ચાલને ફરી રમીએ બોલ-બેટ...

10 May, 2016
12:00 AM

mamta ashok

PC:

આજે ફરી વખત બાળપણના બધા મિત્રોને યાદ કરી રહ્યો છું.. આમ તો વારંવાર મારા અનેક મિત્રોને યાદ કરું જ છું... સાથે પસાર કરેલો સમય... બાળપણથી માંડીને છેક લગ્ન થયા ત્યાં સુધીની અમારી મિત્રતા અને એમાં એક જ વ્યક્તિ મારા જીવનમાં ખાસ મિત્ર તરીકે આવી છે... જે લગ્નની બાદ પણ અમારી મિત્રતા અકબંધ રહી છે... અને અમારા બંનેના કુટુંબીજનો પણ મિત્રો ઉપરાંત નજીકના સંબંધો ધરાવીએ છીએ...

નાનપણમાં અમારા ફળિયાના બધા મિત્રો સાથે મળીને રમતા... રોજ સાંજ પડે એટલે બધા જ મિત્રો ફળિયાના નાકા પર આવેલ લીમડાના ઝાડની ફરતે બનાવેલા ચોતરા પર ભેગા થઈએ... અને રમતો રમવાનું શરું... એજ જગ્યા ઉપર લગભગ રસ્તા ઉપર જ અમે ક્રિકેટ રમીએ...

બધા સાથે જ ટ્યૂશન અને સ્કૂલે જતા... આમ તો બધાને એકબીજા સાથે સારી મિત્રતા હતી.... લડવા-ઝઘડવાનું તો ક્યારેક જ થતું. બધા હળીમળીને જ રહેતા. પણ મારે ખાસ મિત્રતા હતી વિશાલ સાથે... એનો સ્વભાવ મળતાવડો અને ખુશમિજાજી.... બધા મિત્રોથી ઉપરાંત એની સાથે મારે ખૂબ નિકટની મિત્રતા... વિશાલ મારા ઘરની બિલકુલ સામેના ઘરે જ રહેતો... નાનપણથી જ અમારી મિત્રતા હતી... એક જ સ્કૂલમાં ભણતા હતા... હું વિશાલથી એક વર્ષ મોટો...

કોલેજ સમયમાં પણ અમે સાથે હોઈએ... અમને બંનેને ક્રિકેટનો ખૂબ શોખ... અમારા ઘણાં મિત્રો દૂર-દૂર સુધી અમને ક્રિકેટ રમવા બોલાવતા.. અમે જ્યારે પણ ઘરની બહાર હોઈએ તેટલો સમય અમે સાથે જ હોઈએ... અમે બંને કોલેજ તરફથી પણ ક્રિકેટ રમવા જતા.. કોલેજમાં તો અમારી જોડીનું નામ થઈ ગયેલું - આકાશ અને વિશાલની જોડી... એક વખત અમે કોલેજ તરફથી ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે મારા 55 રન થયા હતા અને વિશાલના 74 રન થયા હતા... સૌથી વધુ રન વિશાલના હતા... અને તેનાથી ઓછા મારા હતા ત્યારથી અમારા બંનેની જોડી ક્રિકેટની બાબતમાં કોલેજમાં વખણાતી થઈ ગઈ હતી.

લગ્ન પછી પણ કોઈક વાર ક્રિકેટ રમવા જવાનું થાય છે.. જો કે હવે ક્રિકેટ રમવા જવાનું પ્રમાણ ઘટી ગયું છે. છતાં પણ અમારા બંનેની જોડીને ક્યારેક ક્રિકેટ રમવાનું આમંત્રણ મળે તો અમે એ તક છોડતા નથી...

મારા લગ્ન થયાના બીજા વર્ષે જ એના પણ લગ્ન થઈ ગયેલા... અમારા બંનેની પત્નીઓ પણ બહેનપણી બની ગયેલી... અને અમારા બંનેનાં બાળકો પણ મિત્રો બનીને આજે સાથે રમે છે... દરેક સુખ-દુઃખમાં અમારા બંનેના કુટુંબો સાથે જ હોય... આજે અમારી જેમ જ અમારા બાળકો પણ એક જ વાનમાં સ્કૂલે જાય છે... ત્યારે એ દૃશ્ય જોઈ અમને ખરેખર આનંદ થાય છે...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.