમપી પ્રશ્નોના મેસેજ કરવાં, સાથે ફિલ્મો જોવી, સાથે આલુપુરી અને રસાવાળા ખમણની મોજ માણવી, ક્યારેક તાપીનાં કિનારે આવી સાથે બેસી ગપ્પાં મારવા, કોલેજ કેમ્પસમાં મોર્નિંગમાં સાથે ડાન્સ કરવો, રીસેસ ટાઈમમાં લોબીમાં હસી-મજાક કરવી, છોકરીઓ પર કોમેન્ટ કરવી, ક્યારેક ચોકના નાના ટુકડા કે કાગળના ડૂચાં કરી એકબીજા પર ફેંકવા અને આવું તો ઘણું બધું. આ તો હાથવગા છે એવા પ્રસંગોની વાત કરી. બીજા કેટલાય તો યાદ પણ નથી આવતા.

કોલેજમાં સાથે હતાં ત્યારે મારાં મિત્રો મને ચીડવવાનું વધારે પસંદ કરતા. હું એકલો બધાને મનોરંજન આપું, અને તેઓ સાથે મળીને મને. હું શરીરે થોડી જાડી કાઠીનો એટલે મારી મજાક કરવાં તેમનું આ હાથવગું હથિયાર. કેમ્પસમાં કોઈ જાડી છોકરી જુએ એટલે તરત જ મારી તરફ બધાં આંગળી ધરે. કોઈ કહે ચાલશે, તો બીજો કહે ચાલે જ ને ત્યાં તો ત્રીજો ટાપસી પૂરે, આ નહીં પેલી બરાબર જોડી જામે તેવી છે. આવું હળવું મનોરંજન કરી નાખે, મને પણ મજા આવે. હું રહ્યો થોડો ટીખળી એટલે ક્યારેક તો એમનાં પહેલાં હું જ બોલી ઊઠું.

આમ પણ, આવાં કિસ્સા ન બને તો મિત્રના સ્મરણોમાં વાગોળવું શું? મારા મિત્રો એકથી એક ચડિયાતા. બધા નવી-નવી વાતો એકબીજામાં ફેરવે. પહેલાં પણ કહ્યુંને કે સાત મિત્રોનું ઝુંડ એટલે સંગીત સાથે પણ સાંકળવાનું મન થાય. સાતેય સૂરો રેલાય તો જ તાલ મળે. એમ અમારે પણ સંગીત બનાવું હોય તો સાતેયનો સાથ જરૂરી. એક સૂર ન મળે તો સરગમમાં દમ ન રહે. ઘણી વાર અમે એવું પણ વિચારતાં કે, સૌથી સારું ગાઈ કોણ શકે. હું તો સૂરમાં થોડો રસ ધરાવું એટલે ગાવા માંડુ. પણ દોસ્તો, કહે તારો આ ફાટેલાં સ્પીકર જેવો અવાજ દુશ્મનોને સંભળાવજે, એટલે તેઓ તારાં ચરણમાં આવી જશે!

કહેવાય કે હાથની પાંચેય આંગળીઓ પણ ક્યારેય એક સાથે નહીં રહી શકે. તેને પણ થોડું અંતર જોઈએ. તેમ અમારે પણ ક્યારેક વાતનું વતેસર થયું છે. પરંતુ એ વાતેસર મતભેદ પૂરતું જ સિમિત રહ્યું છે. કોઈ વાતને લઈને અમારા મિત્રોમાં મનભેદ થયાંનો કોઈ કિસ્સો બન્યો નથી. મિત્રોમાં આવું હોવું જ જોઈએ. મિત્રતા એક એવું ગૂંચળુ છે કે તેમાં આંટી પડે તો તોડવી નહીં. તોડવા જઈશું તો ગાંઠ વાળવી પડશે અને ગાંઠ ફરી ન છૂટે તેની ક્યાં ગેરન્ટી હોય છે?

અમે મિત્રો સાથે મળી ક્યારેક તાપીના પુલ પરની મજા પણ માણવા જતાં. સંજોગોને કારણે બધાં સાથે ન જઈ શકતાં. પણ મોડી સાંજે એ મગફળી, મકાઈનો અલ્પાહાર કરતાં ગોસીપથી પેટ ભારે લાગતું. ઠંડા પવન સાથે વાતોનો વંટોળ પણ ભારે જામે. કોલેજની વાતથી માંડી શેરીની ધૂળ સુધીની વાતો કરતાં. સાંજના સમય અને મિત્રોની વાત આવે ત્યારે અમે એક જાણીતો ગુજરાતી શેર યાદ આવે છે,

આખા શહેરના બળતાં મકાનોને કળ મળે,ક્યારેક મોડી સાંજે બધા મિત્રો ગળે મળે.

અમે બધાં મિત્રોએ એક વાર સાપુતારાનો પ્રવાસ કર્યો. ત્યારે સાપુતારાની હરિયાળી કરતાં અમારાં દિલ વધુ લીલીછમ બની ગયેલા. ત્યાંનો એક પ્રસંગ યાદ આવે છે. અમે નક્કી કર્યું કે આ ઉંચા ડુંગરા પર ચડી વારાફરતી મિત્રોના નામની બૂમો પાડવી. જેટલા જોરથી બૂમ પાડી શકીએ તેટલી પાડવી. બધાં તૈયાર થયાં. વારાફરતી બૂમો પાડવા લાગ્યાં. જેટલી જોરથી બૂમ પાડીએ તેટલા વધારે પડઘાં સંભળાય. પડઘા સાંભળવાની ભારે મજા પડતાં બધાં જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. મજા વધી અને બૂમો પણ વધી, પછી થાક્યાં તો બૂમ પાડવાનું બંધ કર્યું. પણ બીજે દિવસે સવારે કોલેજમાં એકબીજા સાથે વાત કરીએ તો બધાનાં ગળા બેસી ગયાં. કોઈ ધીમા અવાજે બોલે તો કોઈ બોલવાનું ટાળી હસી દીધું. પણ સાપુતારાના પડઘાની લહાયમાં અમારાં બગડેલા ગળાની હાલત આજે પણ પડઘાં કરતાં વધુ યાદ આવે છે.

ઘણી વાર સાથે મળીને વિચારીએ કે આપણી કારકિર્દી કેવી હશે? ક્યારેક કોઈ કહે હું તો આ બનીશ. બીજો વળી કહે મને તો આમાં રસ છે. હા, કારકિર્દીનું વિચારતાં પણ અમે કોલેજ સાથે પોકેટ મની કમાવાનું પણ ચાલુ રાખ્યું. બધાં નાની નાની નોકરી કરીએ. કોઈ ક્લાસીસમાં તો કોઈ ટેલરિંગમાં, કોઈ સેલ્સમેન તો કોઈ દુકાન સંભાળે. સાથે મળી રોજ એકબીજાના નોકરીના અહેવાલો પૂછવાની અમારી આદત. તો વળી, કોઈ કહે મારો પગાર વધ્યો તો પાર્ટીની પણ માગણી તો ખરી જ.

મારાં મિત્રોમાં ચિતંન, જયદીપ અને નયન સાથે હું થોડો વધારે નજીક. કારણ કે અમારાં ઘર નજીક, અમારા વતન નજીક, અમારાં નોકરીનાં સ્થળ નજીક તો સંબંધોના તાંતણા પણ નજીક. કોઈક બાબતે તાત્કાલિક મળવું હોય તો તેમનો સંપર્ક વધુ થાય. મયુરનો દરજીનો ધંધો એટલે તેની દુકાને અવાર-નવાર જઈ ચડીએ. ક્યારેક કોઈ કાર્યક્રમમાં કોઈ મિત્ર ભાગ લે તો તેનો ઉત્સાહ વધારવા અમે પણ હાજર રહીએ. ફી ભરવાની કે આઈકાર્ડ કે અન્ય લાઈનોમાં એકસાથે ઘુસણખોરી કરીએ. રોજ રિસેસમાં સાથે સમાચારો વાંચવા પણ જઈએ. મને સમાચારોની વધુ આદત એટલે મિત્રો કહે પત્રકાર બની જા!

મિત્રો માટે ફરી ઉપમા આપવી છે. મેઘધનુષની. અમારી દોસ્તી મેઘધનુષની જેમ રંગબેરંગી છે. કદાચ બધાનાં પારિવારીક વિચારો અલગ પણ અમારાં વિચારો તો સરખા જ. અમે બધા લોહીના સંબંધે નહીં પણ લાગણીના સંબંધે તો એક જ.

જો કે મારાં મનમાં એક વસવસો કાયમ રહી ગયો કે મારાં દોસ્ત જયદીપના લગ્નમાં ન જવાયું. વતનમાં લગ્ન હતા એટલે થોડી ખરીદી કરીને દિવસો પહેલા ત્યાં જવાનું નક્કી કરેલું. પણ લગ્નને દસ દિવસ બાકી ત્યાં જર્નાલિઝમમાં નોટીસ બોર્ડ પર નોટીસ આવી. આવતાં વીકમાં તમારી સેમેસ્ટર એકઝામ! જે પ્રસંગ માટે હરખ સમાતો ન હતો એ બધો હરખ પડવારમાં ભાંગી પડ્યો. પહેલી વખત ગ્રુપમાં કોઈ મિત્રનાં લગ્ન થઈ રહ્યા હતા અને એને લઈને હું અત્યંત આનંદિત હતો. પણ હું જ એમાં જઈ ન શક્યો. આ વાતની જયદીપ સાથે વાત કરી તો તેને મારાં કરતાં વધુ દુઃખ થયું. પણ અમારી સમસ્યાનો હલ અમારી પાસે ન હતો. જયદીપે કહ્યું વાંધો નહીં પરીક્ષા તો આપવી પડે. લગ્નમાં નહીં જઈ શક્યાનો વસવસો મને હજુય કોરી ખાય છે.

આજે બધા પોતાની આવડત મુજબના ક્ષેત્રમાં કાર્યરત છે. હવે મળવાનો સમય થોડો ઘટતો જાય છે. હા, પણ જીવનમાં અમુક પળોનો સામનો કરવો ગંભીર થાય ત્યારે ફોન અને મેસેજનો જરૂર થાય છે. મિત્રો, જાણે કે અજાણે તમારી સાથે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને હા, તમારી ભૂલ હોય તો માફી માગી લેજો. માફી ફ્રીમાં મળશે તેવું હું હંમેશાં કહેતો!

અમારી મિત્રતા અખંડ છે અને રહેશે. સમય વીતે પણ સંબંધો ન વીતે. મારાં મિત્રો આજે પણ એટલાં જ નજીક છે જેટલાં નજીક તેઓ કોલેજકાળમાં હતાં. સાચી મૈત્રીમાં સમય અને સંજોગ મુજબ મિત્રો ભલે એકબીજાથી દૂર થઈ જતાં હોય પરંતુ મિત્રતા નામના તત્ત્વને ક્યારેય કાળનો કાટ લાગતો નથી. એટલે જ મને કહેવાનું મન થાય છે કે,

મિત્રતામાં ના કદી માગણી આવે,મિત્રતામાં તો ફક્ત લાગણી આવે,દોસ્તી તો છે ધૂપ-છાંવના પડછાયા,ઘડીક રૂઠામણી તો ઘડીક મનામણી આવે.

(મનિષ સખીયા)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.