પુલકિત એટલે રોમાંચ એટલે દોસ્ત
નામ એનું પુલકિત. જોડણી કોશ આ નામનો અર્થ 'રોમાંચિત' આપે છે. અને પુલકિતની બાબતે એના નામનો અર્થ સાચો પણ પડે છે. કારણ કે સાથેના લોકોને પળેપળે રોમાંચિત કરવા એ એની હૉબી છે. જેટલું વિશાળ એનું શરીર છે, એટલું જ વિશાળ એનું દિલ અને એવા જ વિશાળ એનાં સપનાં પણ!
પુલકિત સાથેની મારી પહેલી મુલાકાત કંઈક વિચિત્ર રીતે થયેલી, થોડી ગરમાગરમ થયેલી. એક દિવસ ઓફિસમાં હું મારા બોસ સાથે મિટિંગમાં હતો. મિટિંગમાં અમારી કંપનીના ભવિષ્યના આયોજનો વિશેની વાતચીત ચાલી રહી હતી અને હું એ અંતર્ગત મારા વિચારો રજૂ કરી રહ્યો હતો. એવામાં કોન્ફરન્સ રૂમનો દરવાજો સહેજ ખૂલ્યો અને એમાંથી એક પહાડી માણસે ડોકીયું કર્યું. બૉસે એને અંદર આવવા કહ્યું અને મસ્તકે શીખાધારી એ યુવાન મારી બાજુમાં આવીને ગોઠવાયો. બૉસે અમારી ઓળખાણ કરાવી એટલે અમે હાઈ હેલ્લો કર્યું અને બૉસે એને પણ અમારી ચર્ચામાં ઈનવોલ્વ કર્યો.
અમારી ચર્ચામાં એણે એનો પ્રતિભાવ આપ્યો, જે મારા પ્રતિભાવની સાવ વિરુદ્ધ છેડાનો હતો. મને એ ખટકી આવ્યું. આમ પણ નવા માણસ સાથે મને એડજસ્ટ થતાં વાર લાગે અને એવામાં આ આગંતુક મારા વિચારોને પડકારે, તો એ વાત મારો ઈગો ચલાવી લે એમ ન હતું. એનાં વિચારની સામે મેં પણ મારી દલીલ મૂકી. એનાં પ્રતિઉત્તરમાં એણે બીજી દલીલ મૂકી. આમને આમ થોડા સમય સુધી ચાલ્યું અને હું મિટિંગ પતાવીને મારા કામે વળગ્યો.
ત્યારબાદ બે-ત્રણ દિવસ થયાં હશે અને એ ફરી મને ઓફિસ પર મળવા આવ્યો. મને કહે કે, 'મારે ડુમસમાં ફલાણું કામ છે. તું પણ સાથે આવે તો સારું.' કામ ઓફિસને લગતુ હતું એટલે મેં ના નહીં પાડી અને કમને પુલકિત સાથે ડુમસ ગયો. એક તો એનું તોતિંગ શરીર અને એમાં એનું તોતિંગ બુલેટ! બુલેટ પર એની પાછળ જ્યારે હું બેઠો ત્યારે મને આગળનો રસ્તોય નહોતો દેખાતો એવો ઘાટ થયો. ને એવામાં એણે બુલેટ પૂરપાટ હંકારી મૂકી. મને એના પર ભારે ખીજ ચઢી કારણ કે, એક તો મને ગતિની સખત બીક અને આ અજાણ્યો માણસ મને વાયુવેગે ઉડાવી રહ્યો હતો.
ડુમસ પહોંચીને અમે અમારે કામે વળગ્યા. કામ પતાવતા સહેજે કલાક વીતી ગયો અને એવામાં અચાનક માથેનું આકાશ ગોરંભાયું. જૂન મહિનો બેઠાને ચાર-પાંચ દિવસો થઈ ગયેલા એટલે પહેલા વરસાદની વકી તો હતી જ પરંતુ આમ અચાનક જ આકાશ ગોરંભાઈ જશે એની અમને ખબર નહોતી. અમે દરિયા કિનારે હતા અને અચાનક જ સુસવાટાભેર પવન શરૂ થયો. અમને ખ્યાલ આવી ગયો કે, આ વરસાદ ગણતરીની મિનિટોમાં તૂટી પડશે. પણ વરસાદ માટે અમારી કોઈ તૈયારી ન હતી. અમારા મોબાઈલ સાચવવા માટે પોલિથીન બેગ સુદ્ધાં અમારી પાસે ન હતી.
મોસમની આવી રોમેન્ટીક હિલચાલ જોઈને મેં મનમાં ને મનમાં જીવ બાળ્યો કે, 'આ નસીબ પણ કેટલું આડુ છે કે, ડુમસના દરિયે મોસમનો પહેલો વરસાદ માણવાની તક મળવાની, પણ સાથે કોઈ પ્રિયજન નથી. અને સાથે જે છે એના પર ભારોભાર એતરાજી છે!' એનાં મનમાં પણ કંઈક આવું જ હશે, જેની પ્રતીતિ મને રહી રહીને થઈ રહી હતી! પણ અમે બંને એ સમયે લાચાર હતા એટલે એ સમયે એકબીજાના મોઢાં જોયા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.
અવઢવ અને એતરાજીની આ લાગણીઓ હજુ જન્મી જ હતી ત્યાં તો એકાએક વરસાદ તૂટી પડ્યો અને અમારે અમારા બચાવ માટે ડુમસના કિનારેની કોઈક લારીના છાપરાની પનાહ લેવી પડી! એક તરફ ઠંડી વાછટ ધરાવતો પહેલો વરસાદ, એના ફોરા ડિલને અડે તો નાચી ઉઠવાનું મન થાય! વળી, સામે ડુમસનો દરિયો અને નજીકમાં જ ટામેટાંના ભજીયા! પણ સાથે જે માણસ ઊભો હતો એની મને ખરજ હતી.
જોકે વાતાવરણ એવું સુંદર હતું કે, અમે બંનેએ એકબીજા સાથે વાતો શરૂ કરી અને અમારા રસના વિષયો કે ભાવતી વાનગીઓ વિશેની ચર્ચા શરૂ કરી. વાતો દરમિયાન વળી એ નવી જાણ થઈ કે, અમારી પસંદગીઓ પણ ઉત્તર-દક્ષિણ ધ્રુવોની છે. એ દરેક બાબતે બ્રાન્ડ કોન્સિયસ હતો અને હું દરેક વાતે કામ કોન્સિયસ (એટલે કે, કામ ચાલવું જોઈએ. દાખલા તરીકે મારા માટે પગમાં જોડાં હોવા એ મહત્ત્વનું છે. પછી એ જોડાં રિબોક, વુડલેન્ડ કે રસ્તા પરના હોય એની સાથે મારે ક્યારેય લેવાદેવા નથી રહી!) એટલે આ માણસ સાથે આપણને ક્યારેય નહીં ફાવે એવી મારી માન્યતા વધુ દૃઢ થઈ.
વરસાદની મજા લેવા માટે મેં ચહા અને સિગારેટ મગાવી. આમ પણ ધોધમાર વરસાદમાં અમારી પાસે કોઈ કામ નહોતું. અમારી આવી-તેવી વાતો ચાલતી રહી. એ મને જાતજાતની વાતોથી અવગત કરાવતો ગયો, હું મારા સ્વભાવની વિરુદ્ધ એને સાંભળતો ગયો. વચ્ચે વચ્ચે ક્યાંક હું પણ બોલતો રહ્યો. આમને આમ અમે કલાક કાઢી નાંખ્યો. જોકે સતત ચાલેલી અમારી વાતચીતને કારણે અમને એકબીજાનો યોગ્ય પરિચય જરૂર થઈ ગયો હતો, જેના કારણે અમે એકબીજાની થોડાં નજીક આવ્યા.
કલાક-દોઢ કલાકની એ વાતચીત દરમિયાન મને અમારી વચ્ચે એક જ સામ્યતા દેખાઈ હતી અને એ સામ્યતા હતી, કાણાંને કાણો કહી દેવાની નિખાલસતા! મને એ માણસ એટલે પણ ગમવા માંડ્યો કે, એણે કોઈ પણ દંભ વિના, નિખાલસતાથી પોતાની જાતને રજૂ કરી હતી. વરસાદ થોડો બંધ થયો અને વાતાવરણમાં ગજબની સોડમ પ્રસરી. એ સોડમને શ્વાસમાં ભરીને અમે સુરત તરફ નીકળ્યાં. આ વખતે મેં એને ચોખ્ખું કહી દીધું કે, મને ગતિ પસંદ નથી અને હમણાં રસ્તા પણ ભીના છે. એટલે તારે જો બુલેટ પૂરપાટ હાંકવી હોય તો હું ઓટોમાં આવી જાઉં!' પણ એણે મને અત્યંત માનપૂર્વક કહ્યું કે, 'વાંધો નહીં, તું કહેશે એ રીતે હું હંકારીશ.' એ દિવસે સુરત આવીને અમે ફરી એક લારીએ ચ્હા અને સિગારેટ પીધી અને થોડીઘણી વાતો કરી. એ મુલાકાત પછી મેં વિચાર્યું કે, ચાલો ઠીક છે. ઓફિસમાં તો આ માણસને નિભાવી લેવાશે. દિલનો તો સાફ છે આ માણસ!
એમને એમ અમે ફેસબુક પર ફ્રેન્ડ થયાં અને થોડા દિવસો પછી અમે એકબીજાના નંબર્સ પણ શેર કર્યાં. ઓફિસના એક-બે પ્રોજેક્ટ્સ પર અમે સાથે કામ પણ કર્યું, જેમાં અમને બહુ વાંધો નહીં આવ્યો.
એ દરમિયાન પાટીદાર આંદોલનને પગલે સુરત સહિત ગુજરાતમાં હિંસા ફાટી નીકળી અને સુરતના કેટલાક વિસ્તારોમાં તો રીતસરના કર્ફ્યુ લદાયા. હું મૂળ સુરતનો નથી અને રોજ અંકલેશ્વરથી અપડાઉન કરું છું. કામને કારણે કોઈ પણ ભોગે મારે સુરત આવવાનું જ હતું એટલે શહેરમાં તણાવ હતો એ દિવસે પણ હું અહીં સુરતમાં આવેલો. હિંસા દરમિયાન મને અંગતપણે કોઈ ટેન્શન ન હતું પરંતુ તોય શહેરનું વાતાવરણ જોઈને પુલકિતનો મારા પર ફોન આવ્યો કે, 'આ પરિસ્થિતિમાં તારે સ્ટેશન તરફ જવાનું નથી. આજે રાત્રે તું મારે ત્યાં રહી જા. હું તને લેવા આવું છું.'
મને એની આ વાત સ્પર્શી ગઈ. એ ન તો મારા સગામાં હતો કે નહીં તો એની અને મારી એવી કોઈ ગાઢી મિત્રતા હતી. પણ તોય એણે મને ફોન કર્યો. એ ફોનકોલ બાદ મારા અહંને કારણે મારા દિલમાં મેં એના માટે જે એક દરવાજો બંધ રાખેલો હતો એ દરવાજાના એણે તોડીને ટુકડા કરી નાંખ્યાં હતા. મને હવે એ માણસ ગમવા માંડ્યો હતો!
એ દિવસે તો મને એવી કશી જરૂર નહીં જણાઈ એટલે હું એના ઘરે નહીં ગયો. પરંતુ એ દિવસ પછી અમારી દોસ્તી જામવા માંડી. મૂળે એ અલગારી જીવ એટલે એ ઓફિસે નિયમિત નહીં આવે. પરંતુ જ્યારે આવે ત્યારે સૌથી પહેલા એ મારી પાસે આવે અને અમે અમારી ગોઠડી માંડીએ. તો ક્યારેક વ્હોટ્સ એપ પર લાંબી વાતો કરીએ. હવે અમને એકબીજાની કંપની ગમે છે. ક્યારેક સાથે ખાવા-પીવા પણ જઈએ છીએ.
અમારી દોસ્તીને બહુ લાંબો સમય નથી થયો. અમે એવા ગાઢ મિત્રો પણ નથી થયાં કે એકબીજા સામે ઠલવાયા વિના નહીં ચાલે કે એકબીજા સાથે અમુક સમય ફરવા જોઈએ એટલે જોઈ જ! પણ ગઈ કાલે પુલકિતનો જન્મ દિવસ હતો અને મને એના માટેની મારી લાગણીઓ વ્યક્ત કરવાની ઈચ્છા હતી. એટલે જ એને આ શબ્દોની ભેટ આપી. ફરી એક વાર જન્મ દિવસની શુભકામનાઓ પુલકિત! નામને સાર્થક કરતો રહેજે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર