શેરુ મારો દોસ્ત

08 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

મારી દોસ્તીની વાત અનેરી છે. કારણ કે મારા દોસ્તો પણ અનેરા છે. માણસો સાથે તો મારે દોસ્તી છે જ, પણ પ્રાણીઓ સાથે મારે માણસો કરતા થોડી વધુ આત્મીયતા છે. એટલે જ આજે મને મારા આ અનોખા વિશ્વ અને અનોખી મૈત્રીને આલેખવાનું મન થયું. નાનપણથી જ મને પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ. નાનો હતો ત્યારે મિત્રો સાથે ગલીમાં ક્રિકેટ રમતો ત્યારથી ગલીના બધા કૂતરા મારી દોસ્તી. ખબર નહીં કેમ પણ એ પ્રાણીઓ તરફ મને સતત આકર્ષણ થાય. હું તો એમ માનું છું કે, ઈશ્વરે શ્વાનો માટે મને એક વિશેષ ઈન્દ્રિય આપી છે, જ્યાં દૂર ક્યાંક કોઈ કૂતરું ભસતું હોય કે એ કણસતું હોય તો મને એની લાગણીનો ખ્યાલ આવી જાય અને સાવ કુદરતી રીતે હું મારા બધા કામો પડતા મૂકીને એ અવાજની દિશામાં દોડું અને શ્વાનને પ્રાથમિકતા આપું.

મારે વાત કરવી છે મારા શેરુની. આમ તો દુનિયાના તમામ શ્વાનો મારા જ છે એમ કહું તો ચાલે. પરંતુ એ બધા શ્વાનો ચોવીસ કલાક મારી સાથે રહેતા નથી. પરંતુ શેરુ મારા ઘરમાં, મારી સાથે રહે છે. એટલે એની સાથે થોડો વિશેષ લગાવ. શેરુને માત્ર ચાર પગ છે એટલુ જ. બાકી એને પણ માણસોની જેમ બધી જ બાબતોની સમજણ પડે અને ક્યારેક તો સમજણની બાબતે માણસોને પણ પાછળ છોડી જાય!

સમજણની બાબતે કે કેરની બાબતે એ માણસોની બરાબરી કેમ કરે છે એ વિશેના કેટલાક ઉદાહરણો જોઈએ. ભણવા માટે કે કોઈ કામને માટે મારે ઘરની બહાર જવાનું થાય તો, સૌથી પહેલા તો એને ખબર પડે કે, હું બહાર જઈ રહ્યો છું એટલે એ મારી માની જેમ મારી આગળ પાછળ ફરી વળશે. હું મારી કોઈ વસ્તુ ભૂલી નહીં જાઉં એની કાળજીમાં એ મારા બૂટ્સ કે મારી કારની ચાવીઓ જ્યાં મૂકાયેલી ત્યાં વારંવાર જઈ આવે, જેથી મારું એ વસ્તુ તરફ ધ્યાન જાય. બહાર ગયા પછી જો હું ચોક્કસ સમયે ઘરે નહીં આવું તો આખા ઘરમાં ઉત્પાત મચાવશે અને રહી રહીને ઘરની બાલ્કનીમાં જઈને ડોકાવશે અથવા અમારા ફ્લોરની લિફ્ટ ખૂલવાનો અવાજ આવશે તો એ દોડીને દરવાજા તરફ જશે.

એમાંય જો ઘરે આવવામાં મને ઘણું મોડું થઈ ગયું તો પતી ગઈ વાત. મારી ગર્લફ્રેન્ડની જેમ એ રીસાઈ જશે અને મારા ઘરના સભ્યો એને બોલાવશે કે એને જમવાના સમયે ખાવાનું આપશે તો એ ખાવાનું નહીં ખાય અને દરવાજા પાસે મોઢું ફેરવીને બેસી રહેશે. ઘણા કલાકો પછી હું જેવો ઘરમાં એન્ટર થાઉં કે, એનામાં જાણે કોઈ અજીબ તાકાત આવી જાય અને સૌથી પહેલા તો દોડીને મને ભેટી પડે. હું ઘરમાં આવું પછી પણ, જ્યાં સુધી ફ્રેશ થઈને હું અન્નનો દાણો નહીં અડું ત્યાં સુધી એ પણ નહીં ખાય. જાણે મારી દાદી હોય એમ એ મારા વિના ભૂખ્યો બેસી રહેશે.

આ તો ઠીક, ભાઈસાહેબને રાત્રે પણ મારી રૂમમાં જ સૂવા જોઈએ અને રાત્રે જો હું મોડે સુધી રૂમની લાઈટ ચાલું રાખુ અથવા અંધારામાં મારી ગોડદીમાં એને મોબાઈલનો પ્રકાશ દેખાય તો મારા ડેડ બનીને એ ધીમે ધીમે ઘૂરકીયા કાઢશે અને મને ઉંઘી જવા માટે એલર્ટ કરશે.

સવારથી રાત સુધી શેરુને મારા સિવાય બીજુ કંઈ જ નથી દેખાતું. એવું પણ નથી અમારા ઘરમાં મારા સિવાય શેરુ કોઈને ગાંઠતો નથી. પરંતુ એટલું ખરું કે, અમારા બેનું બોન્ડિંગ ઘણું છે. એટલે એ મારી એક્સટ્રા કેર કરે છે. મને પણ એની કેર કરવાનું ઘણું ગમે છે તો એ પણ આખો દિવસ મારામાં જ રમમાણ રહે છે. અમારા બેનો આ સંબંધ બીજુ કંઈ જ નથી પણ અમારી મૈત્રીનો ઉત્સવ છે, જેને અમે હરરોજ, પળેપળ મનાવીએ છીએ.  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.