યાદ આવે છે એ જીવન
વડોદરાથી બેંગ્લુરુ આવ્યાને મને ૨ મહિના થયા હતા. નવા શહેરની હવા, અહીંની સ્વતંત્રતા અને એક અલગ જ વાતાવરણે મને જાણે એનામાં જકડી લીધી હતી. માણસોથી ખચોખચ ઊભરાતા આ શહેરમાં એકલતાને કારણે મારું ઘર, મિત્રો અને મારા શહેરની યાદો વધારે ને વધારે તાજી થતી હતી. એવામાં એક વાર બહાર ફરવા નીકળી, ત્યાં એક ફ્લાયઓવર દેખાયો. ફ્લાયઓવર એમ તો હજુ બની રહ્યો હતો, પણ એને જોતાં જ જીવાયેલી જિંદગીની કેટલીક યાદો સાગમટે તાજી થઈ ગઈ.
કોલેજના સમયમાં ચાર જણનું અમારું ગ્રુપ. દોસ્તી એટલી પાકી કે એક નાનકડી બેન્ચ પર પણ અમને ચારેયને સાથે જ બેસવા જોઈએ. સર કહે કે, 'બેન, અલગ બેસો.' પણ માને કોણ! એમાં એકવાર ક્લાસ બન્ક મારીને અમે બહાર રખડવા નીકળ્યા. હવે સીદી સાદી રીતે કેફેમાં બેસીને ગપ્પાં મારવા જેટલા અમે શરીફ તો હતાં નહીં, એટલે અમે વિચાર્યું કે ચલો કંઈક નવું કરીએ. તો રસ્તામાં વચ્ચે એક ઓવરબ્રિજ આવ્યો. ત્યારે બ્રિજનું બાંધકામ ચાલતું હતું. જો કે તે સમયે કદાચ લંચ બ્રેક હતો એટલે એક પણ મજદૂર ત્યાં કામ કરતો દેખાયો નહીં. અમે અમારી કાર નીચે પાર્ક કરી અને ચાલતાં ચાલતાં એ બ્રિજનું જાતે જ ઉદઘાટન કરી નાખ્યું.
પણ આનાથી પણ અમને સંતોષ નહીં થયો. એટલે થોડું ફોટો શૂટ કર્યું અને પછી જોર જોરથી ગીતો ગાવાનું શરૂ કર્યું. બ્રિજ હતો ખાસ્સી હાઈટ પર અને આજુ બાજુ બિલ્ડિંગ્સ પણ ઘણી, બટ હુ કેર્સ! અમે તો બસ, ગાવામાં મશગૂલ હતા. એવામાં મારું ધ્યાન ગયું કે એક બાજુના બિલ્ડિંગમાંથી એક કાકા અમારો વીડિયો શૂટ કરી રહ્યા છે. કોલેજ અભ્યાસના એ સમયમાં પરિપક્વતા હજુ એટલી આવી ન હતી એટલે અમે એ કાકાને જોઈને ગભરાઈ ગયા અને કાકા ક્યાંક વાતનું વાતેસર કરી નાખશે એ ભય સાથે દોડીને બ્રિજ ઉતરી ગયા અને કાર હંકારીને અમે સીધા કોલેજના કેમ્પસમાં આવી ગયા. આ ઘટના બાદ દિવસો સુધી અમારા મનમાં થડકાર રહેલો કે ક્યાંક લોકલ મીડિયા અથવા પોલીસ પાસે અમારો વીડિયો પહોંચી ગયો તો અમે લોકોને શું મોઢું બતાવીશું? જો કે અમારી નાદાનિયત જ હતી. એ કાકાએ અમારો વીડિયો શું કામ ઉતાર્યો હતો એ તો એ કાકા જ જાણે પરંતુ આજ સુધી અમારે એ ઘટનાને લઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.
આજે હવે જ્યારે પણ આ બ્રિજને જોઉં છું તો મને બહુ થઈ આવે છે કે, એ બ્રિજ પર જાઉં. પણ મિત્રોની ખોટ વર્તાય રહી છે. બહેનપણીઓ સાથે હોત તો બ્રિજ પર જઈને સુવર્ણ ભૂતકાળને ફરી તાજો કરી લીધો હોત. સુદામાની વાત લખવા બેઠી છું ત્યારે મને એક બીજો કિસ્સો યાદ આવી રહ્યો છે. ફરીથી જાણે મનમાં ભૂતકાળની રીલ ફરવા લાગી. સ્કૂલની બહેનપણીઓ સાથે વેકેશનના વેકેશન ગાળેલા. નાનપણથી એકબીજા સાથે રહેલા એટલે એકબીજાની નસેનસ ઓળખીએ. એક દવિસે એક બહેનપણીનો બર્થ ડે હતો. એણે બિચારીએ અમને પાર્ટી આપી, પણ અમને કોઈને મજા નહીં આવી એટલે અમે એને ચીડવવા માટે જોગર્સ પાર્કમાં બેઠા. અમારી બર્થ ડે ગર્લ સખત ઈરિટેટ ન થઈ જાય ત્યાં સુધી અમે એને ચીડવ્યા જ કરી. પણ એમ કંઈ છૂટી થોડી કરી દેવાય! ત્યાં જ અમને રસ્તા પર કોઈક અજાણ્યાનો વરઘોડો જતો દેખાયો, એટલે અમે એને ડેર આપ્યું કે, આ વરઘોડામાં તું જઈને નાચી આવ, તો અમે તને માફ કરીએ. મૂળે, તો એ પાછી ડાન્સર જ. બસ, મ્યુઝિક મળવું જોઈએ એટલે એના પગ થિરકવા જ માંડે. જો કે અમને એમ હતું કે ભલે એ ગમે એવી મોટી ડાન્સર હોય પણ આમ કંઈ કોઈના વરઘોડામાં જઈને થોડી નાચે? પણ એ બહેન તો ત્યાં જઈને મસ્ત નાચવા લાગ્યા. હવે, અહીં બેઠાં બેઠાં અમે બધા વિચારીએ કે આ તો સાલી મજા આવે એમ છે. અમારે પણ નાચવું છે. પહેલાં બધા શરમાયા પણ છેલ્લે અમે ઉઠ્યા અને એ અજાણ્યાના લગ્નની જાનમાં ભારે ઉત્સાહમાં નાચ્યા.
એ કારણે જ આજે પણ મને કોઈ અપરિચિત માણસનો વરઘોડો અજાણ્યો નથી લાગતો. અહીં બેંગ્લુરુમાં તો લગ્નોમાં ગુજરાતની જેમ વરઘોડા કાઢીને નાચવાની પ્રથા નથી. પરંતુ અહીંની પરંપરાગત શૈલીમાં નીકળતી વરયાત્રા પણ જ્યારે જોઉં ત્યારે મને મારી મસ્તીખોર બહેનપણીઓ યાદ આવી જાય છે. મિત્રતાની આ જ તો મજા છે કે મિત્રો સાથે હોય તો અજાણ્યાના લગ્નમાં નાચવાની હિંમત પણ આવી જાય છે. બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના જેવું જ કંઈક!
જો કે હવે જ્યારે હું એમનાથી દૂર છું ત્યારે મારી બહેનપણીઓ અને તેમની સાથે વીતાવેલી એકએક ક્ષણ યાદ આવી રહી છે. આટલા વખતથી જે લોકો સાથે હતા એની કદી કદર નહોતી કરી, કારણ કે હંમેશાં એ સાથે જ રહેતાં અને હવે અહીં આવીને ૨ મહિનામાં જાણે એ દરેકે દરેક ક્ષણની કદર થવા લાગી. મિત્રોથી દૂર રહીને સમજાયું કે પોતાના શહેર, માતા-પિતા, મિત્રોથી દૂર જવાનો મારો તરફડાટ એક ભ્રમ હતો, એક નાની બાળસહજ જીદ હતી. અથવા તો મોટા શહેરથી આંખ અંજાઈ ગઈ હતી. વાસ્તવમાં તો મિત્ર એક શેરીમાં પણ મળે ને તો મેટ્રો સિટીમાં ઘૂમ્યાંનો આનંદ મળતો હોય છે. પણ કડવી હકીકત એ કે આ તમામ વાત એમનાથી દૂર જઈને સમજાઈ. સો, એટ ધ એન્ડ આજે સમજાયું છે કે જે મૃગજળ પાછળ ભાગતી હતી એ તો એક સોનાનું પિંજરુ હતું, ખરી સ્વતંત્રતા તો હું ક્યારની પાછળ છોડીને આવી ગઈ છું. વિચારોને બાજુ પર મૂકી, ફોન કાઢ્યો અને વોટ્સએપ પરનું ‘ક્વાડ્રુપલ’ ગ્રુપ ખોલ્યુ અને લખ્યું, ‘મિસ યુ’. અને મારા આશ્ચર્ય વચ્ચે બીજા ત્રણેયના એ જ સમયે મેસેજ આવ્યા, ‘મિસ યુ ટુ’. મિત્રતામાં ઝુરાપો પણ સાથે જ થતો હશે કદાચ!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર