મોટા હોવાનો હક

13 Sep, 2016
12:00 AM

PC: avoicefromtheinside.com

મિત્રોની વાત નિકળે ત્યારે દિવ્યેશનું નામ મારાથી કેવી રીતે ભૂલાય...? દિવ્યેશનું ઘર મારા ઘરથી થોડું જ દૂર... એટલે દિવસમાં ચાર વખત મારા ઘરે આવે... નોટબુક લેવા, વાંચવા, સ્કૂલે જતી વખતે પણ એ મારા ઘરે આવે પછી અમે સાથે સ્કૂલે જઈએ. અને બીજાકોઇ કારણસર આવે કે ન આવે પણ, રોજ સાંજે રમવા જવા માટે તો અચૂક આવે જ... દિવ્યેશની સાથે મારી મિત્રતા નાનપણથી જ પણ જેમ-જેમ મોટા થતા ગયા તેમ-તેમ મિત્રતા ગાઢ બનતી ગઈ.

દિવ્યેશ વિશે કહું તો નાનપણથી એટલો બધો તોફાની કે એના ઘરમાં પણ બધા એનાથી કંટાળી ગયેલા. અને મમ્મી-પપ્પાએ તો મને ઘણી વાર કીધું કે, ચિરાગ, તું દિવ્યેશનો ફ્રેન્ડ છે તો એને સમજાવ. બધી જ જગ્યા પર કેટલું બધું તોફાન કરે છે. આ કારણે મેં પણ એને સમજાવ્યો... પણ એના સ્વભાવમાં અને તોફાનમાં કોઈ ફેર પડ્યો નહોતો.

અમારા વિસ્તારમાં ક્રિકેટ રમતા-રમતા જો કાચ તૂટે એટલે દિવ્યેશના નામની જ બૂમ પડે... તોફાનને કારણે એને ઘણીવાર ઘરમાં માર પણ પડ્યો છે. ઘણીવાર મારું નામ પણ એની સાથે જોડાયું છે અને મારે પણ વડીલોનું સાંભળવું પડ્યું છે.

એક પ્રસંગ અમને બંનેને આજે પણ યાદ છે, જ્યારે અમે આઠમાં ધોરણમાં ભણતા હતા. એ દિવસે સ્કૂલોમાં રજા હતી. અમે બંને પોતપોતાની સાયકલ લઈને ફરવા નીકળી ગયેલા... સવારથી સાંજ સુધી ફર્યા... થોડા પૈસા હતા તેમાંથી નાસ્તો કર્યો... અને આખો દિવસ રખડપટ્ટી કરી... મોડી સાંજે ઘરે પહોંચ્યા ત્યારે અમારા આખા વિસ્તારમાં હો-હા થઈ ગયેલી કે, દિવ્યેશ અને ચિરાગ ગૂમ થઈ ગયા છે. કોઈક વળી એમ પણ વાત લાવેલું કે, કોઈએ અમારું અપહરણ કર્યું છે. આ કારણે અમારા ફળિયાના વડીલો તો પોલીસ સ્ટેશનમાં પણ નોંધ કરાવી આવેલા. અમે પાછા આવ્યા પછી અમારા બંનેની સ્થિતી ગંભીર થઈ ગઈ હતી.

જોકે અચાનક દિવ્યેશ 10માં ધોરણમાં થોડો ગંભીર થયો અને 12માં ધોરણમાં તો એ એકદમ જ ગંભીર થઈ ગયેલો... પછી તો જાણે એ કરિયરની પાછળ જ પડી ગયો... અભ્યાસમાં પણ ખૂબ ધ્યાન આપ્યું, પરંતુ ઘણી મહેનત કરવા છતાં પણ એને સરકારી જોબ મળી શકી નહીં. તેથી પોતાનો બિઝનેસ શરૂ કરવાના પ્રયત્નો દિવ્યેશે શરૂ કરી દીધેલા. અને એમાં આગળ વધતો ગયો... આજે એ પોતાની રેસ્ટોરન્ટ ચલાવે છે. ક્યારેક એને સામાજિક કે કૌટુંબિક કામ આવી પડે ત્યારે હું રેસ્ટોરન્ટ સંભાળું છું.

દિવ્યેશે રેસ્ટોરન્ટ ખોલી ત્યારે મને કીધેલું કે, જો ચિરાગ, મારી રેસ્ટોરન્ટનો તને લાઈફટાઈમનો પાસ આપી દઉં છું... જ્યારે પણ આવવાની ઈચ્છા થાય ત્યારે જરા પણ વિચાર કર્યા વગર, પોતાની રેસ્ટોરન્ટ સમજીને જ આવવાનું. બાકી આપણા શહેરમાં બીજી ઘણી રેસ્ટોરન્ટ છે.

અમારી એ મિત્રતા આજે પણ અકબંધ જળવાઈ રહી છે.. આજે અમારી મિત્રતા કૌટુંબિક મિત્રતા બની ગઈ છે. વર્ષમાં એકવાર અચૂક અમારા બંને કુટુંબો ટૂર પર જાય છે... નાના-મોટા પ્રસંગોમાં ભેગા થઈએ છીએ... દિવ્યેશ મારા કરતાં ફક્ત 22 દિવસ મોટો છે... એટલે ઘણી વાર એ મોટા હોવાનો હક ભોગવે છે અને હું નાના ભાઈની ભૂમિકા ભજવી લઉં છું...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.