કેટલાક મિત્રો, કેટલીક યાદો

06 Dec, 2016
12:00 AM

PC: amazonaws.com

મારા મિત્રો વિશેની વાત માંડવાની આવે એટલે મન અમસ્તુ જ વર્તમાનમાંથી કૂદકો મારીને ભૂતકાળમાં પહોંચી જાય અને પછી જાણે કોઈ દૈવી નદીમાં ડૂબકી મારીને મન કંઈ કેટલીય યાદોમાં રસતરબોળ થઈને આવે. ઓફિસના એસીમાં બેઠા બેઠા કૉલેજના કેમ્પસની હૂંફ અનુભવાય અને કામ અધૂરું મૂકીને મન ઓફિસની ચેર પર નહીં પણ ક્લાસરૂમની બેંચ પર પહોંચી જાય. આમ તો આ જીવનમાં ઘણા મિત્રો થયાં છે, પરંતુ કૉલેજમાં થયેલા મિત્રો અને એમની સાથે જીવાયેલા જીવનની વાત જ કંઈ ઓર છે. કારણ કે, બાળપણમાં જે મિત્રો થયેલા એમની સાથેનો સમય અણસમજમાં ગયો તો નોકરી શરૂ થઈ પછી જે મિત્રો થયાં એમની સાથેનો સમય જીવનની ચિંતામાં જાય છે. પણ કૉલેજમાં ન તો અણસમજણ હતી કે ન કોઇ ચિંતા! જે હતું એ જીવન હતું, જેમાં અનેક પ્રકારની મજા, જલસા કરવાની તક મળી.

કૉલેજમાં મને કૌશલ અને અચલ સાથે અચાનક મિત્રતા થઈ ગયેલી. કૉલેજના પ્રથમ વર્ષમાં સીઆર અને જીએસની ચૂંટણીઓ દરમિયાન અમારી મુલાકાત થયેલી અને ત્યાર પછી આગળ વધેલી મિત્રતા છેક છેલ્લા વર્ષ સુધી અત્યંત ગાઢ રહી. એ દરમિયાન ચાલું ક્લાસે બંક કરવાથી લઈને પરીક્ષામાં ચોરીનો પ્રયત્ન કે કેન્ટીનની ધમાલો, બગીચામાં છોકરીઓને જોવા જવાથી લઈને, એક જ બાઈક પર ત્રણ સીટ બેસી શહેર આખામાં રખડવા સુધીના કામોમાં અમે સાથે રહ્યા અને એમાં અનેક યાદોને જીવ્યા.

કૉલેજમાં હતા ત્યારે મોટે ભાગે અમે લેક્ચર્સ ભરતા નહીં. પરંતુ કૉલેજનો કાયદો એટલો કડક કે જો અમુક ટકા હાજરી નહીં હોય તો અમને પરીક્ષા આપવા દેતા નહીં. એટલે ફરજિયાત હાજરી તો પૂરાવવી જ પડે. તો માટે કરવું શું? તોકે અમારા ત્રણમાંથી કોઈ પણ એક લેક્ચરમાં જાય અને હાજરીના ક્રમ બોલાતા હોય ત્યારે અમારા ત્રણેય વતી 'યસ સર' કરી દે અને લાગ મળતા જ ક્લાસના બીજા દરવાજેથી બહાર ભાગી આવે! આમાં કેટલીક વાર એવું પણ બનતું કે, શિક્ષક કડક હોય અથવા તક ન મળે તો પેલો જે અમારામાંનો એક ક્લાસમાં ગયો હોય એ ક્લાસમાં જ ફસી જાય અને એણે પૂરા કલાક સુધી ગોંધાઈ રહેવું પડે. અને પછી એ બહાર આવે અને જે ધિંગામસ્તી થાય અને જે ગાળાગાળી થાય એ જોવાજેવી હોય....

આવું જ કંઈક પરીક્ષા વખતે પણ થતું, જ્યાં પેપર પતાવીને કોણ પહેલું આવે એની અમારી વચ્ચે હોડ લાગતી. અને જો એમાં કોઈ છેલ્લા કલાકમાં આવે કે થોડો લેટ આવે તો એનો ઉઘડો લેવાઈ જાય કે, 'સાલા તું જૂઠ્ઠું કેમ બોલેલો કે તે કંઈ વાંચેલું નહીં? જો વાંચેલું નહીં તો આટલું બધું લખ્યું ક્યાંથી?' અને પછી રીતસરની છૂટ્ટાહાથની મારામારી થઈ જતી અને કેમ્પસમાં ભાગમભાગ થઈ જતી.

જોકે એ સમય જ જાણે કોઈ પતંગિયાની પાંખ પર બેસીને આવ્યો હતો. કારણ કે, હજુ તો એનો નશો બરાબર ચઢે નહીં ત્યાં કૉલેજનું છેલ્લું વર્ષ ચેતાવણી જેવું આવી ચઢ્યું અને કમનસીબી એ હતી કે, એ વર્ષ પણ પૂરું થઈ ગયું અને અમે સૌ અમારે રસ્તે પડી ગયા. આજે બે દાયકા પછી અમે ત્રણેય મોંઘીદાટ કારમાં ફરીએ છીએ, વર્ષમાં એકાદ વાર મળીએ પણ ખરાં અને ક્યાંક લોંગ ડ્રાઈવ પર પણ જઈએ. પરંતુ બાઈક પર ત્રણ સીટમાં ફરવાની જે મજા આવતી એ મજા હવે નથી આવતી. કારણ કે હવે બાઈક પર હતું એટલું અંતર ક્યાં છે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.